ટ્રેવિસ હેડ હેડેક બન્યા પછી હૅઝલવૂડનો ફરી હાહાકાર

ઍડિલેઇડ: ઑસ્ટ્રેલિયાએ અહીં પ્રથમ ટેસ્ટમાં બુધવારના પહેલા દિવસે વેસ્ટ ઇન્ડિઝની ટફ ફાઇટનો સામનો કરવો પડ્યો, પણ બીજા દિવસે કૅરિબિયનોની એવી બૂરી હાલત થઈ કે તેમણે હવે ત્રીજા દિવસે જ પરાજય જોવો પડશે તો નવાઈ નહીં લાગે. પ્રથમ દિવસે કૅપ્ટન પૅટ કમિન્સની જેમ બીજા ફાસ્ટ બોલર જૉશ હૅઝલવૂડે પણ ચાર વિકેટ લીધી હતી, જ્યારે બીજા દિવસે બૅટિંગમાં ટ્રેવિસ હેડ છવાઈ ગયો ત્યાર પછી ફરી હૅઝલવૂડે વેસ્ટ ઇન્ડિઝને કફોડી સ્થિતિમાં મૂકી દીધું હતું.
ક્રેગ બ્રેથવેઇટના સુકાનમાં કૅરિબિયન ટીમે ફર્સ્ટ ઇનિંગ્સમાં 188 રન બનાવ્યા એના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ 283 રન બનાવીને 95 રનની સરસાઈ લીધી હતી. આ મોટી લીડ ટ્રેવિસ હેડ (119 રન, 134 બૉલ, ત્રણ સિક્સર, બાર ફોર)ને લીધે મળી શકી હતી. કાંગારૂ ટીમનો આ વળતો જંગ હેડ માટે જરાય આસાન નહોતો. તેણે પાંચ મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ટ્રેવિસ હેડે પહેલાં તો ચોથી વિકેટ માટે ઉસ્માન ખ્વાજા (45) સાથે 90 બૉલમાં 46 રનની અને ત્યાર બાદ મિચલ માર્શ (પાંચ) સાથે 38 બૉલમાં 16 રનની, ઍલેક્સ કૅરી (15) સાથે 71 બૉલમાં 39 રનની, મિચલ સ્ટાર્ક (10) સાથે 77 બૉલમાં 54 રનની અને પૅટ કમિન્સ (12) સાથે 33 બૉલમાં 33 રનની પાર્ટનરશિપ કરી હતી. પહેલી જ ટેસ્ટ રમી રહેલા પેસ બોલર શમર જોસેફનો પાંચ વિકેટનો પર્ફોર્મન્સ ખરાબ તો ન કહેવાય, પરંતુ તેની 20 ઓવરમાં 94 રન બન્યા એ પણ તેના માટે મોટી નિરાશા કહેવાય કારણકે તે હેડને અંકુશમાં નહોતો લઈ શક્યો. હેડની હોમ-ટાઉનની આ સેન્ચુરી સાથે કુલ સાત સદી થઈ છે.
વેસ્ટ ઇન્ડિઝે ગુરુવારે બીજા દાવમાં ફક્ત 73 રનમાં છ વિકેટ ગુમાવી દીધી અને સરસાઈના હજી બીજા બાવીસ રન ઉતારવાના બાકી હતા એ જોતાં હોમ-ટીમનો કોઈ ધબડકો ન થાય તો ઑસ્ટ્રેલિયાને આ ટેસ્ટ બહુ વહેલી જીતી લેવાની સારી તક છે. બીજા દાવમાં પણ જૉશ હૅઝલવૂડ કૅરિબિયન ટીમને ભારે પડ્યો હતો. તેણે માત્ર 18 રનમાં ચાર વિકેટ લીધી હતી.