નેશનલ

Arvind Kejriwal: ED ચોથા સમન્સ પર પણ કેજરીવાલ હાજર ન થયા, આજે ગોવા જશે

નવી દિલ્હી: કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ED તરફથી ચોથું સમન્સ મળ્યા બાદ પણ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આજે પૂછ પરછ માટે હાજર થયા ન હતા. અરવિંદ કેજરીવાલે તેમના જવાબમાં લખ્યું છે કે EDનો ઉદ્દેશ્ય તેમની ધરપકડ કરવાનો છે. અરવિંદ કેજરીવાલે EDના સમન્સ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે બે વર્ષથી તપાસ ચાલી રહી છે, પરંતુ લોકસભા ચૂંટણી પહેલા જ મને પૂછપરછ માટે નોટિસ કેમ મોકલવામાં આવી? તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ ED ચલાવી રહી છે.

આમ આદમી પાર્ટી (AAP) એ ફરી એક વખત કહ્યું કે ED કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માંગે છે. AAPએ સવાલ પૂછ્યો હતો કે જ્યારે EDએ પોતાની ચાર્જશીટમાં લખ્યું છે કે કેજરીવાલ આરોપી નથી, તો પછી તે શા માટે તેમને સમન્સ મોકલી રહ્યું છે અને શા માટે તેમની ધરપકડની તૈયારી કરી રહ્યું છે.


આમ આદમી પાર્ટીએ કહ્યું, ‘ભાજપમાં જોડાનારા ભ્રષ્ટ નેતાઓના કેસ કેમ બંધ છે. અમે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી, અમારો કોઈ નેતા ભાજપમાં જોડાશે નહીં.


EDએ અગાઉ ગયા વર્ષે 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે અને આ વર્ષે 3 જાન્યુઆરીએ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા. પરંતુ ત્રણેય વખત તે કેન્દ્રીય એજન્સી સમક્ષ હાજર થયા ન હતા અને સમન્સને ગેરકાયદેસર ગણાવ્યા હતાં.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરવિંદ કેજરીવાલ આજે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન સાથે ગોવા રવાના થઈ શકે છે. આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓના સંદર્ભમાં કેજરીવાલ 18, 19 અને 20 જાન્યુઆરીએ ગોવામાં રોકાશે અને ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મળશે. આ સાથે તેઓ એક જાહેર રેલીને પણ સંબોધિત કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button