(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધિકારીઓ તરફથી તંગ નાણાનીતિ જાળવી રાખાવાના અણસાર, ગત ડિસેમ્બર મહિનામાં અમેરિકાના રિટેલ વેચાણમાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ અને ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં આગેકૂચ સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. જોકે, ચાંદીમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૪થી ૨૯૫નો ઘટાડો આગળ ધપ્યો હતો, જ્યારે વૈશ્વિક ચાંદીમાં સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં ભાવઘટાડો કિલોદીઠ રૂ. ૧૧૬ સુધી મર્યાદિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ નીચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧૬ના સાધારણ ઘટાડા સાથે રૂ. ૭૧,૦૭૫ આસપાસ રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ, જૂના સોનામાં વેચવાલીનું દબાણ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૪ ઘટીને રૂ. ૬૧,૭૩૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૯૫ ઘટીને રૂ. ૬૧,૯૮૨ના મથાળે રહ્યા હતા.
ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડની મજબૂતી સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ એક તબક્કે ઘટીને ગત ૧૩ ડિસેમ્બર પછીની સૌથી નીચી ૨૦૦૧.૭૨ ડૉલર સુધી ઘટી આવ્યા બાદ ધીમો સુધારો આવ્યો હતો. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૦૮.૧૭ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૨૦૧૦.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૫૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વનાં ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે ફેડરલ રિઝર્વ વ્યાજદર કપાતમાં ઉતાવળ નહીં કરે એવા સંકેતો આપ્યા બાદ ડૉલર તથા ટ્રેઝરીની યિલ્ડમાં તેજી આગળ ધપતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું સિંગાપોર સ્થિત ડીલર ગોલ્ડ સિલ્વર સેન્ટ્રલનાં બ્રિઆન લાને જણાવતાં ઉમેર્યું હતું કે હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે યોજાનારા બે પ્રસંગમાં એટલાન્ટા ફેડનાં પ્રમુખ રાફેલ બોસ્ટીકનાં વક્તવ્ય પર સ્થિર થઈ છે. જોકે, સીએમઈ ફેડ વૉચ ટૂલ અનુસાર હવે બજાર વર્તુળો જે અગાઉ માર્ચ મહિનામાં વ્યાજદર કપાતની શક્યતા જે ૭૫ ટકા વ્યક્ત કરી રહ્યા હતા તે હવે ૬૧ ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને