રામલલાને અત્યારથી જ મળે છે આટલા કરોડનું દાન……

અયોધ્યાઃ ભારતમાં મંદિરો જેટલી આવક કદાચ બીજા કોઈ ક્ષેત્રમાં નથી અને તેના ઉદાહરણ તરીકે તમે તિરુપતિ બાલાજીના મંદિરની આવક જોઈ શકો છો. ત્યારે હજુ તો તૈયાર થતા અયોધ્યામાં પ્રભુ રામના મંદિરની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ભગવાનના દર્શને આવનારા ભક્તો ભગવાનની પૂજા પણ કરી રહ્યા છે અને દાન પણ કરી રહ્યા છે. હાલમાં ભગવાન રામલલાની દાનપેટીમાં દરરોજ ત્રણથી ચાર લાખનું દાન આવી રહ્યું છે. જો આખા મહિનાની વાત કરીએ તો આ રકમ 1.5 થી 2 કરોડ રૂપિયા જેટલી થાય છે. જો કે હજુ સુધી ઓનલાઈન દાનની કોઈ ગણતરી કરવામાં આવી નથી.
22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રી રામના અભિષેક બાદ લાખો ભક્તો અયોધ્યા દર્શને જાય તેવી સંભાવના છે. ત્યારે આ તમામ ભક્તો કંઈ ને કંઈ દાન કરશે. કારણકે ભક્તો એક આસ્થા સાથે જોડાયેલા હોય છે. હવે જ્યારે પ્રભુ રામ હજુ મંદિરમાં બિરાજ્યા નથી ને દાન આટલું આવે છે તો જ્યારે મંદિરમાં પ્રભુ રામનો અભિષેક થશે તો કેટલું દાન આવશે. ત્યારે એક અંદાજ પ્રમાણે મંદિરના નિર્માણ બાદ શ્રદ્ધાળુઓ તરફથી દાનની રકમમાં ચાર ગણો વધારો થશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર અહીં દરરોજ દાન પેટીઓમાં પૈસા જમા થાય છે. પરંતુ જ્યારે તે ભરાય છે, ત્યારે જ તે રકમને કાઉન્ટ કરવામાં આવે છે. પરંતુ અમારી માહિતી પ્રમાણે કાઉન્ટર પર હાતમાં જે રકમ આવી રહી છે તે રોજના ત્રણથી ચાર લાખની વચ્ચે છે. દર મહિને લગભગ 1.5 કરોડ રૂપિયા આવી રહ્યા છે. લોકો પોતાની ક્ષમતા મુજબ દાન કરી રહ્યા છે. લોકો પ્રભુ રામને ધરવા માટે અનોખી વસ્તુઓ પણ લાવી રહ્યા છે. લોકો ભગવાન માટે કંઈ પણ કરવા તૈયાર છે અને તે આપણી કલ્પના બહારની વાત છે.