Khichdi Scam કેસમાં EDએ આદિત્ય ઠાકરેના નજીકના સૂરજ ચવ્હાણની કરી ધરપકડ
![](/wp-content/uploads/2024/01/ED.webp)
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ BMC કોવિડ સેન્ટર ખીચડી કૌભાંડ કેસમાં આદિત્ય ઠાકરેના નજીકના સૂરજ ચવ્હાણની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડની કુલ રકમ રૂ. 6.7 કરોડ હતી. જેમાં મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે આ કેસ નોંધ્યો હતો. આ ઘટનામાં કુલ 7 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તેમજ આ FIRના આધારે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં EDએ આ કેસ સાથે જોડાયેલા આરોપીઓના સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ ED આજે સુરજ ચવ્હાણને કોર્ટમાં રજૂ કરી શકે છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ BMC પર 4 હજાર કરોડ રૂપિયાની વિગતો ન આપવાનો આરોપ લગાવ્યો હતો. આરોપ બાદ BMCએ પણ સ્પષ્ટતા જારી કરી હતી. અને ત્યારબાદ આ ખીચડી કૌભાંડ વિશે માહિતી બહાર આવી હતી.
કોવિડ દરમિયાન BMC પર કથિત રીતે બોડી બેગ, ખીચડી, ઓક્સિજન પ્લાન્ટ, કોવિડ સેન્ટર કૌભાંડનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અગાઉ, મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) એ શિવસેના (UBT) નેતા અમોલ કીર્તિકર અને યુવા સેનાના અધિકારી સૂરજ ચવ્હાણને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા.
સૂરજ ચવ્હાણને આદિત્ય ઠાકરેના ખૂબ નજીકના નેતા માનવામાં આવે છે, જ્યારે અમોલ કીર્તિકર સાંસદ ગજાનન કીર્તિકરના પુત્ર છે. આશ્ચર્યજનક વાત એ છે કે ગજાનન કીર્તિકર શિંદે સાથે છે જ્યારે તેમનો પુત્ર અમોલ કીર્તિકર ઉદ્ધવ ઠાકરે જૂથમાં છે.
EOWએ જણાવ્યું હતું કે અમોલ કીર્તિકરે કથિત રીતે રૂ. 52 લાખ અને સૂરજ ચવ્હાણને રૂ. 37 લાખ કંપની પાસેથી મળ્યા હતા જેને રોગચાળા દરમિયાન સ્થળાંતરિત મજૂરોને ખીચડી વહેંચવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. EOW ને શંકા છે કે આ બંનેએ પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને એક કોન્ટ્રાક્ટરને ખીચડી માટે ટેન્ડર મેળવવામાં મદદ કરી હતી, જોકે કોન્ટ્રાક્ટર ટેન્ડર માટે લાયક ન હતો, તેમ છતાં તેણે ટેન્ડર આપવામાં આવ્યું હતું.