લાડકી

સફેદ ચહેરો પ્રકરણ-૪

કનુ ભગદેવ

‘કિરણ, તું જાણે તો છે જ કે ગમે તેવા હજાર જાતના અરજન્ટ કામ પડતાં મૂકીને હું તારી પાસે આવવા માગું છું, પરંતુ અચાનક એક લાચારી મારા પર આવી પડી છે, મારે મારા એક મિત્રને આજે જ-બલ્કે વીસ-પચીસ મિનિટમાં જ મળવા જવાનું છે’

(ગતાંકથી ચાલુ)
‘શું ઊટપટાંગ વાતો કરે છે તું કિરણ…!’ દિવાકર ધુંધવાએલા અવાજે બોલ્યો, ‘તારા સિવાય બીજી કોઈ જ છોકરી મારી જિંદગીમાં નથી આવવાની અને આવશે પણ નહીં, તારામાં બીજી એવી કંઈ કમી છે, કે મારે બીજી છોકરીના મોહપાશમાં લપેટાવુ પડે?’ આ ભીડભરી દુનિયામાં મને ફકત તું એક જ દેખાય છે ડાર્લિંગ!’

‘તો પછી આજે તારા પર અચાનક એવો તે કયો પહાડ તૂટી પડ્યો છે કે જેને કારણે તું ફિલ્મનો પ્રોગ્રામ કેન્સલ કરી રહ્યો છે.’

‘કિરણ, તું જાણે તો છે જ કે ગમે તેવા હજાર જાતના અરજન્ટ કામ પડતાં મૂકીને હું તારી પાસે આવવા માગું છું, પરંતુ અચાનક એક લાચારી મારા પર આવી પડી છે, મારે મારા એક મિત્રને આજે જ-બલ્કે વીસ-પચીસ મિનિટમાં જ મળવા જવાનું છે.’

‘હું જાણું છું. તારો એ દોસ્ત પેલો દેશાઈભાઈ જ હશે. એના સિવાય બીજું કોણ હોય? તને એકસો વખત કહી ચૂકી છું દિવાકર, કે એ માનવીના રંગ-ઢંગ મને સારા નથી લાગ્યા. અગાઉ એકાદ-બે વખત તારી સાથે તે મને મળ્યો હતો, ત્યારે જાણે મને કાચીને કાચી ફાડીને ખાઈ જવી હોય એ રીતે વિચિત્ર નજરે મારી સામે જોતો હતો.
દિવાકર, આ દેશાઈભાઈ મને અઠંગખેલાડી અને જબરો ફરદો માણસ લાગ્યો છે. હું તેને હરગીઝ પસંદ નથી કરતી. કદાચ એક દિવસ તારે અમારા બેમાંથી એકની જ પસંદગી કરવી પડશે. મને અથવા દેશાઈભાઈને. હું તને સાફ સાફ જણાવી દઉં છું કે…’

‘સાંભળ તો ખરી…’

પરંતુ સામે છેડેથી રીસીવર મૂકી દેવાનો અવાજ આવ્યો.
દિવાકરે રીસીવરને ક્રેડલ પર ગોઠવ્યું. અને પછી એક સિગારેટ પેટાવી. એને મનોમન ખૂબ જ રોષ ચડતો હતો પણ એ રોષ કોના પર હતો, એ વાત તે પોતે જ નક્કી નહોતો કરી શકતો. બાહ્ય રોષ તો એને દેશાઈભાઈ પર જ ચડતો હતો, પરંતુ એ માનવીને તે એટલો બધો ચાહતો હતો… સાથે જ એનાથી એટલો બધો ગભરાતો હતો કે પ્રયાસ કરવા છતાં પણ રોષનું કેન્દ્ર તે પ્રત્યક્ષ રીતે તેને નહોતો બનાવી શકતો.

કેવો મજાનો પ્રોગ્રામ એણે બનાવ્યો હતો. કિરણ સાથે એ શાનદાર ફિલ્મ જોવા જવાનો હતો. હરવા-ફરવાનો હતો. પણ દેશાઈભાઈ કબાબમાં હડ્ડીની જેમ ટપકી પડ્યો હતો.
એણે છેલ્લો કશ ખેંચીને સિગારેટને એશ-ટ્રેમાં બુઝાવી દીધી. અને પછી પોતાના રૂમની બાલ્કનીમાંથી બહાર ચારે તરફ નજર દોડાવી. ઘડીભર તો એ વિચારોના તાણાવાણામાં ઓતપ્રોત બની ગયો. નીચે બગીચામાં આજે જ બોલાવેલા માળીઓ નગ છોડને રોપવા માટે આવ્યા હતા. એ લોકોને પૈસા
પણ તેણે એડવાન્સમાં જ આપી દીધા હતા.

ચારે તરફ એની પોતાની દુનિયા હતી. ખૂબસૂરત બંગલો! એની પોતાની માલિકીની સુંદર મોટરકાર! શહેરમાં માન-મરતબો, આબરૂ અને ઈજ્જત! દિવાકર જોષી! શહેરમાં માનમરતબો, આબરૂ અને ઈજ્જત હતી, શોહરત હતી… આ નામનો આજે રૂઆબ હતો… અને નામધારી વ્યક્તિનું પણ કંઈક મહત્ત્વ હતું. એણે બીજી સિગારેટ પેટાવી ત્રણ વર્ષ પહેલાંનો ભૂતકાળ એની આંખો સામે સિનેમાની પટ્ટીની જેમ આંખો સામે ઊપસી આવ્યો.

અલબેલી મુંબઈ નગરી! લાખો બેકાર, બે ઘર… બેસુમાર ભિખારીઓ… અને આવા જ ભિખારી તથા બેકારોનાં ટોળાઓમાંથી એક હતો દિવાકર! દરિયામાં સુકાન વગરનું વહાણ જેમ મોજાઓની થપાટથી આમતેમ ડોલે છે, એ જ રીતે તે મુંબઈમાં આધાર વગરનો – આશરા વગરનો, લોકોના ધક્કા ખાતો ડોલતો હતો.
અને પછી અચાનક એક દિવસ દૈત્ય જેવો એક માનવી તેને મળી ગયો. એ હતો દેશાઈભાઈ! અને એ જ દેશાઈભાઈના કારણે આજે તે આસ્માનની બુલંદી પર વિહરતો
હતો.

ગઈ કાલે તેની પાસે પાઉરોટી લેવાના ચાર આના નહોતા તે આજે આઠ આનાવાળી દરરોજની ત્રીસ-ચાલીશ સિગારેટ ફૂંકી નાંખતો હતો.
દેશાઈભાઈની મુલાકાતને એક વર્ષ વીતી ગયું. અને આ એક વર્ષમાં દિવાકરે દેશાઈભાઈ સહિત દુનિયાને – દુનિયાના માનવીઓને નજીકથી, ખૂબ નજીકથી જોયા-જાણ્યા અને નિહાળ્યા.
આજે તે ચારે તરફ જોઈ શકતો હતો. એની દૃષ્ટિમર્યાદામાં જેટલું સમાઈ શકતું હતું, એમાંથી ઘણું બધું એની પોતાની માલિકીનું હતું. આજે ઘણા માણસો ખડે પગે એના હોઠ ફફડવાની રાહ જુએ છે અને હોઠ પૂરેપૂરા ઊઘડે એ પહેલાં જ આંખના પલકારામાં અને ઈચ્છિત વસ્તુને હાજર કરી દે છે.

સોસાયટીમાં એનું નામ ખૂબ જ ગર્વથી ઉચ્ચારાય છે.

ઓહ…! તેઓ….! તમે નથી ઓળખતા એમને…! તેઓ છે દિવાકર જોષી! દેશાઈ સ્ટિમના પાર્ટનર…!

અલબત્ત, સારી વસ્તુઓ અને વાતો સાથે નરસી વાતો પણ જોડાયેલી હોય છે. ઘણાએ કાનાફુસી અને ધીમો ગણગણાટ પણ કરે છે.

‘ઉફ…! એ સાલ્લો દિવાકરનો બચ્ચો… દાણચોર છે… એક દિવસ તમે જોઈ લેજો સાહેબ! પોલીસ એને હાથમાં બેડી પહેરાવીને જ જંપશે. દાણચોરી સહેલી નથી સાહેબ! એ બેટો પકડાય પછી જ એને સમજાશે કે આ સોના કરતાં પિત્તળનો ધંધો કર્યો હોત તો સારું હતું.’

-દાણચોરી….! બકવા દો સાલાઓને! હવે કોઈના મોં પર તાળું થોડું જ મરાય છે? પોતે શા માટે કોઈનો વિરોધ કરવો જોઈએ?

વિરોધ કરવાથી તો ઊલટું તેઓ વધારે ગણગણાટ કરશે. બોલવા દો હરામીઓને! મારા બાપનું શું જાય છે?

આપણે તો આપણી દુનિયામાં જ ખુશખુશાલ રહેવું જોઈએ. અને આજે પોતે ખુશ છે. પોતાની પાસે બધું જ છે. ધન, દોલત, ઈજ્જત બંગલો એશો-આરામનાં દરેક સાધનો અને કિરણ જેવી ખૂબસૂરત પ્રેમિકા!

-કિરણ!
એના હોઠ ફફડયા! ખૂબ જ મિજાજી છોકરી છે. પોતે એણે જેમ ખૂબ ખૂબ ચાહે છે, તેમ એ પણ પોતાને અનહદ પસંદ કરે છે.

એના કહેવા પ્રમાણે તે ફોર્ટમાં સાગર મહાલમાં સ્થિત એક ગર્લ્સ હોસ્ટેલમાં ભણે છે, માતા-પિતા કાનપુર રહે છે. એ એકલી જ અહીં અભ્યાસ કરવા આવી છે.
અચાનક કિરણ એની જિંદગીમાં આવી અને જે દિવસે તેઓ બંને લગ્નની પવિત્ર ગાંઠમાં બંધાઈને એક બની જશે એ દિવસ કેટલો બધો સુંદર હશે?
પરંતુ આ બંનેની વચ્ચે એક દીવાલ પણ છે જ!

ભેદની…! રહસ્યની…!

એક દિવસ કિરણે કહ્યું હતું:
‘દિવાકર, કોણ જાણે કેમ મને એવું લાગે છે કે મારો અને તારો પરિચય હજુ અધૂરો જ છે અને કદાચ જીવનભર અધૂરો જ રહી જશે એવું પણ મને લાગે છે. તને પહેલાં દિવસે મેં જેવો અને જેટલો જોયો તેતો, એટલો જ અને એવો અત્યારે પણ લાગે છે કોઈ જ ફેરફાર કે વધઘટ નથી.’

અને દિવાકર તેની આ વાત પર સ્મિત ફરકાવીને રહી ગયો હતો. આ જાતની વાતો પર તે હમેશાં ચૂપ જ રહેતો હતો અને કિરણની વાતોને હસી કાઢતો.

વાતનો વિષય ચાલાકીથી બદલી નાંખતો હતો. એને વહાણવટાનો બિઝનેસ છે એ સાથે કિરણને વાંધો નહોતો. તેમ તે અવારનવાર કામકાજ અગે સ્ટીમર પર દિવસોનાં દિવસો સુધી કહ્યા વગર જાણ કર્યા વગર ચાલ્યો જતો હતો. એના પણ તેને વાંધો નહોતો.

કારણ કે દિવાકરના કથન પ્રમાણે તેને ધંધાકીય કામકાજ અંગે અવારનવાર વહાણમાં કે લોંચ અગર માલવાહક સ્ટીમરમાં બહારગામ જવું પડે છે.

કિરણને કોઈ વાંધો હતો તો એ એટલો જ કે દિવાકરે આજ સુધીમાં તેને ક્યારેય પોતાના વિષે કોઈ જ વાત નહોતી કરી.

એ પોતે શું ધંધો કરે છે? એના કુંટુબીઓ કોણ છે? ક્યાં છે? વિગેરે વિષય પર કિરણ પૂછપરછ કરતી ત્યારે તે હસીને રહી જતો.

કિરણે તેને દુ:ખભર્યા અવાજે ફરિયાદ પણ કરી હતી કે મારાથી આટલી બધી સાવચેતી શા માટે? એવું તે શું રહસ્ય છે કે જેથી તને જવાબ આપવો પણ નથી ગમતો?
એ વખતે તો વાત ટળી ગઈ હતી.

પરંતુ કયાં સુધી?

એકને એક દિવસ તો કિરણને કહેવું પડશે: એ દેશાઈભાઈને બિલકુલ પસંદ નથી કરતી.

અને તે ખૂબ જ મિજજી હોવાથી એકમાત્ર એને હમેશને માટે મેળવવા માટે પોતાને દેશાઈભાઈની દોસ્તી છોડવી જ પડશે.

અરે… ખુદ તેને જ છોડવો પડશે કારણ કે, કિરણ દેશાઈભાઈને બિલકુલ પસંદ નથી કરતી. આમ જોવા જાઓ તો એતે કોઈ જ તકલીફ નહોતી.
દેશાઈભાઈને ખાતર એ કિરણને છોડવા નહોતો માંગતો અને કિરણને ન છોડવી હોય તો દેશાઈભાઈને છોડવો જ રહ્યો અને એ માટે તે તૈયાર પણ હતો.
પરંતુ એ માટે તેને થોડો સમય જોઈતો હતો. વધુ દોલત જોઈતી હતી.

દેશાઈભાઈની વાત જુદી હતી?

એ માનવી જોખમની વચ્ચે જ ઊછરીને મોટો થયો હતો. અને જોખમ ઉઠાવ્યા વગર એ જીવી જ નહોતો શકતો જોખમી જિંદગી જ એને
પસંદ હતી અને ભલા એ પોતાની જિંદગી કેવી રીતે અને શા માટે
છોડે?
એને ખાતરી હતી કે દેશાઈભાઈ પોતાની વાત સાંભળ્યા બાદ જરૂર પોતાને પાર્ટનરશીપમાંથી છૂટો કરશે.

કિરણ અને પોતાની વચ્ચેથી ખસી જશે. એ ખૂબ જ જિંદાદિલ ઈન્સાન છે.

સડક પર એક કારનું હોર્ન કકર્ષ અવાજે ગર્જી ઊઠયું.

અને કલ્પનાની દુનિયામાંથી તે બહાર આવ્યો. નીચે કડિયા-મિસ્ત્રીઓ અને માળીઓ હજુ પણ કામ કરતા હતા.

એણે ઘડિયાળમાં સમય જોયો. સાંજના સાડાસાત વાગી ગયા હતા. નીચે ઊતરીને એણે ઉઘાડા ગેરેજમાંથી કાર કાઢી. અને પછી માળી તથા મિસ્ત્રીની સલામના જવાબમાં હાથ ફરકાવીને તે દેશાઈભાઈને મળવા ઊપડી ગયો.


એ દેશાઈના નિવાસસ્થાને પહોંચ્યો ત્યારે આઠમાં આઠ મિનિટ બાકી હતી, અને તે તેની જ રાહ જોતો હતો.
‘આવ દિવાકર…!’ તે ઉતાવળા અને ચિંતાતુર અવાજે બોલ્યો, ‘હું એક ભારે આફતમાં આવી પડ્યો છું મારા દોસ્ત!’
દિવાકરે પૂછયું:
‘શું થયું? કોઈ છોકરી-બોકરીનું તો ચક્કર નથીને?’

‘રામ રામ કર!’ છોકરીના ઉલ્લેખ માત્રથી દેશાઈભાઈનું મોં કટાણું થઈ ગયું.

‘તો પછી બીજી કોઈ સરકારી કે બિનસરકારી આફત…?’
‘નહીં દોસ્ત! એવી દરેક મુસીબતોને હું પ્રેમપૂર્વક આવકારું છું. એવાં જોખમ જ કમબખ્ત હવે નથી આવતાં અને આવા જોખમ વગર મને હમણાં હમણાં મજા પણ નથી આવતી સાંભળ ભાઈ, જે આફત મારા પર તૂટી પડી છે, અને જે વાતોથી મારો જીવ ગૂગળાય છે, તે ઘર અને ઘરના ઝઘડાઓ! બસ આ બે જ વસ્તુઓ સમક્ષ હું હંમેશાં હારતો આવ્યો છું અને એટલે જ એ બંનેથી હું હંમેશાં દૂર રહું છું. પણ ચાલ આપણે તારી ગાડીમાં જ ક્યાંક જઈએ. અહીં ઘરની દીવાલો વચ્ચે મારો જીવ ગૂંગળાય છે. ખુલ્લી હવામાં તાજગી પણ મળશે અને વાતો પણ થશે…’
‘ચાલ…’ દિવાકર બોલ્યો. તે હવે દેશાઈભાઈને એક વચનથી સંબોધતો થઈ ગયો હતો.

બંને નીચે ઊતરીને દિવાકરની ગાડીમાં ગોઠવાયા. દિવાકરે સ્ટિયરિંગ સંભાળ્યું.

તે કારને બંગલાની બહાર લઈ આવ્યો. રોશનીથી ઝળહળતી સડક પર આવીને તેણે કારને મરીન ડ્રાઈવ તરફ મારી મૂકી.

‘દિવાકર…’
‘બોલ….’
‘તે અવારનવાર મારા કુટુંબીજનો તેમ જ ઘર વિષે પૂછયું છેને? તો સાંભળ, આજે હું તને બધુ જ કહેવા માંગુ છું. અહીંથી મુંબઈથી તું તરત સુરત તરફ હાઈ-વે પર આગળ વધીશ તો સો-એક માઈલ દૂર બીલીમોરા નામનું એક નાનું સરખું શહેર ગુજરાતમાં આવેલું છે. બીલીમોરાથી ફક્ત પાંચ જ માઈલ દૂર દરિયાની ખાડીને કિનારે રંગપુર નામનું એક નાનું સરખું આશરે વીસેક હજારની વસ્તી ધરાવતું ગામ છે. એક જમાનામાં રંગપુર એક નાનું સ્ટેટ હતું. અને એ સ્ટેટના અધિપતિઓનો જ હું એક વારસદાર છું. મારા દાદા અને વડદાદા ત્યાંના જમીનદાર હતા.’
કાર દરિયાકિનારાની સડક પર આગળ વધતી હતી ને દિવાકર તલ્લીનતાથી દેશાઈભાઈને તથા તેની વાતોનું શ્રવણ કરતો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…