નેશનલ

મિસાઈલ હુમલા બાદ પાક.ની ઈરાનને ચેતવણી

ઈસ્લામાબાદ: ઈરાન દ્વારા પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાન્તમાં આતંકવાદીઓના થાણા પર મિસાઈલ અને ડ્રોન દ્વારા અણધાર્યા હુમલા કરવામાં આવ્યા બાદ પાકિસ્તાને ઈરાનને ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી.

ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ અને ડ્રોન હુમલામાં બે બાળકનાં મોત થયાં હોવા ઉપરાંત ત્રણ ઘાયલ થયા હતા.

ઈરાનના પ્રસારમાધ્યમના અહેવાલ મુજબ ઈરાનના ઍલિટ રિવોલ્યૂશનરી ગાર્ડ દ્વારા ઈરાક અને સિરીયાસ્થિત લક્ષ્યોને નિશાન બનાવીને મિસાઈલ હુમલા કરવામાં આવ્યા બાદ મંગળવારે બલૂચ આતંકવાદી જૂથ જૈશ અલ ધૂલ્મના બે થાણાને નિશાન બનાવીને ઈરાન દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા.

વિદેશ ખાતાના જણાવ્યા અનુસાર ઈરાન દ્વારા હવાઈસીમાના કરવામાં આવેલા ઉલ્લંઘનને પાકિસ્તાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યું હતું અને ઈરાનના રાજદૂતને હાજર થવા જણાવ્યું હતું.
ગાઝાપટ્ટીમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અગાઉ જ તણાવપૂર્ણ સ્થિતિ પ્રવર્તી રહી હોવા વચ્ચે ઈરાન દ્વારા કરવામાં આવેલા આ હુમલાને કારણે અખાતના દેશોમાં તણાવપૂર્ણ સ્થિતિ વધુ વકરે એવી શક્યતા છે.

જૈશ અલ ધૂલ્મ આતંકવાદી જૂથના બે ચાવીરૂપ મથકને નિશાન બનાવીને તેને સફળતાપૂર્વક ધ્વસ્ત કરવામાં આવ્યા હતા, એમ ઈરાનની સમાચાર સંસ્થાના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
જે વિસ્તારને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો તે ગ્રીન માઉન્ટન તરીકે ઓળખાય છે. મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરી આ વિસ્તાર પર હુમલો કરવામાં આવ્યો હતો.

કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વિના ઈરાન દ્વારા હવાઈસીમાના કરવામાં આવેલા ભંગ અને મિસાઈલ તેમ જ ડ્રોન હુમલાને પાકિસ્તાનના વિદેશ ખાતાએ કડક શબ્દોમાં વખોડી કાઢ્યા હતા.

અગાઉ આ આતંકવાદી જૂથે પાકિસ્તાન સાથે મળીને સરહદી વિસ્તારમાં ઈરાનના સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો.

પાકિસ્તાન આ હુમલાનો સખત વિરોધ કરે છે અને કોઈપણ રીતે સ્વીકાર્ય ન હોવાનું જણાવી ઈરાનને આના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ચેકવણી આપી હતી.

પાકિસ્તાન અને ઈરાન વચ્ચે વાટાઘાટ અને સંદેશવ્યવહારના અનેક માર્ગ તેમ જ સાધનો હોવા છતાં ઈરાન દ્વારા કરવામાં આવેલા આ હુમલા અંગે પાકિસ્તાને સખત વિરોધ નોંધાવ્યો હતો.

પાકિસ્તાને ઈરાનના વિદેશ ખાતાના રાજદૂતને હાજર થવા જણાવ્યું હતું. ઈરાનના વિદેશ ખાતાના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ પણ આ મામલે પાકિસ્તાને સખત વિરોધ નોંધાવ્યો હતો. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button