નિલેશ વાઘેલા
મુંબઇ: એકધારી ઝડપી ગતિએ દોડી રહેલા તેજીના અશ્ર્વનું થાક ખાવું અનિવાર્ય જ હતું, પરંતુ બુધવારના સત્રમાં જે રીતે અચાનક અને જોરદાર ઝટકા સાથે તેનો પગ ખોડંગાઇ ગયો અને તે લગભગ ૧૮ મહિનાને તળિયે પટકાઇ ગયો તે અનપેક્ષિત હોવાથી રોકાણકારો ડઘાઇ ગયા છે.
જોકે, નિષ્ણાતો અનુસાર કરેકશન હંમેશા બજારના સ્વાસ્થ્ય અને રોકાણકારોના સંપત્તિ સર્જન માટે આવકાર્ય હોય છે.
એક સમયે લગભગ ૧,૭૦૦ પોઇન્ટ સુધી નીચે ગબડ્યા પછી સેન્સેક્સ અંતે ૧,૬૨૮.૦૧ પોઈન્ટ્સ અથવા ૨.૨૩ ટકા ઘટીને ૭૧,૫૦૦.૭૬ પર અને નિફ્ટી ૪૬૦.૩૦ પોઈન્ટ્સ અથવા ૨.૦૯ ટકા ઘટીને ૨૧,૫૭૨ પર સ્થિર થયો છેે.
આ જોરદાર પછડાટ સાથે બીએસઇના માર્કેટ કેપિટલમાંથી રૂ. ૪,૫૯,૩૨૭.૬૪ કરોડનું ધોવાણ થયું છે. બજારના પછડાટના કારણોમાં અમેરિકાની ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરના નકારાત્મક કથનથી માંડીને સ્થાનિક સ્તરે એચડીએફસી બેન્કના બજારને અસ્વીકાર્ય એવા નાણાકીય પરિણામ સાથેના ડેટાનો સમાવેશ થાય છે.
નબળા વૈશ્ર્વિક સંકેતો સાથે એચડીએફસી બેન્કના પરિણામોમાં વિશ્ર્લેષકોને સીડી રેશિયોમાં આગામી ગ્રોથને બ્રેક મારનારી સામગ્રી દેખાઇ હોવાથી તેના શેરમાં જોરદાર કડાકો જોવા મળ્યો અને તેની પાછળ અન્ય બેન્ક શેરો પણ ધોવાયા.
વોલરની ટિપ્પણીઓએ માર્ચમાં રેટ કટની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધા અને યુએસ ટ્રેઝરી યીલ્ડ તથા ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો આવ્યો, જેનાથી સમગ્ર વિશ્ર્વમાં સેન્ટિમેન્ટ વધુ ખરડાયું. આની પાછળ ભારતમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ બુધવારના સત્રમાં રૂ. ૧૦,૫૭૮.૧૩ કરોડની વેચવાલી નોંધાવી.
વોલરની ટિપ્પણીએ માર્ચના દરમાં ઘટાડો કરવાની અપેક્ષા ઘટાડી હોવાથી બુધવારે કરન્સીની બાસ્કેટ સામે ડોલર ઇન્ડેક્સ એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. એ નોંધવું રહ્યું કે, જ્યારે ડોલર ઈન્ડેક્સ વધે છે ત્યારે ક્રૂડ ઓઈલ અને અન્ય કોમોડિટીઝ મોંઘી થઈ જાય છે. તે આપણા આયાત ખર્ચમાં વધારો કરે છે અને ચાલુ ખાતાની ખાધને વધારે છે.
વોલરે એવા સંકેત આપ્યા છે કે યુ.એસ. ફેડરલ તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં ઘટાડો કરવામાં સહેજે ઉતાવળના મૂડમાં નથી. આ તરફ ચીનના જીડીપીના ડેટામાં દમ ના જણાતાં એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
શું નિફ્ટીમાં હજુ ૧૫૦ પોઇન્ટનો ખાતમો બોલાશે?
મુંબઇ: બુધવારના પછડાટ સાથે નિફ્ટીએ બેરીશ કેન્ડલની રચના કરી છે, જે ઊંચા મથાળે વેચવાલીનું દબાણ વધવાનો સંકેત છે. અગ્રણી ચાર્ટિસ્ટ અનુસાર નિફ્ટી માટે ૨૧,૫૫૦ની સપાટી જાળવવી ખૂબ જ મહત્ત્વની છે.
નિફ્ટી તેની ૧૦ દિવસની એક્સપોનેન્શિયલ મુવીંગ એવરેજથી નીચે સરકી ગયો છે અને હેવ જો તે ૨૧ દિવસની ઇએમવી, ૨૧,૫૫૦ની નીચે જાય તો સેન્ટિમેન્ટ બગડી શકે છે. આ સ્થિતિમાં ઇન્ડેક્સ ૨૧,૩૫૦ સુધી ગબડી શકે છે.
ઓપ્શન્સ ડેટા સૂચવે છે કે ૨૧,૫૦૦ ઇન્ડેક્સ માટે તાત્કાલિક સપોર્ટ અને ૨૧,૭૦૦-૨૧,૮૦૦ સંભવિત અવરોધ તરીકે અપેક્ષિત છે.
એકંદરે, ઇન્ડેક્સ ૨૧,૫૫૦-૨૧,૪૫૦ પર સપોર્ટ લઈને રેન્જબાઉન્ડ રહી શકે છે. જો બેન્ચમાર્ક આ સપોર્ટ તોડે તો તે ૨૧,૩૫૦-૨૧,૩૦૦ સુધી નીચે ગબડી શકે છે. જોકે હાલ તો રેન્જબાઉન્ડ એક્શનને જોતાં એવો સમય નહીં આવે એવો આશાવાદ રાખી શકાય છે.