જૉકોવિચ બીજા રાઉન્ડમાં પણ સંઘર્ષ પછી જીત્યો
મેલબર્ન: ટેનિસનો વર્લ્ડ નંબર-વન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન નોવાક જૉકોવિચ મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપનમાં સિંગલ્સના બીજા રાઉન્ડમાં પણ મહામહેનતે જીત્યો હતો. તેણે વિશ્ર્વના 43મા નંબરના ઑસ્ટ્રેલિયન ખેલાડી ઍલેક્સી પૉપીરિનને 6-3, 4-6, 7-4, 6-3થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી.
પ્રથમ રાઉન્ડમાં સર્બિયાનો જૉકોવિચ ક્રોએશિયાના 18 વર્ષના ડિનો પ્રિઝમિક સામે બીજો સેટ હારી ગયો હતો અને બીજા ત્રણ સેટમાં પણ લડત બાદ જીત્યો અને સંઘર્ષ પછી સેક્ધડ રાઉન્ડમાં પહોંચ્યો હતો. ખુદ જૉકોવિચે એ મૅચ પછી ડિનોને ભારે લડતપૂર્વક રમવા બદલ અભિનંદન આપ્યા હતા. પ્રેક્ષકોએ પણ ડિનોને સ્ટેન્ડિંગ ઑવેશન આપ્યું હતું.
જૉકોવિચ વિક્રમજનક 11મા ઑસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ સુધી પહોંચવા જે અથાક પ્રયાસો કરી રહ્યો છે એ જોતાં આ તેની યાદગાર ટુર્નામેન્ટ બની શકે અને જો છેવટના રાઉન્ડ પહેલાં જ હારી જશે તો 11મા ટાઇટલની તેની ઇચ્છા અહીં જ અધૂરી રહી જશે.