નેશનલ

રામમંદિરની પ્રતિકૃતિ કોતરીને મુસ્લિમ પરિવારે બનાવ્યા ખાસ સિક્કા, રામભક્તોમાં વિતરણ કરવાની યોજના

મુંબઇ: અયોધ્યામાં યોજાનારા 22 જાન્યુઆરીના કાર્યક્રમની વિશ્વભરમાં ચર્ચા થઇ રહી છે. હજારો લોકો રામમંદિરના ભવ્ય કાર્યક્રમમાં સામેલ થશે, ત્યારે મુંબઇના એક મુસ્લિમ પરિવારે એક વિશિષ્ટ પ્રકારના સિક્કા તૈયાર કર્યા છે, જેમાં એક તરફ રામમંદિરની પ્રતિકૃતિ અને બીજી તરફ મોદીજીનું નામ લખ્યું છે. આ પરિવારે આવા કુલ 3000થી વધુ સિક્કા તૈયાર કરી લીધા છે. જેમાંથી અમુક સિક્કા તેઓ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને અર્પણ કરશે.

રામમંદિરની પ્રતિકૃતિવાળા સિક્કા બનાવવા અંગે મુસ્લિમ પરિવારના મોભી શાહબાઝ રાઠોડે પત્રકારોને જણાવ્યું હતું કે રામજીથી જ રોટલો મળે છે, તો તેમના માટે આટલું તો કરી જ શકાય. મહત્વનું છે કે શાહબાઝ રાઠોડની પત્ની પ્રિયા જન્મથી હિંદુ છે અને પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. પ્રિયાએ પણ શાહબાઝની વાતમાં પોતાનો સૂર પુરાવતા કહ્યું હતું કે અમે પહેલા ભારતીય છીએ, પછી મુસલમાન છીએ.


આ ઉપરાંત દંપતિનું કહેવું હતું કે સિક્કા બનાવવાનો વિચાર આવ્યા બાદ તેમણે સૌથી પહેલા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે કોઇ કારણોસર તેમને તેમાં સફળતા મળી ન હતી. આથી તેમણે ઉત્તરપ્રદેશની સીએમ યોગી આદિત્યનાથનો સંપર્ક કરતા તેઓ હવે સિક્કા લઇને લખનૌ જઇ રહ્યા છે. આ સિક્કા એક ખાસ પ્રકારની ધાતુમાંથી બનાવવામાં આવ્યા છે. જેની ચમક 10 વર્ષ સુધી જળવાયેલી રહેશે. 22 જાન્યુઆરીએ રામલલ્લાના દર્શનાર્થે આવનાર ભક્તોમાં પણ 3000 સિક્કા વહેચવાની આ દંપતિની યોજના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button