આમચી મુંબઈમહારાષ્ટ્ર

પ્રેસ કોન્ફરન્સ તેમની હતાશાનું પરિણામ: ઉદ્ધવ ઠાકરે જૂથ પર કોને કર્યો કટાક્ષ?

છત્રપતિ સંભાજીનગરઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ બુધવારે ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી) પર કટાક્ષ કરતા કહ્યું હતું કે એક દિવસ પહેલા યોજાયેલી તેની પ્રેસ કોન્ફરન્સ તેમની હતાશા દર્શાવે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શિવસેના (યુબીટી)એ તેના પક્ષના કાર્યકરોને મુંબઈમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપવા દબાણ કર્યું હતું.

સેના (યુબીટી) એ મંગળવારે મુંબઈમાં મેગા પ્રેસ કોન્ફરન્સ અને લોકોની અદાલતનું આયોજન કર્યું હતું, જ્યાં ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર વિરુદ્ધ સીએમ શિંદેની આગેવાનીવાળી પાર્ટીને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપવાના નિર્ણયને લઈને પ્રહારો કર્યા હતા.

નાર્વેકરે ૧૦ જાન્યુઆરીએ જૂન 2022માં પક્ષમાં વિભાજનને પગલે શિંદે અને ઠાકરે બંને જૂથ દ્વારા એકબીજાના વિધાનસભ્યો સામે દાખલ કરેલી ગેરલાયકાતની અરજીઓને ફગાવી, લાંબા સમયથી રાહ જોવાતો ચુકાદો આપ્યો હતો.

અહીં પત્રકારો સાથે વાત કરતા શિંદે -સેનાના પ્રવક્તા સંજય શિરસાટે જણાવ્યું હતું કે મંગળવારે શિવસેના (યુબીટી) દ્વારા આ પ્રેસ કોન્ફરન્સ નિરાશાના કારણે યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સ સાબિત કરે છે કે તેઓએ પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું છે. શિવસૈનિકોને બળજબરીથી લાવવામાં આવ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તે પ્રેસ કોન્ફરન્સ નહોતી, પરંતુ પાર્ટીની રેલી હતી.

સીએમ શિંદેની શિવસેનાએ ઠાકરેની આગેવાની હેઠળના હરીફ જૂથના ૧૪ વિધાનસભ્યોને અયોગ્ય ન ઠેરવવાના સ્પીકર નાર્વેકર દ્વારા લીધેલા નિર્ણયની કાયદેસરતાને પડકારતી અરજી બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરી છે. તેનો ઉલ્લેખ કરતા શિરસાટે કહ્યું હતું કે અમે સ્પીકર રાહુલ નાર્વેકરના નિર્ણયની ટીકા નથી કરી રહ્યા. પરંતુ જો અમે સાચા હોઈએ તો ઠાકરેના નેતૃત્વવાળા જૂથના ૧૪ ધારાસભ્યોને કેમ ગેરલાયક ઠેરવવામાં ન આવ્યા?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button