ફોગ કે બીજું કાંઈઃ લોકલ ટ્રેનોના ધાંધિયાથી રેલવે અને પ્રવાસીઓ પરેશાન
મુંબઈઃ ઉત્તર ભારતમાં ઠંડીનું જોર હળવું થયું છે, પણ ઉત્તર ભારતથી પશ્ચિમ અને મધ્ય રેલવેની લાંબા અંતરની ટ્રેનો 10થી પંદર કલાક સુધી મેલ-એક્સપ્રેસ ટ્રેનો મોડી દોડતી હોવાથી પ્રવાસીઓ પરેશાન છે. ફોગને કારણે ફ્લાઈટ સેવા પર અસર પડી રહી હોવાથી આ મુદ્દો ગંભીર બની રહ્યો છે, ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અન્ય કામકાજોને કારણે લોકલ ટ્રેનોની લેટ-લતીફીથી પ્રવાસીઓ જ નહીં, પ્રશાસન પરેશાન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
લોકલ ટ્રેનો તેના નિર્ધારિત ટાઈમટેબલ પ્રમાણે ચાલતી નથી, કારણ ફક્ત હાલના તબક્કે જાણવા મળતું નથી. સ્ટેશન પર આવ્યા પછી ખબર પડે કે ટ્રેનો અડધો કલાક મોડી દોડે છે. એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે એ રાહતની વાત છે પણ સવારથી લઈને મોડી રાત સુધી ટ્રેનો મોડી દોડે છે, પણ રેલવે ફક્ત પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે, એમ વિરારના રહેવાસી નયન પટેલે જણાવ્યું હતું.
વિરારથી ચર્ચગેટ અને ચર્ચગેટથી બોરીવલી/વિરારની લોકલ ટ્રેનો રોજ અડધો કલાકથી વધુ મોડી દોડતી હોવા છતાં એની એનાઉન્સમેન્ટ કરવામાં આવતી નથી. તેમાંય વળી એસી લોકલની સર્વિસ વધ્યા પછી પણ નોન-એસી લોકલના પ્રવાસીઓની મુશ્કેલીમાં ઔર વધારે થયો છે. પીક અવર્સમાં લોકલ ટ્રેન અને રેલવે સ્ટેશન પર વધતી ભીડને કારણે સિનિયર સિટીઝન-મહિલા પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ રોજની સમસ્યા છે, પરંતુ રેલવે પ્રશાસન આંખ આડા કાન કરે છે, એમ બોરીવલીના પ્રવાસી અનિલ પંડ્યાએ જણાવ્યું હતું.
વિરાર-વસઈથી ચર્ચગેટની ટ્રેનો અડધો કલાક ટ્રેન હોય એટલે સમજો પ્રવાસીઓ કેટલા કલાક રેલવે સ્ટેશન પર વિતાવતા હશે. રેલવે ફક્ત એનાઉન્સમેન્ટ કરીને છટકી જાય છે, પરંતુ એના સિવાય બીજું કાંઈ નથી. પશ્ચિમ રેલવેની માફક મધ્ય રેલવેમાં પણ લોકલ ટ્રેનો અડધોથી પોણો કલાક મોડી દોડતી રહે છે, જેમાં રેલવે એનાઉન્સ કરીને છટકી જાય છે, પરંતુ હાડમારી તો પ્રવાસીઓને વેઠવી પડે છે. રેલવે કાં તો ટાઈમટેબલ જ કાઢી નાખે તો પ્રવાસીઓને શાંતિ થઈ જાય, એમ કલ્યાણના રહેવાસી સુશીલ પાંડેએ જણાવ્યું હતું.
આ મુદ્દે રેલવેના અધિકારીએ કહ્યું હતું કે તાપમાનમાં ઘટાડાને કારણે રેલવે ટ્રેક સહિત સિગ્નલિંગ સિસ્ટમ પર અસર પડે છે. એના સિવાય મોટા ભાગના સેક્શનમાં પુલ સહિત અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજ ચાલુ હોવાથી ટ્રેનના સમયપત્રક પર અસર થાય છે. ઉત્તર ભારતની લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો મોડી પડવાને કારણે મુંબઈ સબર્બનની લોકલ ટ્રેનસેવા પર પણ અસર પડે છે. મેલ-એક્સપ્રેસ ટ્રેનો જ નહીં, લોકલ ટ્રેનો નિર્ધારિત ટાઈમટેબલ પર અસર પડે છે, તેથી પ્રવાસીઓને હાલાકી પડે છે, એમ તેમણે જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેમાં આવતીકાલે આટલી ટ્રેનસેવા પર થશે અસર
પશ્ચિમ રેલવેમાં સંજાણ યાર્ડમાં નોન-ઈન્ટરલોકિંગ બ્લોક આવતીકાલે સવારે 8.20 વાગ્યાથી બપોરના 2.20 વાગ્યા સુધી વિશેષ બ્લોક રહેશે. આ બ્લોકને કારણે લાંબા અંતરની અમુક મેલ-એક્સપ્રેસ ટ્રેન સહિત પેસેન્જર ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે, તેથી ટ્રેનસેવા પર એક-બે દિવસ અસર રહી શકે છે. બાંદ્રા-ટર્મિનસ-વાપી પેસેન્જર (09159) ઉમરગામ સુધી દોડાવાશે, જ્યારે ઉમરગામ-વાપી વચ્ચે રદ રહેશે. વાપી-વિરાર પેસેન્જર ઉમરગામ સુધી દોડાવશે, જે વાપી-ઉમરગામની વચ્ચે રદ રહેશે. વલસાડ-ઉમરગામ પેસેન્જર વાપી અને ઉમરગામ-વલસાડ પેસેન્જર વાપી સુધી દોડાવાશે. આ ઉપરાંત, લાંબા અંતરની પચીસથી વધુ ટ્રેનોને અડધાથી પોણો કલાક નિર્ધારિત સમયથી પચીસ મિનિટથી એક કલાક સુધી અસર પડી શકે છે.