IND vs AFG 3rd T20: Kohliને આજે વિરાટ વિક્રમ રચવાનો મોકો
બેન્ગલૂરુ: વિરાટ કોહલીએ 2020ની સાલમાં વન-ડેમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 12,000 રન પૂરા કરીને માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરનો વિશ્ર્વવિક્રમ તોડી નાખ્યો હતો અને હવે આજે કોહલીને ટી-20 ફૉર્મેટમાં મોટો રેકૉર્ડ પોતાના નામે કરવાનો મોકો છે. ટી-20 ક્રિકેટમાં તેના નામે 11,994 રન છે અને આજે અફઘાનિસ્તાન સામેની સિરીઝની છેલ્લી ટી-20માં છ રન બનાવશે એટલે આ શૉર્ટેસ્ટ ફૉર્મેટમાં 12,000 રનના મૅજિક ફિગર સુધી પહોંચનારો પહેલો ભારતીય ખેલાડી બનશે. એટલું જ નહીં, તે ટી-20 મૅચોમાં 12,000 રન સૌથી ઝડપે બનાવનારો ખેલાડી પણ કહેવાશે.
કોહલીએ 375 મૅચમાં જે 11,994 રન બનાવ્યા છે એમાં આઠ સેન્ચુરી અને 91 હાફ સેન્ચુરી પણ સામેલ છે. તેની ટી-20 ઇનિંગ્સમાં આઇપીએલની કરીઅર પણ સામેલ છે.
ટી-20 ફૉર્મેટમાં ક્રિસ ગેઇલ 14,562 રન સાથે મોખરે છે જે તેણે 463 મૅચમાં બનાવ્યા છે. એમાં તેની 22 સેન્ચુરી અને 88 હાફ સેન્ચુરી સામેલ છે. પાકિસ્તાનનો શોએબ મલિક ટી-20 ફૉર્મેટમાં 525 મૅચમાં બનાવેલા 12,993 રન સાથે બીજા સ્થાને છે. નવાઈની વાત એ છે કે તે ટી-20માં એકેય સેન્ચુરી નથી ફટકારી શક્યો. તે 82 હાફ સેન્ચુરીમાંથી એકેય સ્કોરને સેન્ચુરીમાં ફેરવી નથી શક્યો.