પાકિસ્તાન સામે ન્યૂ ઝીલૅન્ડના ઓપનર ફિન ઍલનની 16 સિક્સર સાથે અભૂતપૂર્વ ફટકાબાજી, રેકૉર્ડ-બ્રેકિંગ 137 રનથી સિરીઝ જિતાડી આપી
ડનેડિન: ન્યૂ ઝીલૅન્ડમાં શાહીન શાહ આફ્રિદીની નવી કૅપ્ટન્સીમાં પાંચ મૅચની ટી-20 સિરીઝ રમવા આવેલી પાકિસ્તાનની ટીમના માથે દશા બેઠી છે. ત્રીજી વાર પાકિસ્તાને ટૉસ જીતીને કિવીઓને બૅટિંગ આપી, પણ ત્રીજી વાર પોતે ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહ્યા. ત્રીજી મૅચમાં તો ઓપનર ફિન ઍલને હદ જ કરી નાખી. 24 વર્ષની ઉંમરના રાઇટ-હૅન્ડ બૅટર ઍલને 62 બૉલની તૂફાની ઇનિંગ્સમાં 16 સિક્સર ફટકારીને વિશ્ર્વવિક્રમની બરાબરી કરી, 26 બૉલમાં હાફ સેન્ચુરી અને 48 બૉલમાં સેન્ચુરી પૂરી કરી તેમ જ ન્યૂ ઝીલૅન્ડના અત્યાર સુધીના તમામ ટી-20 બૅટર્સમાં 137 રનનો હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો.
ન્યૂ ઝીલૅન્ડે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે 224 રન ખડકી દીધા અને પછી પાકિસ્તાનની ટીમને 7 વિકેટે બનેલા 179 રનના સ્કોર સુધી સીમિત રાખીને 45 રનથી સતત ત્રીજી મૅચ જીતી લીધી એટલું જ નહીં, 3-0ની સરસાઈ સાથે શ્રેણીની ટ્રોફી પર પણ કબજો કરી લીધો હતો અને હવે બે મૅચ બાકી રહી છે જે જીતવી પાકિસ્તાન માટે બેહદ મુશ્કેલ લાગે છે.
ફિન ઍલને જ ન્યૂ ઝીલૅન્ડને સિરીઝ જિતાડી આપી એમ કહીએ તો પણ ખોટું નથી. ઑકલૅન્ડની પહેલી ટી-20માં તેણે 34 રન બનાવ્યા હતા અને હૅમિલ્ટનના બીજા મુકાબલામાં 74 રન બનાવીને મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. બુધવારના રેકૉર્ડ-બ્રેક 137 રન બદલ પણ તેને જ આ પુરસ્કાર અપાયો અને સિરીઝમાં અત્યારે તે 245 રન સાથે મોખરે છે.
હવે આપણે જાણીએ કે ઍલને 16 છગ્ગા ફટકારીને કોના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી. 2019માં દેહરાદૂનમાં અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે જે ટી-20 રમાઈ હતી એમાં અફઘાનિસ્તાનના હઝરતુલ્લા ઝઝાઇએ 16 સિક્સર અને 11 ફોરની મદદથી અણનમ 162 રન બનાવ્યા હતા. બુધવાર સુધી 16 સિક્સરનો વર્લ્ડ રેકૉર્ડ માત્ર ઝઝાઈના જ નામે હતો, પણ હવે ઍલન પણ 16 સિક્સરની ઝંઝાવાતી ફટકાબાજી સાથે તેની સાથે જોડાઈ ગયો છે. વાસ્તવમાં ઝઝાઈના રેકૉર્ડવાળી મૅચ બે નાના દેશો (અફઘાનિસ્તાન-આયર્લેન્ડ) વચ્ચેની હતી, જ્યારે ન્યૂ ઝીલૅન્ડના ઍલને પાકિસ્તાન જેવી મજબૂત ટીમ સામે 16 સિક્સરના વિશ્ર્વવિક્રમની બરાબરી કરી છે. ઍલને 137 રન બનાવીને પોતાના જ દેશના બૅટિંગ-લેજન્ડ બ્રેન્ડન મૅક્લમનો વિક્રમ તોડી નાખ્યો છે. મૅક્લમે 2012માં બાંગલાદેશ સામે જે 123 રન બનાવ્યા હતા એ રેકૉર્ડ બુધવાર સુધી કાયમ રહ્યો હતો, પરંતુ હવે ઍલન તેને ઓળંગી ગયો છે. ટી-20 ઇન્ટરનૅશનલમાં ઑસ્ટ્રેલિયાના ઍરોન ફિન્ચના 172 રન સૌથી વધુ છે જે તેણે 2018માં હરારેમાં ઝિમ્બાબ્વે સામે 10 સિક્સર અને 16 ફોરની મદદથી બનાવ્યા હતા.
ડનેડિનમાં ઍલને પાકિસ્તાનના ફાસ્ટ બોલર હૅરિસ રઉફની બોલિંગનો કચરો કરી નાખ્યો હતો. ઍલને એક તબક્કે તેના 14 બૉલમાં કુલ છ સિક્સર ફટકારી હતી. ઇનિંગ્સની છઠ્ઠી ઓવર હૅરિસને અપાઈ હતી જેમાં ઍલને ત્રણ સિક્સર અને બે ફોર સહિત કુલ 28 રન ખડકી દીધા હતા. એ પછી હૅરિસને આફ્રિદીએ મોરચા પરથી હટાવી લીધો હતો, પરંતુ ફરી તેને જ્યારે 12મી ઓવરની જવાબદારી સોંપવામાં આવી ત્યારે એમાં પણ ઍલને ત્રણ છગ્ગા ફટકારી દીધા હતા. રઉફની બોલિંગ ઍનેલિસિસ (4-0-60-2) એટલી હદે બગડી ગઈ કે ટી-20 કારકિર્દીમાં આ પહેલાં તેની આટલી ખરાબ બોલિંગ ક્યારેય નહોતી.
ઍલને કેટલાક શૉટ એક હાથે ફટકાર્યા હતા. તેની આ અભૂતપૂર્વ આતશબાજી દરમ્યાન ડનેડિનનું સ્ટેડિયમ સતત ગૂંજતું રહ્યું હતું. પાકિસ્તાનના પાંચેય બોલરની બોલિંગ ચીંથરેહાલ થઈ હતી. હૅરિસ રઉફની ચાર ઓવરમાં 60 રન, નવાઝની ચાર ઓવરમાં 44 રન, કૅપ્ટન આફ્રિદીની ચાર ઓવરમાં 43 રન, ઝમાન ખાનની ચાર ઓવરમાં 37 રન અને મોહમ્મદ વસીમની ચાર ઓવરમાં 35 રન બન્યા હતા.
ઍલને ટી-20 ઇન્ટરનૅશનલમાં 1000 રન 611 બૉલમાં પૂરા કર્યા છે. જોકે આટલા રન પૂરા કરવામાં તેનાથી બે બૅટર આગળ છે, સૂર્યકુમાર યાદવ (573 બૉલ) અને ગ્લેન મૅક્સવેલ (604 બૉલ).
ડનેડિન ન્યૂ ઝીલૅન્ડનું સૌથી સફળ સ્થળ છે. અહીં તેઓ 16માંથી એકેય મૅચ હાર્યા નથી. ન્યૂ ઝીલૅન્ડે 7 વિકેટે 224 રન બનાવ્યા ત્યાર બાદ પાકિસ્તાનના બૅટર્સમાં એકમાત્ર બાબર આઝમ (37 બૉલમાં 58 રન) લાંબા સમય ક્રીઝ પર ટકી શક્યો હતો. બીજો કોઈ બૅટર 30 રન સુધી પણ નહોતો પહોંચી શક્યો. ફક્ત રિઝવાન (20 બૉલમાં 24 રન) તેને થોડો સમય સાથ આપી શક્યો હતો. ટિમ સાઉધીએ બે તેમ જ મૅટ હેન્રી, લૉકી ફર્ગ્યુસન, મિચલ સૅન્ટનર અને ઇશ સોઢીને એક-એક વિકેટ મળી હતી.