મોતિયાના ઓપરેશનમાં બેદરકારીઃ હાઈ કોર્ટે ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
અમદાવાદ: વિરમગામની માંડલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનમાં ગંભીર બેદરકારીને પગલે કેટલાક દર્દીઓએ આંખની દ્રષ્ટિ ગુમાવી બેઠા હતા. લગભગ 17 જેટલા દર્દીઓએ ઇન્ફેક્શન લાગ્યાની ફરિયાદ કરી હતી. આ ઘટનાની હાઇકોર્ટે સુઓમોટો નોંધ લઇ હેલ્થ સેક્રેટરી તથા અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવી છે, તેમજ સરકારને પ્રાથમિક તપાસનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
વિરમગામમાં રામાનંદ હોસ્પિટલ સેવાનિકેતન ટ્રસ્ટ દ્વારા ચાલતી આ હોસ્પિટલમાં ગત 10 જાન્યુઆરીએ આ ઘટના બની હતી. મોતિયાના ઓપરેશન બાદ લગભગ 15થી વધુ દર્દીઓએ આંખે દેખાતું બંધ થઇ ગયાની ફરિયાદ કરી હતી. અંધાપાની અસરને પગલે દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તમામ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. મોતિયાના ઓપરેશન બાદ નાખવામાં આવતા ટીપાને કારણે આડઅસર થઇ હોવાનું સિવિલના તબીબો જણાવી રહ્યા છે. સિવિલમાંથી મેડીકલની ટીમને પણ માંડલ હોસ્પિટલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે
ઘટનાની કરૂણતા એ છે કે અઠવાડિયું થઇ જવા છતાં હજુસુધી કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી, ન તો માંડલના તબીબો સામે કોઇ ફરિયાદ થઇ. ભોગ બનનાર દર્દીઓમાં સુરેન્દ્રનગર, પાટણ તથા અમદાવાદ જિલ્લાના દર્દીઓ છે.
તપાસમાં હોસ્પિટલની સુવિધામાં ખામી, તબીબોની અજ્ઞાનતા-બેદરકારી, મેડીકલ સાધનોની સારસંભાળમાં બેદરકારી, આઇ ડ્રોપ્સ હલકી ગુણવત્તાના હોવા જેવા અનેક કારણો બહાર આવે તેવી શક્યતાઓ છે. કોર્ટે પીડિતોને યોગ્ય વળતર મળવું જોઇએ તેવું નિવેદન આપ્યું હતું. હવે આગામી 7 ફેબ્રુઆરીના રોજ સુઓમોટો અરજી પર હાઇકોર્ટમાં ચીફ જજ સામે સુનાવણી યોજાશે.