ઈન્ટરવલ

આખલો કેટલું દોડશે!

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

શેરબજાર એકધારી તેજી સાથે આગળ વધી રહ્યું છે અને કરેકશન ક્યારનું તોળાઇ રહ્યું હોવા છતાં બેન્ચમાર્ક કોઇને ગાંઠતો નથી. અલબત્ત સતત પાંચ સત્રની એકધારી આગેકૂચ બાદ મંગળવારે આખલાએ પોરો ખાધો છે. રોકાણકારોએ તેજીનો એવો સ્વાદ ચાખ્યો છે કે હાલ તો બજારમાં ક્યાંય સાવચેતીનું માનસ જણાતું નથી! રાતા સમુદ્રની લાલચટ્ટાક ચેતવણીને પણ આખલો જાણે ઘોળીને પી ગયો છે!

ટેક્નિકલ તથા ફંડામેન્ટલ પરિબળ તેજીતરફી હોવા સાથે પ્રોફિટ બુકિંગ પણ હવે બજારનું રેગ્યુલર પાંસું બની ગયું છે. ઊંચા મથાળે વેચવાલી આવે છે તેની સામે નીચા મથાળે લેવાલીનો ટેકો પણ મળી રહે છે. જોકે, સૌ જાણે છે કે કરેકશન ક્યારનું ડ્યુ થઇ ગયું છે અને તે ત્રાટકશે ત્યારે બજારને ધડામ કરીને પછાડી નાંખશે. સવાલ એ જ છે કે આખલો હજુ કેટલું દોડતો રહેશે?
આપણે સોમવારના લેખમાં આગાહી જોઇ હતી કે નિફ્ટી જો ૨૨,૦૦૦ની ઉપર મક્ક્મ બંધ આપશે, તો બજાર ૨૨,૧૦૦થી ૨૨,૨૦૦ સુધી પણ આગળ વધી શકે છે. સોમવારે જ બજારે ૨૨,૦૦૦ તો અંકે કરી લીધા હવે આગળ શું? નિષ્ણાતો કહે છે કે નિફટી જો ૨૧,૧૫૦ની ઉપર મક્ક્મ બંધ આપશે તો તે ૨૨,૩૦૦ સુધી આગળ વધી શકે છે.

અલબત્ત આખલા માટે હવે પછીની સફરમાં બેન્ચમાર્કે કોન્સોલિડેશન અને કરેકશનના આંચકા ખમવા પડશે. એ જોવાનું રહ્યું કે સોમવારે બંને બેન્ચમાર્કે નવા શિખર સર કર્યા ત્યારબાદ મંગળવારે પીછેહઠ છતાં સેન્સેક્સે ૭૩,૦૦૦ની અને નિફ્ટીએ ૨૨,૦૦૦ની સપાટી મક્કમતાથી પકડી રાખી છે.

તાજેતરની તેજીમાં ડોકિયું કરીએ તો ટેક્નોલોજી શેરોમાં અર્નિંગ બજારની અપેક્ષા અનુસાર રહેવાથી આવેલી તેજીએે માત્ર બજારને ઊંચા સ્તરે લઇ જવામાં મદદ કરી છે. એ જ સાથે યુએસ ફુગાવો અપેક્ષા કરતાં વધુ હોવા છતાં ૧૨ જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં બજાર નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યું અને એ પછી પણ આગળ વધતું રહ્યું છે.
પાછલા પાંચ સત્રની એકધારી તેજી દરમિયાન, નિફ્ટી બેન્ચમાર્ક ૫૮૪.૪૫ પોઈન્ટ અથવા તો ૨.૭૧ ટકા જ્યારે સેન્સેક્સ ૧૯૭૨.૭૨ પોઈન્ટ અથવા ૨.૭૯ ટકા વધ્યો હતો અને બંને બેન્ચમાર્ક સોમવારે નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા હતા.

એક વાત એ પણ નોંધવી રહી કે, અનેકવાર બેન્ચમાર્કને પણ માત કરનારા નાના શેરોમાં હવે પ્રોફિટ બુકિંગ વધી રહ્યું છે. બજારના અભ્યાસુઓ અનુસાર શેરબજારમાં તેજીની પતંગને વધુ ઊંચે લઇ જવાના આશાવાદને કારણે બજારને ટેકો મળતો રહ્યો છે, પરંતુ વચ્ચે વચ્ચે બજારને ફેડરલ કે રેડ સીના હુમલા જેવા કારણો મળતાં કોન્સોલિડેશન સાથે પણ પનારો પડતો રહેશે.

નિફ્ટી હવે માર્ચ ૨૦૨૦માં કોરોના દરમિયાન નોંધાવેલા નીચા સ્તરેથી ત્રણગણો ઊંચી સપાટીએ છે. આ મજબૂત તેજીના બજારનો સંકેત છે અને તેને લાંબી મજલ કાપવાની છે. પરંતુ એ બાબત નોંધવી કે હવે પછીની તેજીની સફર સરળ નહીં હોય અને તીવ્ર કરેક્શનની શક્યતા સતત તોળાઈ રહી છે, કારણ કે મૂલ્યાંકન ઊંચું છે.

ઘણી વાર અણધારી ઘટનાઓ કરેક્શનનું કારણ બને છે. જોકે તાજેતરમાં એવું જોવા મળ્યું છે કે, ઇઝરાયલ-ગાઝા યુદ્ધ જેવી તાજેતરની ભૂ-રાજકીય ઘટનાઓએ ક્રૂડના ભાવને અથવા બજારોને અસર કરી શકી નથી. એ જ રીતે રાતા સમુદ્રમાં ચાલી રહેલી અથડામણો પણ બજારોને નુકસાન પહોંચાડ્યા વિના પસાર થઈ શકે છે. પરંતુ આગળ જતાં આ સંઘર્ષ વિસ્તૃત થઈ શકે છે. તેથી રાતા સમુદ્રમાં થતી ઘટનાઓ માટે સાવચેત રહેવાની જરૂર છે.

વૈશ્ર્વિક મોરચે ચાઇનાના ચોથા ક્વાર્ટરના જીડીપીના ડેટા અને યુરોપના ઇન્ફ્લેશન ડેટા પર નજર રહેશે. યુએસએ અને ચીનના મેક્રો ઇકોનોમિક ડેટાની સાથે ડોલર ઇન્ડેક્સ, યુએસ બોન્ડ યીલ્ડ અને ક્રૂડ ઓઇલના ભાવની હિલચાલ પર નજીકથી નજર રાખવામાં આવશે. વિશ્ર્વભરમાં અનિચ્છનીય ભૂ-રાજકીય તણાવ સર્જનારા પરિબળો શેરબજારમાં અનિશ્ર્ચતતાના વહેણ ઊભા કરીને ઉથલપાથલ અને અફડાતફડીને આમંત્રણ આપતાં રહેશે.

આર્થિક ડેટા ઉપરાંત નજીકના ગાળામાં, રોકાણકારોની ટ્રેડિંગ સ્ટ્રેટેજી કોર્પોરેટ પરિણામની આગામી મોસમ તરફ વધુ ઢળેલી રહેશે. કોર્પોરેટ કમાણી અંગે સારો આશાવાદ છે, તે સાચો પડશે તો બજાર શેરલક્ષી કામકાજ સાથે વધુ વેગ પકડશે.

વૈશ્ર્વિક મોરચે, બજારના સહભાગીઓ આજે ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થનારા ચીનના ત્રિમાસિક જીડીપી અને ઔદ્યોગિક ક્ષમતાના ઉપયોગના આંકડા પર નજર રાખશે. ચીનની અર્થવ્યવસ્થા જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૩માં ૬.૩ની સામે વાર્ષિક ધોરણે ૪.૯ ટકા વૃદ્ધિ પામી હતી. તે સિવાય, યુએસ જોબ ડેટા, યુરોપના ડિસેમ્બરના ફુગાવાના આંકડા અને યુએસ અને ચીનમાં ડિસેમ્બર માટેના છૂટક વેચાણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જ્યારે સહભાગીઓ ઇસીબી પ્રમુખ લેગાર્ડના પ્રવચનમાંથી પણ સંકેતો મેળવશે.

વૈશ્ર્વિક અર્થતંત્રના વિકાસની ચાવી ભારત પાસે?
શેરબજારને અર્થતંત્રની પારાશીશી કહે છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કંઇક એવો માહોલ છે કે વૈશ્ર્વિક ર્અતંત્રના વિકાસની ચાવી ભારત પાસે હોય એવા વિધાન વૈશ્ર્વિક સંસ્થાઓ કરી રહી છે. એક અહેવાલ અનુસાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ઘણા નેતા ભારતીય અર્થતંત્રના વિકાસ પર દાવ લગાવી રહ્યા છે અને તેના માર્ટિન સોરેલનું માનવું છે કે ભારતમાં રાજકીય સ્થિરતા ટકી રહેશે એવું જણાય છે અને તે ભારત માટે તો ખરૂ જ, પરંતુ વિશ્ર્વ માટે પણ સારૂં છે.

પત્રકારો સાથેની સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે કે ભારતમાં ચૂંટણી પછી પણ રાજકીય સ્થિરતા ટકી રહેશ, જે ભારતની સાથેસાથે વિશ્ર્વ માટે પણ ઘણું સારૂ છે.

ભારત એશિયામાં ચીનનો વિકલ્પ બની રહ્યું છે. વિશ્ર્વના અનેક આર્થિક નિરિક્ષકો વૈશ્ર્વિક અર્થતંત્રના વિકાસ વિશે હકારાત્મક નથી, પરંતુ ભારત વિશે આશાવાદી છે. તેમણે કહ્યું હતું કે ભારતના આર્થિક વિકાસદર (જીડીપી)એ ઘણા દેશોને પાછળ છોડી દીધા છે.

અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ, રશિયા-યુક્રેનના યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારત એશિયામાં ચીનના વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. ભારત ખૂબ જ સારી સ્થિતિમાં છે અને તેની પાસે ખૂબ જ મજબૂત વૃદ્ધિની સંભાવના છે અને તે વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

ભારત ઘણા દેશોના એજન્ડામાં ટોચ પર છે અને વિશ્ર્વની નજર ભારત પર છે. ૨૦૫૦ સુધીમાં, ટોચના પાંચ દેશોમાંથી ત્રણ એશિયામાં હશે, જેમાં ભારત ત્રીજા સ્થાને હશે. જાપાન જેવા દેશો મહત્વપૂર્ણ રહેશે, પરંતુ ભારત, ઈન્ડોનેશિયા, વિયેતનામ, થાઈલેન્ડ, મલેશિયા અને અન્ય દેશો એશિયાના નવા યુગ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button