આપણું ગુજરાત

અંજાર બોઇલર બ્લાસ્ટ ત્રણ મજૂરોનાં મોતની દુર્ઘટનામાં સ્ટીલ ફેક્ટરી સામે પોલીસ ફરિયાદ થશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ભચાઉ વાયા દુધઈ થઈને જતા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા કચ્છના અંજાર તાલુકાના બુઢારમોરા ગામ પાસે આવેલી કેમો સ્ટીલ ફેકટરીમાં મકરસંક્રાંતિ પર્વના સપરમા દહાડે થયેલા એક ભયાનક વિસ્ફોટ બાદ ધગધગતું લોખંડ ભઠ્ઠીમાંથી છલકાઈને કામદારો પર ઉડતાં ત્રણ મજૂરોનાં મૃત્યુ નીપજ્યાં છે, અન્ય ગંભીર રીતે દાઝી ગયેલા ચાર પૈકી એકની હાલત હજુ અત્યંત નાજુક છે.
આ ભયાનક દુર્ઘટનાના પગલે ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરે કેમો સ્ટીલ ફેક્ટરીનું પ્રોડક્શન હાલ તુરંત બંધ કરાવીને સઘન તપાસ શરૂ કરી છે.

આ અંગે ડેપ્યુટી ડાયરેક્ટર આર.એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, મૃતક શ્રમિકોના પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યાં બાદ કંપની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફેક્ટરી એક્ટ તળે દુર્ઘટનાની પ્રાથમિક તપાસ બાદ અમે વિસ્તૃત તપાસ શરૂ કરી દીધી છે. દુર્ઘટના બદલ બેજવાબદાર લોકો સામે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવશે.

દરમ્યાન, વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકારના ઈસ્પાત મંત્રાલય (મિનિસ્ટ્રી ઑફ સ્ટીલ)એ આયર્ન અને સ્ટીલ ફેક્ટરીઓ માટે ૨૫ સેફ્ટી ગાઈડલાઈન્સ રજૂ કરી હતી તેમાંથી કેમો સ્ટીલ ફેકટરીમાં કેટલી ગાઈડલાઈન્સનું પાલન થતું હતું? ભઠ્ઠી નજીક કામ કરતાં શ્રમિકો જે રીતે ભડભડ બળતાં હતા તે જોતાં તેમને ખાસ પ્રતિરોધક પોશાક આપવાના નિયમનું સ્પષ્ટ ઉલ્લંઘન થયેલું ગણાય કે કેમ? વગેરે મુદ્દે ડેપ્યુટી ડાયરેક્ટર આર.એચ. સોલંકીએ ગહન તપાસ હજુ ચાલું છે’ તેવું જણાવ્યું હતું. તેમની આ ’ગહન’ તપાસ ૯૦ દિવસ સુધી ચાલી શકે. અલબત્ત મૃતકોના પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી ગયા બાદ ફોજદારી ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લેવાયો હોય તો પ્રાથમિક તબક્કે કઈ કઈ બાબતે બેદરકારી બહાર આવી છે તે મુદ્દે સૂચક રીતે સોલંકી મૌન રહ્યાં હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…