આપણું ગુજરાત

અમદાવાદમાં ફસાયેલા પક્ષીને બહાર કાઢવા જતા ફાયરકર્મીનો હાથ વીજ લાઈનને અડતાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના બોપલ ઘુમા રોડ ઉપર આવેલા દેવ રેસિડેન્સી પાસે મંગળવારે સવારે પક્ષી બચાવ કોલ દરમિયાન ફાયર બ્રિગેડના કર્મચારી હાઈ ટેન્શન લાઇનને અડી જતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાઈ ટેન્શન વાયરની લાઈન બંધ કર્યા વગર કઈ રીતે ફાયરના કર્મચારી ત્યાં પહોંચીને કામ કરવા લાગ્યા તે બાબત અંગે તપાસ શરૂ કરી હતી
સૂત્રોના જણાવ્યા મુજબ સવારે બોપલ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, બોપલ-ઘુમા રોડ ઉપર દેવ રેસિડેન્સી પાસે હાઈ ટેન્શન વાયરની લાઈન પર એક પક્ષી ફસાઈ ગયું છે. જેથી બોપલ ફાયર સ્ટેશનના કર્મચારી અનિલ પરમાર તેમના સ્ટાફની સાથે બોર્ડ રેસક્યુ કોલ એટેન્ડ કરવા માટે ત્યાં પહોંચી પક્ષીને ઉતારવા માટે ચડ્યા હતા તે દરમિયાન તેમનો હાથ હાઈ ટેન્શન વાયરને અડી જતા તેઓ ત્યાં જ ચોંટી ગયા હતા. તરત જ તેઓ ભડભડ સળગી ઊઠ્યા હતા. હાઈ ટેન્શન વાયરને અડી જતા તાત્કાલિક તેમના સ્ટાફ દ્વારા તેમને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓને બચાવી શક્યા નહોતા. ઘટના મામલે તાત્કાલિક ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર સહિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમ જ અધિકારીઓને જાણ કરાતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કોઈપણ બોર્ડ રેસ્ક્યૂ કોલ કરવા માટે જાય છે ત્યારે હાઈ ટેન્શન વાયરની લાઈન બંધ કરીને કામગીરી કરવાની હોય છે, પરંતુ કેવી રીતે આ સમગ્ર ઘટના બની તે મામલે તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા હતા. કોની સૂચનાથી હાઈ ટેન્શન લાઈન બંધ કર્યા વિના આ કામગીરી કરાઈ હતી વગેરે અંગે તપાસ શરૂ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button