સરકારી આદેશ: ૨૬ અને ૨૯ જાન્યુઆરીના સમારોહામાં સરકારી કર્મચારીની હાજરી અનિવાર્ય
સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ : પ્રજાસત્તાક દિન નિમિત્તેના મુખ્ય સમારોહની સાથે ૨૯ જાન્યુઆરીમાં થનારા બિટિંગ રિટ્રિટ સમારોહમાં અધિકારીથી માંડીને સરકારી પટ્ટાવાળાની હાજરી અનિવાર્ય હશે એવો સરકારી હુકમ બહાર પડાયો છે. જમ્મુમાં વિક્રમી ઠંડી મધ્યે લોકોને મોટી સંખ્યામાં હાજર રહેવા આમંત્રણો પાઠવવામાં આવ્યા છે.
અલબત્ત આઝાદી દિન અને પ્રજાસત્તાક દિને સમારોહ સ્થળમાં સરકારી કર્મચારીઓની હાજરી અનિવાર્ય બનાવવાનો બહાર પડાયેલો અધ્યાદેશ એ કોઈ નવી વાત નથી. કાશ્મીરમાં આતંકવાદની શરૂઆતની સાથે આવો હુકમ બહાર પાડવાનું શરૂ થયું અને ત્યારથી ચાલુ જ છે.
આવો હુકમનું કડક રીતે પાલન કરવાનું વર્ષ ૨૦૦૬માં તત્કાલીન મુખ્ય પ્રધાન ગુલામ નબી આઝાદની સરકાર દરમિયાન શરૂ થયું હતું. ત્યારે તેમણે સ્થાનિક વિધાનસભ્યોને એવી ચીમકી આપી હતી કે તમારા વિસ્તારના સરકારી કર્મચારી અનુપસ્થિત થયા તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આઝાદના મુખ્ય પ્રધાનના કાર્યકાળમાં જ સામાન્ય નાગરિકોને આઝાદી દિન અને પ્રજાસત્તાક દિને સરકારી સમારોહમાં હાજરી આપવા માટે આકર્ષવા મફત સરકારી બસની વ્યવસ્થાની શરૂઆત થઈ હતી. આઝાદે આ સાથે અખબારો અને પ્રસાર માધ્યમોમાં જાહેરખબર આપીને તેમનામાં જોશ રેડવાની કવાયત પણ શરૂ કરી હતી. બીજી બાજુ જમ્મુ અને કાશ્મીરમાં વિક્રમ તોડતી ઠંડી મધ્યે પ્રજાસત્તાક દિને લોકોની જંગી હાજરીની આશા દાખવતા સૂત્રોએ કહ્યું હતું કે લોકોને બસ સુરક્ષા તપાસમાં પોલીસને સહયોગ આપવો પડશે. અખબારોમાં દેવાયેલી જાહેરાતમાં સિક્યોરીટી વિંગના જણાવ્યા પ્રમાણે પ્રજાસત્તાક દિનના સમારંભમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહે એવી આશા છે. એમાં લોકોને સુરક્ષા ઝડતી લેતી વખતે પોલીસને સહયોગ કરવાનો અનુરોધ કરાયો છે. સમારોહમાં આવનારા લોકો તેમની સાથે હથિયાર, હેન્ડબૅગ, પોલીથિન બૅગ, જ્વલનસીલ પદાર્થ જેવા કે સિગારેટ, માચીસ, લાઈટર, કેમેરા ન લાવે. આ વખતે મોબાઈલ લાવવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.
સિક્યોરિટી વિંગ કહે છે કે સમારોહમાં આવનારી દરેક વ્યક્તિની પ્રવેશદ્વાર પર તપાસ થશે, જેથી ત્યાં આવનારા લોકોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરી શકાય. લોકો લાઈનમાં સ્ટેડિયમમાં પ્રવેશશે. તેમને પહેલાં મેટલ ડિટેકટરમાંથી પસાર થવું પડશે. સમારોહ શરૂ થવાના પહેલાં લોકો સ્ટેડિયમમાં પહોંચી જાય જેથી તેમના બેસવાની યોગ્ય વ્યવસ્થા થઈ શકે. આ વખતે મુખ્ય સમારોહ મૌલાના આઝાદ સ્ટેડિયમમાં થવાનો છે તેના મુખ્ય અતિથિ ઉપરાજ્યપાલ મનોજ સિંહા હશે.