મહાપત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરે થયા લાલચોળ
વિધાનસભ્ય અપાત્રતા પ્રકરણે રાહુલ નાર્વેકર સામે આગ ઓકી
મુંબઈ: શિવસેના ઠાકરે જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મહાપત્રકાર પરિષદ બોલાવીને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભ્ય અપાત્રતા પ્રકરણે આપેલો ચુકાદો ભૂલભરેલો હોવાનો દાવો કર્યો હતો. આ સમયે તેમની સાથે ઠાકરે જૂથના નેતાઓ અને કાયદા નિષ્ણાત અસીમ સરોદે તેમ જ સુપ્રીમ કોર્ટના વકીલ રોહિત શર્મા પણ હાજર હતા.
શિવસેના વિધાનસભ્ય અપાત્રતા પ્રકરણે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કેવી રીતે થાપ ખાઈને નિર્ણય કર્યો અને તેમાં ખરેખર શું બન્યું તેમ જ નાર્વેકરે કેવી રીતે ભાજપને યોગ્ય છે એવો નિર્ણય આપ્યો તેનો દાવો ઉદ્ધવ ઠાકરેએ કર્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે બોલાવેલી પત્રકાર પરિષદમાં વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર વિરુદ્ધ આગ ઓકી હતી તો બીજી બાજુ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે પણ બોલવામાં કશું બાકી નહોતું રાખ્યું. તેમણે કહ્યું હતું કે રાહુલ નાર્વેકરે આપેલો નિર્ણય તેમનાં પત્નીને પણ માન્ય નહીં હોય. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ નાર્વેકરે આપેલો નિર્ણય શિવસેના શિંદે જૂથની હોવાનો આપ્યો હતો.
દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથે રાહુલ નાર્વેકરના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. એની સાથે શિંદે જૂથે પણ મુંબઈ હાઈ કોર્ટનાં પગથિયાં ચડ્યાં છે. શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતાના પ્રકરણે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ૧૦મી જાન્યુઆરીએ ચુકાદો આપ્યો હતો. ચુકાદા અનુસાર શિવસેનાના ઠાકરે અને શિંદે જૂથના વિધાનસભ્યો અનપેક્ષિતપણે પાત્ર ઠર્યા છે. નાર્વેકરે કોઇ પણ જૂથના વિધાનસભ્યોને અપાત્ર ઠરાવ્યા નહોતા તેમ જ ખરી શિવસેના તરીકે શિંદે જૂથને માન્યતા આપી છે. આને કારણે ઠાકરે જૂથ આક્રમક થયું છે.