આ પ્રખ્યાત ક્રિકેટરને આઇફોન ગિફ્ટમાં લેવો મોંઘો પડ્યો, ICCએ કાર્યવાહી કરી મૂક્યો 2 વર્ષનો બૅન
નવી દિલ્હી: બાંગલાદેશના પ્રખ્યાત ઑલરાઉન્ડર નાસિર હુસૈન મોટી મુશ્કેલીમાં મૂકયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC) દ્વારા નાસિર હુસૈન પર ભ્રષ્ટાચારના આરોપ બદલ બે વર્ષનો બૅન મૂકવામાં આવ્યો છે. આ મામલે સૂત્રોએ જણાવ્યું હતું કે નાસિર હુસૈન છેલ્લા છ મહિનાથી ભ્રષ્ટાચારના આરોપને લઈને સસ્પેન્ડ હતો, પણ હવે તેણે આ બધા આરોપોને સ્વીકારતા તેના પર હવે બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બાંગલાદેશના પ્રખ્યાત ઑલરાઉન્ડર નાસિર હુસૈન પર સપ્ટેમ્બર 2023માં આઇસીસી દ્વારા ત્રણ ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા. નાસિર હુસૈનને 750 અમેરિકન ડૉલર કરતાં પણ વધુની કિંમતનો આઇફોન 12 ગિફ્ટ આપવામાં આવ્યો હતો. હુસૈનને આ ગિફ્ટ કોણે આપી? એ બાબતે એન્ટિ કરપ્શન અધિકારીઓએ તેનાથી પૂછપરછ કરી હતી, પણ તેણે આ મામલે કોઈ પણ માહિતી આપી નહોતી, અને તેણે આટલો મોંઘો મોબાઇલ ફોન કેવી રીતે ખરીદ્યો એ બાબતે પણ કોઈ જવાબ ન આપ્યો હતો.
નાસિર સામે કરવામાં આવેલા આરોપોમાં બ્રીચ ઑફ આર્ટીકલ 2.4.3 અને 2.4.6 કોડનું ઉલંઘન થયા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. નાસિર હુસૈન દ્વારા આ કોડનું ઉલંઘન કરવામાં આવતા તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, પણ તેણે કોઈ પણ સવાલનો જવાબ આપવા અને તપાસમાં એન્ટિ કરપ્શન અધિકારીઓને સમર્થન આપવા પણ ના પાડી હતી.
આ મામલે આઇસીસી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે બાંગલાદેશના 32 વર્ષના ઑલરાઉન્ડર નાસિર હુસૈને તેના પર લગાવવામાં આવેલા દરેક આરોપોને સ્વીકારી લીધા છે. જેથી તેના પર 6 એપ્રિલ 2025 સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને તે 7 એપ્રિલ 2025થી ફરી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમી શકશે. નાસિર હુસૈન વર્ષ 2020-21માં રમાયેલી અબુ ઘાભી ટી-10 લીગમાં પુણે ડેવિલ્સ ટિમના બીજા આઠ ખેલાડીઓ સહિત કથિત રીતે ભ્રષ્ટાચાર કરવાના આરોપમાં સામેલ હતો. હુસૈનના ક્રિકેટ કરિયર વિશે વાત કરીયે તો તેણે 19, ટેસ્ટ, 65 વન-ડે અને 31 ટી20માં રમ્યો હતો. તે છેલ્લે 2018માં બાંગલાદેશ તરફથી મેદાનમાં ઉતર્યો હતો. “
હુસૈને ટેસ્ટમાં 1044 રન બનાવ્યા હતા અને આઠ વિકેટ લીધી હતી.
વન-ડેમાં 1281 રન બનાવ્યા હતા અને 24 વિકેટ લીધી હતી.
ટી20માં 370 રન બનાવ્યા હતા અને સાત વિકેટ લીધી હતી.