ઇન્ડિયા ઓપનમાં ભારતના જ પ્લેયરે કૉમનવેલ્થ ચૅમ્પિયન ભારતીય ખેલાડીને હરાવ્યો!
નવી દિલ્હી: ટેનિસની જેમ બૅડમિન્ટનમાં પણ ટૅલન્ટેડ ભારતીય ખેલાડીઓ થોડા-થોડા દિવસે સુખદ આંચકા આપી રહ્યા છે. ભારત પાસે હવે એટલા બધા કાબેલ ખેલાડી થઈ ગયા છે કે જો એમાંનો કોઈ ખેલાડી કોઈ મોટી ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતે તો થોડા સમય બાદ તેને જ હરાવી શકે એવો ખેલાડી ફલક પર આવી ગયો હોય છે.
જુઓને, બૅડમિન્ટન પ્લેયર લક્ષ્ય સેન કૉમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ મેડલિસ્ટ છે, પણ મંગળવારે પાટનગર દિલ્હીમાં તેને ભારતના જ પ્રિયાંશુ રાજાવતે ઇન્ડિયા ઓપનના આરંભમાં તેને આંચકો આપીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. રાજાવતે સેનને 16-21, 21-16, 21-13થી હરાવી દીધો હતો. સેન બીજી વખત ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં પરાજિત થયો હોવાથી પૅરિસ ઑલિમ્પિક્સના ક્વૉલિફિકેશનને વિપરીત અસર થઈ શકે.
બીજી મૅચમાં વર્લ્ડ નંબર-નાઇન એચ. એસ. પ્રણોયે ચાઇનીઝ તાઇપેઇના ચોઉ ચેનને 21-6, 21-19થી હરાવીને બીજા રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી. હવે બીજા રાઉન્ડમાં પ્રણોય-રાજાવત વચ્ચે મુકાબલો થશે.