આવી રહ્યા છે ‘મહારાણી’, બિહારની રાજનીતિમાં મચાવવા ખલબલી..!
બોલીવુડ અભિનેત્રી હુમા કુરેશીની ઘણી વખણાયેલી વેબ સિરીઝ ‘મહારાણી’ની ત્રીજી સીઝનનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર આ વિશે જાણકારી આપી હતી. OTTની દુનિયામાં ક્રાઇમ થ્રીલર બાદ પોલિટીકલ ડ્રામા સૌથી વધુ જોવાય છે અને મહારાણી વેબ સિરીઝમાં હુમા કુરેશીનું પર્ફોર્મન્સ જોયા બાદ લોકો તેની પ્રતિભાને ઘણેઅંશે સ્વીકારી રહ્યા છે.
પહેલી 2 સીઝનની જેમ ત્રીજી સીઝનમાં પણ હુમાનો દબદબો યથાવત છે. સોશિયલ મીડિયામાં પણ ચાહકો વિવિધ પ્રતિક્રિયા આપી ઉત્સાહ દર્શાવી રહ્યા છે. શરૂઆતમાં હુમાને જેલમાં બતાવવામાં આવી છે. જેલમાં મીઠાઇ વહેચાઇ રહી છે. જેથી વિપક્ષ નેતા નવિનકુમાર પૂછે છે કે શું મારા આગમનને પગલે મીઠાઇ વહેચાઇ રહી છે કે કેદીઓને છૂટા કરવામાં આવ્યા એટલે મીઠાઇ વહેચાઈ રહી છે, જેના જવાબમાં એક મહિલા પોલીસકર્મી કહે છે કે રાણી મેડમએ પરીક્ષા પાસ કરી લીધી છે, એટલે મીઠાઇ વહેચાઇ રહી છે..અને આ સાંભળીને નવિનકુમાર હાથમાં લીધેલી મીઠાઇ પાછી મુકી દે છે!
આ પછી આવે છે એ ડાયલોગ.. જે બોલનાર કોઇ મહારાણી જ હોઇ શકે.. ‘હમ ચૌથી બાર ફેલ હુએ તો આપકી નાકમેં દમ કર દીયે.. જબ ગ્રેજ્યુએટ હો જાએંગે..ક્યાં હોગા આપ સબકા?’ આ સંવાદ પાછળનો અર્થ સમજવા મહારાણી વેબ સિરીઝના પહેલા બંને ભાગો જોઇ લેવા જરૂરી છે. આ પછી રાની (હુમા કુરેશી) હાથ પર હાથકડી સાથે જેલની વેનમાંથી બહાર આવતી જોવા મળે છે. હાથમાં હાથકડી સાથે જ એક બુક પણ છે, જેને પકડીને તે બધાનું અભિવાદન ઝીલી રહી છે. હાલમાં આ વેબસિરીઝની કોઇ રિલીઝ ડેટ જાહેર કરવામાં નથી આવી, પણ ટૂંક સમયમાં તેની જાહેરાત થાય તેવું શક્ય છે.