ફ્લાઇટ્સ મોડી પડવા અંગે કેન્દ્રીય પ્રધાન સિંધિયાએ નવી ગાઇડલાઇન્સની કરી જાહેરાત
નવી દિલ્હી: તાજેતરમાં બનેલી ધુમ્મસના કારણે ફ્લાઇટ્સ ડિલે થવાની ઘટનાઓ વિશે કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ DGCA દ્વારા નવી SOP જાહેર કરવામાં આવી હતી.
હવેથી એરલાઇન્સે મુસાફરોને ફ્લાઇટ વિશેનો રિઅલ ટાઇમ ડેટા આપવો પડશે, જો ફ્લાઇટ ટેકઓફ થવામાં 3 કલાકથી વધુ મોડું થાય તો સમયસર ફ્લાઇટ રદ કરી દેવી કે જેથી એરપોર્ટ પર વધુ ભીડ એકઠી ન થાય. એરલાઇન કંપનીઓએ ફ્લાઇટ ટિકીટ્સ પર સિવિલ એવિએશન રિક્વોરમેન્ટ આપવી ફરજિયાત કરી દીધી છે જેથી યાત્રીઓને જો એરલાઇન કંપની દ્વારા ફ્લાઇટ બોર્ડિંગમાં ના પાડવામાં આવે, ફ્લાઇટ રદ થાય અથવા મોડું થાય તો તેમના અધિકારો વિશે તેઓ જાગૃત રહે.
કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ એટલે કે નવી માર્ગદર્શિકાઓ જાહેર કરી હતી, તેમણે સોશિયલ મીડિયા પર પણ તેની જાહેરાત કરી છે. જે મુજબ 6 મેટ્રો એરપોર્ટ પર જે કોઇપણ ઘટના બને એ માટે દરરોજ 3 વખત તેનું રિપોર્ટિંગ કરવામાં આવશે.
જેટલી પણ SOP, CARs તથા DGCAની જેટલી પણ માર્ગદર્શિકા જાહેર થઇ હોય તેનું ચુસ્તપણે પાલન થઇ રહ્યું છે કે નહિ તે અંગે દેખરેખ રાખવામાં આવશે. તમામ 6 મેટ્રો એરપોર્ટ્સ પર ‘વોર રૂમ’ સ્થાપિત કરવામાં આવશે જેથી મુસાફરોની અસુવિધા વિશે કોઇ પણ ફરિયાદ આવે તો તેનું તાત્કાલિક નિરાકરણ થઇ શકે. એરપોર્ટ પર જે વિભાગોમાં સ્ટાફની અછત છે તે અંગે યોગ્ય પગલા લેવામાં આવશે.
એક મહત્વની જાહેરાત કરતા સિંધિયાએ જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર CAT-III શ્રેણીનો રનવે કાર્યરત કરી દેવામાં આવ્યો છે. ધુમ્મસની સ્થિતિ કાબૂમાં લેવા માટે સ્ટાફ દ્વારા સતત 24 કલાક કામગીરી કરવામાં આવી રહી છે. એરપોર્ટ તથા એરલાઇન્સ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ મુસાફરોને મદદ કરવા માટે પ્રયત્નશીલ છે.