મહારાષ્ટ્ર

ગઢચિરોલીમાં 1000 જવાનોએ 24 કલાકમાં પોલીસ પોસ્ટ બનાવી

ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લાના ગર્ડેવાડા વિસ્તારમાં 1000થી વધુ જવાનોએ માત્ર 24 કલાકમાં જ ‘પોલીસ પોસ્ટ’ બનાવી હતી. અગાઉ નક્સલવાદીઓનો ગઢ ગણાતા આ વિસ્તારના 750 સ્ક્વેર કિલોમીટર પરિસરમાં પોલીસ પોસ્ટને કારણે નજર રાખી શકાશે, એમ વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ પોલીસ પોસ્ટને કારણે 1947 પછી પહેલી વાર આ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની કાયમી હાજરીનો માર્ગ મોકળો થયો છે.

ગઢચિરોલીના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નીલોત્પલે જણાવ્યું હતું કે સુરંગ અને ઘાતકી હુમલાને ટાળવા માટેની માર્ગ ખુલ્લો કરવાની કવાયતમાં આશરે 600 કમાન્ડો સોમવારે ગર્ડેવાડામાં 60 કિલોમીટર સુધી ચાલ્યા હતા.

આ નવી પોલીસ પોસ્ટને કારણે 750 કિલોમીટર સુધીના વિસ્તાર પર નજર રાખી શકાશે, જે અગાઉ નક્સલવાદીઓનો ગઢ ગણાતો હતો. જોકે પોલીસ પોસ્ટને કારણે ગટ્ટા-ગર્ડેવાડા-તોડગટ્ટા-વાનગેતુરી-પાનવર આંતરરાજ્ય માર્ગ છત્તીસગઢ સુધી તૈયાર કરવામાં મદદ થશે. એ સિવાય 10 જેટલા 4જી ટાવર ઊભા કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

માર્ગ ખોલવાની કવાયતમાં લગભગ 1000 સી-60 કમાન્ડો, પચીસ બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, નવનિયુક્ત પોલીસ જવાનો, 500 સ્પેશિયલ પોલીસ અધિકારીઓ, રાજ્ય અને કેન્દ્રીય અનામત પોલીસ દળની ટીમો અને ખાનગી કોન્ટ્રાક્ટરો સામેલ હતા. ઉપરાંત, 1,500 લોકો, 10 જેસીબી, 10 ટ્રેઈલર્સ, ચાર પોકલેન મશીન, 45 ટ્રક્સ અને અન્ય સુવિધાઓ સાથે 24 કલાકમાં આ પોસ્ટ ઊભી કરાઈ હતી, એમ એસપીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button