ચંદીગઢમાં મેયર પદની ચૂંટણી માટે AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન, રાઘવે કહ્યું મેયર અમારો હશે..
નવી દિલ્હી: આવનારી લોકસભા ચૂંટણી પહેલા INDIA ગઠબંધન તેની પ્રથમ ચૂંટણી લડવા જઇ રહ્યું છે, ચંદીગઢમાં 18 જાન્યુઆરીએ મેયર પદની ચૂંટણી યોજાઇ રહી છે જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સંયુક્તપણે ઉમેદવારી કરશે. AAP સાંસદ રાઘવ ચડ્ઢાએ કહ્યું હતું કે ચંદીગઢની ચૂંટણી દ્વારા INDIA ગઠબંધન અને ભાજપ વચ્ચે ચૂંટણી જંગના શ્રીગણેશ થશે.
અગાઉ દિલ્હી અને પંજાબની લોકસભાની બેઠકો માટે AAP અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણના સમાચારોએ ચર્ચા જગાવી હતી, જો કે રાઘવ ચડ્ઢાના આ નિવેદન પરથી એવું લાગી રહ્યું છે જાણે બેઠક વિવાદ સમાપ્ત થઇ ગયો છે, અને બંને પક્ષ ભાઇચારાના ગીતો ગાવા માટે તૈયાર થઇ ગયા છે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મુખ્યાલયમાં પત્રકાર પરિષદ યોજીને રાઘવ ચડ્ઢાએ આ અંગે માહિતી આપી હતી. તેમણે નિવેદન આપ્યું હતું કે ચંદીગઢ મેયર પદની ચૂંટણીએ કોઇ સામાન્ય ચૂંટણી નથી, આ ચૂંટણીના પરિણામો એ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટેનો માહોલ ઉભો કરશે. તેમણે દાવો કર્યો હતો કે આ ચૂંટણી બાદ INDIA ગઠબંધનનો સ્કોર 1 અને ભાજપનો સ્કોર 0 હશે. જ્યારે ગઠબંધનમાં તમામ લોકો એકસાથે લડે તો એક અને એક બે નહી અગિયાર થાય છે. 18 જાન્યુઆરીએ ચંદીગઢના લોકો ભાજપને હટાવશે.
વધુ એક મહત્વની જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે મેયર આમ આદમી પાર્ટીનો જ રહેશે. ડેપ્યુટી મેયર પદ અથવા સિનીયર ડેપ્યુટી મેયર પદ કોંગ્રેસ પાસે જઇ શકે છે. લોકસભાની ચૂંટણીમાં કયા રાજ્યોમાં કેટલી બેઠકોની વહેચણી થશે, ક્યાં ભેગા મળીને લડવાનું છે તે આગળ જોઇ લેવાશે. તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી, એ બેઠક સકારાત્મક રહી છે અને આગળ જતા ચૂંટણીઓ કઇ રીતે લડવાની છે તેનો માર્ગ સરળ બન્યો છે તેવું રાઘવે જણાવ્યું હતું.