ભારતને ઐતિહાસિક ટેસ્ટ જિતાડનાર આ ભૂતપૂર્વ કૅપ્ટનને 100 ટેસ્ટ રમવી જ છે
મુંબઈ: ઑસ્ટ્રેલિયામાં બેનમૂન નેતૃત્વથી ભારતને ઐતિહાસિક ટેસ્ટ-સિરીઝ જિતાડી ચૂકેલો તેમ જ લૉર્ડ્સ અને મેલબર્ન જેવા પ્રખ્યાત સ્થળે સેન્ચુરી ફટકારી ચૂકેલો ભૂતપૂર્વ કૅપ્ટન 12 જાન્યુઆરીએ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)ના મેદાન પરના રણજી ટ્રોફી મુકાબલામાં આંધ્રની ટીમ સામેના પ્રથમ દાવમાં પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયો, પણ તેની વધુ એક બેહતરીન કૅપ્ટન્સીએ મુંબઈને સોમવારે 10 વિકેટના માર્જિનથી શાનદાર વિજય અપાવ્યો હતો. આપણે અજિંક્ય રહાણેની વાત કરી રહ્યા છીએ. તેની કૅપ્ટન્સીમાં ભારતે 2021માં બ્રિસ્બેનના ગૅબામાં ઑસ્ટ્રેલિયાને 1988ની સાલ પછીની પ્રથમ હાર જોવડાવી એ ઘટના તો રોમાંચક હતી જ, ઑસ્ટ્રેલિયાની ધરતી પર શ્રેણીની પહેલી ટેસ્ટના બીજા દાવમાં લોએસ્ટ 36રનના સ્કોરે ઑલઆઉટ થતાં જોવી પડેલી શરમજનક હાર બાદ મુખ્ય કૅપ્ટન વિરાટ કોહલી સ્વદેશ પાછો આવી ગયો એ પછી ભારતે રહાણેના સુકાનમાં શ્રેણી જીતીને ક્રિકેટજગતમાં સનસનાટી મચાવી દીધી હતી. રહાણે 85 ટેસ્ટ રમ્યો છે. થોડા સમયથી તે ટીમ ઇન્ડિયાની બહાર છે.
યુવા ખેલાડીઓના આગમનથી ચેતેશ્ર્વર પુજારા અને શ્રેયસ ઐયરને પણ ટેસ્ટ ટીમમાં જગ્યા નથી મળતી, પરંતુ 35 વર્ષીય રહાણે મુંબઈને રણજીની વર્તમાન સીઝનમાં એક પછી એક વિજય અપાવતા રહેવાની સાથે કરીઅરમાં 100 ટેસ્ટની સિદ્ધિ પણ પૂરી કરવા મક્કમ છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, ‘મારી દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ફલક પર કોઈ પ્લેયરની બૅટિંગ સારી હોય તો એ ટીમમાં સેફ હોય એવું નથી હોતું. એ ખેલાડી કેટલો બાહોશ છે, તેનામાં કેટલી દૃઢતા છે અને થોડું વધુ જોખમ ઉઠાવવાની બાબતમાં કેટલો સક્ષમ અને કાબેલ છે એ પણ જરૂરી હોય છે. ટૂંકમાં, દરેક પ્લેયરની સફળતાનો આધાર તેની મન:સ્થિતિ પર રહે છે. જો કોઈ પ્લેયર પોતાના જ પર્ફોર્મન્સને જ લક્ષમાં રાખીને રમ્યા કરે તો તેની કરીઅર અને તેની શાખ સીમિત રહી જાય છે. જો એ જ પ્લેયર ‘ટીમ ફર્સ્ટ’ માનીને રમે અને પછી પોતાની ગેમ પર પૂરતું લક્ષ આપે અને તેને નિષ્ફળતાનો ભય ન હોય તો એવો ઍટિટ્યૂડ તેને સફળ ક્રિકેટર બનાવી શકે.’