શાળાની ફી ન ભરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી કાઢ્યા બહાર અને પછી…
થાણે: થાણેની એક અંગ્રેજી માધ્યમની શાળામાં ફી ન ભરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી બહાર કાઢવાની ઘટના સામે આવી છે. આજે સવારે બનેલી આ ઘટનાને લીધે શાળા પ્રશાસન અને વિદ્યાર્થીઓના વાલીઓ વચ્ચે ટકરાવ થયો હતો. વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષા વખતે ક્લાસમાંથી બહાર કાઢવાની માહિતી મળતા રાજકીય પક્ષના પદાધિકારીઓએ કાર્યકરો સાથે મળીને શાળાના ગેટને ઘેરાવ ઘાલ્યો હતો, અને આ મામલે શાળા પ્રશાસનને સવાલ કર્યો હતો. તે દરમિયાન વાલીઓ અને પદાધિકારીઓને પોલીસ દ્વારા શાળાના કેમ્પસમાં જવાથી રોકવામાં આવતા મોટો હંગામો થયો હતો.
થાણે શહેરના વર્તકનગરમાં આવેલી આ શાળામાં ગયા અનેક મહિનાની ફી ન ભરવાથી વિદ્યાર્થીઓ પર પરીક્ષામાં બેસવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. આ મામલે એક પેરેન્ટ્સે કહ્યું હતું કે તેમણે પહેલાથી જ ઓનલાઇન ફી ભરી દીધી હતી. ફી ભર્યા છતાં વિદ્યાર્થીઓ સામે આવી કાર્યવાહી કરવાથી અનેક વાલીઓએ તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. શાળાની આ કાર્યવાહીથી વાલીઓ ગુસ્સે ભરાયા છે. શાળાની ફી અમુક વખત મોડી ભરવામાં આવતા સ્કૂલ પ્રશાસન દ્વારા તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે, શાળા દ્વારા ઓનલાઇન ફીને માન્યતા આપવામાં આવતી નથી. શાળામાં વિદ્યાર્થીને મરાઠી બોલવા બદલ અને વિદ્યાર્થીનીઓ કપાળે ચાંદલો લગાવે તો પણ તેમની પાસેથી 50 રૂપિયાનો દંડ લેવામાં આવે છે, એવો આરોપ પેરેન્ટ્સે કર્યો હતો.
અંગ્રેજી સિવાય બીજી કોઈ ભાષાનો ઉપયોગ કરવા બદલ શાળાના પ્રિન્સિપલ અને શિક્ષક વિદ્યાર્થી સાથે ગેરવર્તન કરે છે. પેરેન્ટ્સ દ્વારા કરવામાં આવેલા આરોપોને લઈને સ્કૂલ પ્રશાસન સામે રાજકીય પક્ષના પદાધિકારીઓએ વાલીઓ સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલે હવે પોલીસે શાળાના કેમ્પસના પોહોંચી ભીડને કાબૂમાં લાવી હતી. વિદ્યાર્થીઓ સામે શાળા દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી મામલે શાળા પ્રશાસન દ્વારા કોઈ માહિતી આપવામાં આવી ન હોવાનું સૂત્રોએ કહ્યું હતું.