મારા શરીરમાં માઇક્રોચિપ લગાવી સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કર્યા, અદાલતમાં વ્યક્તિનો અજબ દાવો

મુંબઈ: મુંબઈની અદાલતમાં એક વ્યક્તિએ તેના શરીરમાં અજાણ્યા લોકોએ માઇક્રો ચિપ લગાવી તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કરી લીધા હોવાનો અજબ દાવો કર્યો હતો. આ વ્યક્તિના દાવાની તપાસ કરવા માટે કોર્ટ દ્વારા પોલીસને આદેશ આપવામાં આવ્યો છે. તેમ જ અદાલતે પીલીસને આ કેસની તપાસ પૂરી કરી રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો હતો. અદાલતે દરેક જરૂરી દસ્તાવેજોને સાઇબર ક્રાઇમ વિભાગને આપી આગળની તપાસ કરવામાં આવે એવું પણ જણાવ્યું હતું.
શું છે સમગ્ર કેસ?
સચિન સોનાવણે નામના એક વ્યક્તિએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કરી લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેણે દાવો કર્યો હતો કે હેકર્સે તેના શરીરમાં એક પ્રકારની માઇક્રોચિપ લગાવી તેના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી લીધા છે. તેમ જ દરેક સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ પણ બદલાઈ ગયા છે. હેકર્સ દ્વારા તેના ઈ-મેલ સાથે બીજા પણ એકાઉન્ટને પણ હેક કરવામાં આવ્યા હોવાનો દાવો આ વ્યક્તિએ ફરિયાદમાં કર્યો હતો.
પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવ્યા બાદ તેણે કહ્યું હતું કે સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થતાં તેને મોટું નુકસાન થયું હતું. હેકર્સે ચિપની મદદથી તેના હૃદયના ધબકારાની ગતિને પણ વધારી હતી, જેથી તેને આ પ્રકારે હેરાન કરી મારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનો છે, એવો દાવો તેણે કોર્ટ સમક્ષ કર્યો હતો. સચિનની આ ફરિયાદને સાંભળી કોર્ટે કહ્યું હતું કે સચિનના દવાને ધ્યાનમાં રાખીને સમજાય છે કે આ પ્રકારની ફરિયાદમાં આરોપીઓ સામે આઇપીસી કલમ 420 દાખલ કરી શકાય છે. આ સાથે અદાલતે આ કેસની વિગતવાર તપાસ કરવા માટે સાઇબર ક્રાઇમ વિભાગને પણ સૂચના આપી હતી.