આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘Rahul Gandhiની યાત્રાના દિવસે મને કોંગ્રેસ ન છોડવા માટે ફોન આવ્યો હતો’, મિલિંદ દેવરાનો નવો ખુલાસો

મુંબઇઃ પૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા કોંગ્રેસ છોડીને શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનાનું સભ્યપદ લીધું છે. પાર્ટી છોડતી વખતે મિલિંદે કહ્યું હતું કે, ‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું કોંગ્રેસ સાથેનો મારો 55 વર્ષનો સંબંધ તોડીશ.’ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના બીજા જ દિવસે તેમણે વધુ એક મોટો ખુલાસો કર્યો છે.

શિવસેનામાં સામેલ થયા બાદ મિલિંદ દેવરાએ એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં નવો ખુલાસો કર્યો હતો.
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ છોડતા પહેલા તેમને રોકવા માટે પાર્ટી તરફથી કોઈનો ફોન આવ્યો હતો. ત્યારે આ સવાલનો જવાબ આપતા મિલિંદે કહ્યું હતું કે પાર્ટી તરફથી તેમને રોકવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. તેમને કોઈ નેતાનો ફોન આવ્યો ન હતો.


તેમણે આગળ જણાવ્યું હતું કે, ‘મને પાર્ટીના એક વરિષ્ઠ નેતાનો ફોન આવ્યો હતો. તેમણે મને પાર્ટીમાં રહેવાની અપીલ નહોતી કરી, પણ ફોન કરનાર વરિષ્ઠ નેતાએ મને કહ્યું હતું કે રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની શરૂઆતના દિવસે મારે પાર્ટી છોડવાની જાહેરાત ન કરવી જોઈએ. જો કે, તેમના શબ્દોએ મને ઘણું નુકસાન પહોંચાડ્યું અને કોંગ્રેસથી અલગ થવાનો મારો સંકલ્પ વધુ મજબૂત થયો હતો.’

બે દિવસ પહેલા 14 જાન્યુઆરીએ મિલિંદ દેવરાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને તે જ દિવસે તેઓ શિવસેનામાં જોડાઈ ગયા હતા. મિલિંદ દેવરાએ કહ્યું હતું કે, ‘છેલ્લા 10 વર્ષમાં મુંબઈમાં એક પણ આતંકવાદી હુમલો થયો નથી. આનો સંપૂર્ણ શ્રેય મોદીજીને જાય છે. જેમણે મને ટેકો આપ્યો છે તેમનો હું આભાર માનું છું. મારા માટે આ સરળ નિર્ણય નહોતો. ફરી એકવાર મુંબઈને આર્થિક રાજધાની બનાવવી પડશે. આપણે ફરી એકવાર મુંબઈને આર્થિક બાબતોમાં મજબૂત બનાવવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ખૂબ જ મજબૂત બન્યું છે તે ખૂબ જ ગર્વની વાત છે.


કોંગ્રેસ પાર્ટીએ દેવરાના રાજીનામાના સમયને લઈને સવાલો ઉઠાવ્યા હતા. પાર્ટીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની શરૂઆત પહેલા જ મિલિંદ દેવરાની પાર્ટી છોડવાની જાહેરાતના સમયને નિશાન બનાવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે મિલિંદની પાર્ટી છોડવાની જાહેરાતનો સમય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કર્યો હતો. એજન્સી ઇનપુટ્સ અનુસાર, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે દેવરાએ શુક્રવારે તેમની સાથે ફોન પર વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ દક્ષિણ મુંબઈની લોકસભાની સીટ પર ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાના દાવા પર રાહુલ ગાંધી સાથે વાત કરવા માગે છે. મિલિંદ દેવરા અને તેમના પિતા મુરલી દેવરા બંને દક્ષિણ મુંબઈથી સાંસદ રહી ચૂક્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button