ટ્રેનમાં મુસાફરે ગરમ પાણી માટે ચાર્જિંગ સોકેટમાં ઈલેક્ટ્રીક કીટલી લગાવી, પછી…
ટ્રેનમાં ફટાકડા, માચીસ વગેરે જેવી કોઇ પણ જ્વલનશીલ વસ્તુઓ લઇને મુસાફરી કરી શકાતી નથી. જોકે, લાંબા અંતરની ટ્રેનમાં યાત્રીઓને સુવિધા માટે ફોન ચાર્જિંગની સગવડ આપવામાં આવે છે. આવા જ એક ફોન ચાર્જિંગ પોઇન્ટમાં ઇલેક્ટ્રિક કેટલ લગાવી પાણી ગરમ કરનાર એક વ્યક્તિ સામે કે દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ 36 વર્ષનો વ્યક્તિ ગયાથી નવી દિલ્હી જઈ રહ્યો હતો. તે મહાબોધિ એક્સપ્રેસમાં જઇ રહ્યો હતો. તેણે મોબાઈલ ફોન ચાર્જિંગ આઉટલેટમાં ઇલેક્ટ્રિક કેટલનો ઉપયોગ પાણી ગરમ કરવા માટે કર્યો હતો. આ ઘટના બાદ આરપીએફના અધિકારીઓ દ્વારા તે વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેને કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો.
આ વ્યક્તિને અલીગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રેલવે એક્ટની કલમ 147 (1) હેઠળ તેના ગુના માટે કેસ નોંધવામાં આવ્યો હતો. લેહના રહેવાસી આરોપીને આમ કરવા બદલ 1000 રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. સત્તાવાળાઓ અને અદાલતે ચેતવણી આપીને તેને છોડી દીધો હતો.
RPF પોસ્ટ કમાન્ડર રાજીવ વર્માએ જણાવ્યું હતું કે, “પૂછપરછ દરમિયાન, વ્યક્તિએ અમને જણાવ્યું હતું કે લગભગ 70 વર્ષની વયની એક વૃદ્ધ મહિલા હતી જે તેની દવા લેવા માટે ગરમ પાણીની માંગ કરી રહી હતી. તેણે પેન્ટ્રી કારના કર્મચારીઓ પાસેથી પાણી માંગ્યું હતું, પરંતુ તેઓએ ઇનકાર કર્યો હતો. તેથી તેણે જાતે જ પાણી ઉકાળવાનું નક્કી કર્યું હતું અને ઇલેક્ટ્રિક કેટલમાં પાણી ગરમ કરીને મહિલાને આપ્યું હતું.”
નોંધનીય છે કે ચાલતી ટ્રેનની અંદર ચાર્જિંગ સોકેટ સાથે હાઈ વોલ્ટેજ ઉપકરણને જોડવું અત્યંત જોખમી બની શકે છે. આના કારણે શોર્ટ સર્કિટ થઈ શકે છે જેના કારણે ટ્રેનના એસી 3 ટાયર કોચમાં આગ લાગી શકે છે.
થોડા દિવસો પહેલા અલીગઢમાં ચાલતી ટ્રેનની અંદર તાપણુ કરવા બદલ બે લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટના દિલ્હીથી આસામ જતી સંપર્ક ક્રાંતિ એક્સ્પ્રેસ ટ્રેનમાં બની હતી. ટ્રેનમાં સવાર બે મુસાફરોએ ટ્રેનમાં તાપણું સળગાવ્યું હતું. દિલ્હીથી આસામ જતી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર બે મુસાફરોની ટ્રેનમાં તાપણું કરીને હજારો મુસાફરોના જીવ જોખમમાં મૂકવાના આરોપમાં અલીગઢ રેલ્વે સ્ટેશન પર ધરપકડ કરવામાં આવી હતી. હરિયાણાના એક ગામના વતની આ બે મુસાફરોએ 5 જાન્યુઆરીએ ભારે ઠંડીથી બચાવવા માટે ટ્રેનના ડબ્બાની અંદર છાણા સળગાવી તાપણું કર્યું હતું.