શેર બજાર

આઈટી શૅરોની તેજીને ટેકે સેન્સેક્સ 759 પૉઈન્ટ ઊછળીને નવી ટોચે, નિફ્ટીએ 22,000ની સપાટી કુદાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તાજેતરમાં જાહેર થયેલા આઈટી શૅરોનાં પ્રોત્સાહક પરિણામોને ટેકે રોકાણકારોની આઈટી શૅરોમાં નીકળેલી વ્યાપક લેવાલી ઉપરાંત ઈન્ડેક્સ હેવી વેઈટ રિલાયન્સ અને એચડીએફસી બૅન્કમાં પણ તેજી આગળ ધપતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત પાંચમાં સત્રમાં તેજી આગળ ધપી હતી, જેમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીએ 202.90 પૉઈન્ટના ઉછાળા સાથે સૌ પ્રથમ વખત 22,000ની સપાટી કુદાવીને 22,097.45ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ 759 પૉઈન્ટના ઉછાળા સાથે 73,327.94ની નવી ટોચે બંધ રહ્યો હતો. જોકે, ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 340.05 કરોડની ચોખ્ખી વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 2911.19 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના 72,568.45ના બંધ સામે સુધારાના વલણ સાથે 73,049.87ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 73,402.16 પૉઈન્ટની સર્વોચ્ચ સપાટી દાખવી હતી, જ્યારે નીચામાં 72,909 સુધી ઘટ્યા બાદ અંતે આગલા બંધ સામે 759.49 પૉઈન્ટ અથવા તો 1.05 ટકાના ઉછાળા સાથે 73,327.94ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી આગલા 21,894.55ના બંધ સામે 22,053.15ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 22,115.55 અને નીચામાં 21,963.55ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે 0.93 ટકા અથવા તો 202.90 પૉઈન્ટ વધીને 22,097.45ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો.
તાજેતરમાં ટીસીએસ, ઈન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેક્નોલૉજીસે જાહેર કરેલા વર્તમાન નાણાકીય વર્ષનાં ત્રીજા ત્રિમાસિકગાળાના પરિણામો બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી બજારની તેજીને ટેકો મળ્યો હતો. આ ઉપરાંત ઑઈલ ઍન્ડ ગૅસ તથા એનર્જી ક્ષેત્રના શૅરો ઝળકતાં તેજીને પ્રેરક બળ મળ્યું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે આઈટી ઈન્ડેક્સમાં ઉછાળા ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતની શરૂઆત કરે તેવો આશાવાદ વધવાને કારણે બજારની તેજીએ વેગ પકડ્યો છે. તે જ પ્રમાણે રેલિગેર બ્રોકિંગનાં ટેક્નિકલ રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજીત મિશ્રાએ જણાવ્યું હતું કે આઈટી શૅરોમાં રોકાણકારોની લેવાલી ઉપરાંત બૅન્કિંગ અને એનર્જી બાસ્કેટમાં રોકાણકારોનું આકર્ષણ વધુ રહેતાં બજારમાં તેજીનો કરંટ જળવાઈ રહ્યો હતો.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 21 શૅરના ભાવ વધીને અને નવ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 35 શૅરના ભાવ વધીને અને 15 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જોકે, સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 6.25 ટકાનો ઉછાળો વિપ્રોમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એચસીએલ ટેક્નોલૉજીસમાં 2.90 ટકાનો, ઈન્ફોસિસમાં 2.47 ટકાનો, ભારતી એરટેલમાં 2.39 ટકાનો, ટૅક મહિન્દ્રામાં 2.34 ટકાનો અને એચડીએફસી બૅન્કમાં 1.97 ટકાનો ઉછાળો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 2.34 ટકાનો ઘટાડો બજાજ ફાઈનાન્સમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે બજાજ ફિનસર્વમાં 1.17 ટકા, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં 0.66 ટકા, ટાટા મોટર્સમાં 0.48 ટકા, ટાટા સ્ટીલમાં 0.26 ટકા અને એશિયન પેઈન્ટ્સમાં 0.12 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ ખાતેનાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે 0.67 ટકાનો અને 0.11 ટકાનો સુધારો આગળ વધ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેનાં તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ પૈકી એકમાત્ર મેટલ ઈન્ડેક્સમાં 0.23 ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાય તમામમાં સુધારાતરફી વલણ હતું, જેમાં મુખ્યત્વે સીપીએસઈ ઈન્ડેક્સમાં 2.14 ટકાનો, પીએસયુ ઈન્ડેક્સમાં 1.84 ટકાનો, ટેક્નોલૉજી ઈન્ડેક્સ અને આઈટી ઈન્ડેક્સમાં 1.79 ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં 1.70 ટકાનો અને એનર્જી ઈન્ડેક્સમાં 1.66 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
દરમિયાન આજે ડિસેમ્બર મહિનાના જાહેર થયેલા હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સમાં જે ગયા મહિનામાં 0.26 ટકાનો વધારો થયો હતો તેની સામે 0.73 ટકાનો વધારો નોંધાયો હતો. જોકે, બજાર વર્તુળો 0.90 ટકાના વધારાની ધારણા રાખી રહ્યા હોવાથી અપેક્ષા કરતાં ઘટાડો થવાથી તેમ જ તેમ જ એપ્રિલથી ઑક્ટોબર સુધીનો જથ્થાબંધ ફુગાવો નકારાત્મક ઝોનમાં રહ્યો હોવાને કારણે પણ બજારમાં તેની નકારાત્મક અસર જોવા ન મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે એશિયામાં સિઉલ, ટોકિયો અને શાંઘાઈની બજાર સુધારાના અન્ડરટોને બંધ રહી હતી, જ્યારે હૉંગકૉંગની બજાર મામૂલી ઘટાડા સાથે બંધ રહી હતી. તેમ જ યુરોપનાં બજારો પણ મધ્ય સત્ર દરમિયાન નરમ રહ્યાનાં અહેવાલ હતા.
વધુમાં આજે વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.29 ટકા ઘટીને બેરલદીઠ 78.06 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત