ફેડરલ દ્વારા વહેલાસર વ્યાજદર કપાતનો પુન: આશાવાદ
વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 192નો અને ચાંદીમાં રૂ. 610નો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવ અને અમેરિકી ફેડરલ રિઝર્વ માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતનો આરંભ કરે તેવો પુન: આશાવાદ નિર્માણ થતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં અનુક્રમે 0.2 ટકા અને 0.3 ટકાની અને ચાંદીના ભાવમાં 0.2 ટકાની તેજી આગળ વધી હોવાના પ્રોત્સાહક અણસારે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સપ્તાહના આરંભે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 191થી 192નો ઉછાળો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસા મજબૂત રહ્યો હોવાથી આયાત પડતરો ઘટવાથી વિશ્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 610ની તેજી સાથે ફરી રૂ. 72,000ની સપાટી પાર કરી ગયા હતા.
આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. તેમ જ સ્ટોકિસ્ટો રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 191 વધીને રૂ. 62,456 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 192 વધીને રૂ. 62,707ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે નીકળેલી સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 610 વધીને ફરી રૂ. 72,000ની સપાટી કુદાવીને રૂ. 72,140ના મથાળે રહ્યા હતા.
ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાના 100 દિવસ થઈ ગયા છે અને ઈઝરાયલ દ્વારા હજુ હુમલાઓ થઈ રહ્યા છે, જ્યારે અમેરિકાએ યમન પર કરેલા હુમલાનો હુતી મિલિટન્ટોએ ચેતવણી ઉચ્ચારતા મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગનો વધારો થતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળી રહ્યું છે. વધુમાં અમેરિકાના ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં અપેક્ષા કરતાં વધુ વધારો થવાથી ફેડરલ રિઝર્વ દ્વારા વહેલાસર વ્યાજદરમાં કપાત શરૂ થવાનો આશાવાદ વધતાં સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું કેપિટલ ડૉટ કૉમના વિશ્લેષક ક્યાલે રોડ્ડાએ જણાવ્યું હતું. જોકે, સીએમઈ ફેડ વૉચ ટૂલ અનુસાર ફેડરલ રિઝર્વ માર્ચ મહિનાથી વ્યાજદરમાં વધારો કરે તેવી 81 ટકા શક્યતા મૂકાઈ રહી છે.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના આૈંસદીઠ ભાવ આગલા બંધ સામે અનુક્રમે 0.2 ટકા વધીને અનુક્રમે 2053 ડૉલર અને 0.3 ટકા વધીને 2057.50 ડૉલર આસપાસ તથા ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.2 ટકા વધીને આૈંસદીઠ 23.21 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે હવે રોકાણકારોની નજર અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી 30-31 જાન્યુઆરીના રોજ યોજાનારી નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે. જોકે, રૉઈટર્સનાં ટેક્નિકલ વિશ્લેષકના મતાનુસાર હાલમાં વૈશ્વિક સોના માટે આૈંસદીઠ 2060 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થશે અને જો ભાવ આ સપાટી કુદાવે તો વધીને ભાવ 2071થી 2079 ડૉલરની રેન્જમાં અથડાતા રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.