આપણું ગુજરાત
ગૃહપ્રધાન અમિત શાહનાં મોટા બહેનનું અવસાન: મૃતદેહ મુંબઈથી અમદાવાદ લવાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનાં મોટા બહેનનું સોમવારે અવસાન થયું છે. લાંબા સમયથી રાજેશ્વરી શાહ સારવાર લઈ રહ્યાં હતાં. જોગાનુજોગ અમિત શાહ પણ ગુજરાતમાં હાજર છે અને કેટલાક કાર્યક્રમમાં હાજરી પણ આપવાના હતા, એમની અંતિમ યાત્રા આજે બપોરે ત્રણ વાગે નીકળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાજેશ્વરીબેનને ફેફસાંની તકલીફ હતી. એક મહિના પહેલાં મુંબઈ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં. તેમના મૃતદેહને મુંબઈથી અમદાવાદ મેપલ 3- શાલ હોસ્પિટલ પાસે રાજેશ્વરીબેનના ઘરે લાવવામાં આવ્યો હતો. તેમની ઉંમર અંદાજે 65 વર્ષની હતી અને તેઓ અમિત શાહનાં મોટાં બેન હતા. બહેનનું નિધન થતાં અમિત શાહે તેમના તમામ કાર્યક્રમ રદ કર્યા હતાં. અમિત શાહના બહેનના નશ્વર દેહને થલતેજ સ્મશાનગૃહ ખાતે મંત્રોચ્ચાર વિધિ સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.