તરોતાઝા

હેડકી -હિક્કા – હિક્કપ…

આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી `મન’

સામાન્ય લાગતી હેડકી વકરીને ગંભીર સમસ્યા ઊભી કરે ત્યારે શું શું કરવું ?

હેડકી એ સામાન્યત: છીંક-ઓડકાર- બગાસું, વગેરે શરીરનો એક ફિઝિઓલોજીકલ(પ્રાકૃતિક) વેગ-આવેગ છે, પણ જ્યારે ખૂબ વધારે પ્રમાણમાં ઊપડે ને જાતે બંધ ન થાય ત્યારે તેને એક પ્રકારની વિકૃતિ એટલે કે રોગ ગણવામાં આવે છે.
હેડકીને આમ તો સાવ સામાન્ય રોગ માનવામાં આવે છે, પણ તે વકરે છે ત્યારે ભયંકર રૂપ ધારણ કરીને એ મારક ઉપદ્રવ પણ થઈ જાય… જોતજોતામાં દર્દીનો શ્વાસ ખેંચાઈ જાય એવી ભારે જાતની હેડકી પણ થાય ત્યારે એનો અવાજ દૂર દૂર સુધી સંભળાય છે. દર્દી પાંચ મિનિટ પણ ચેન લઈ શકતો નથી. શરીરની નસેનસ ખેંચાય છે. ક્યારેક તો બે-ત્રણ દિવસ સુધી બિલકુલ અટક્યા વિના આ હેડકી ચાલુ જ રહે છે,જે ક્યારેક તુરંત પ્રાણઘાતક પણ બની જાય…
મોટાભાગનાં પથારીવશ લાંબી માંદગીવાળાં દર્દીનાં મૃત્યુ સમયે ઊભડક મહાશ્વાસ ઊપડીને હેડકી શરૂ થઈ જતી હોય છે. આથી ગંભીર માંદગીનાં અંતિમ દિવસોમાં હેડકી મૃત્યુસૂચક લક્ષણ ગણાય છે. આવી ભયજનક હેડકી વખતે ઇમર્જન્સી સારવાર આપવી પડે.
આયુર્વેદમાં વર્ણવ્યું છે તેમ ગંભીરા' અનેમહાહિક્કા’ નામની હેડકીનાં પ્રકારમાં તાત્કાલિક સારવાર ન મળે તો શ્વાસનાં હુમલાની જેમ હેડકી પણ જીવલેણ
નીવડી શકે .
બીજી તરફ્, વધુ ભોજન થઈ જવાથી થતી અન્નની હેડકી અને એક જ સાથે જોડકા સ્વરૂપે ઉપરાઉપરી બે વખત આવતી `ક્ષુદ્રા’ નામની હેડકી સામાન્ય સારવારથી પણ કાબૂમાં આવી જાય છે.
હેડકી ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ છે વાયુની ઉર્ધ્વગતિ. વાયુ અવળો થઈ ઉપર ચડી યકૃત અને પ્લીહા સુધીનાં છાતીનાં ભાગને ઉપર તરફ ખેંચે છે. હિક્કાનાં ગંભીર પ્રકારમાં તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાય છે ને દર્દી સૂતેલ હોય ત્યારે પણ હેડકી ચાલુ રહે છે. છાતી-વાંસો-માથું- ગળું તથા નાભીમાં પીડા થાય છે તો મહાહિક્કામાં હૃદય- નાભી-બસ્તી વગેરે પણ ખેંચાય છે. આખું શરીર કંપે છે. દર્દીની આંખો ઉપર ચડેલી રહે છે.
આંત્રવિદ્રધિ (પેરિટોનાઇટીસ) કે અપેન્ડીસાયટીસની ઉગ્ર અવસ્થામાં પણ ક્યારેક આવી હેડકી થતી જોવામાં આવે છે. ગંભીરા હેડકીમાં તરસ વધુ લાગે છે અને સાથે તાવ પણ આવે છે.
હેડકીમાં વાયુ ઉપરાંત કફપ્રકોપ પણ થોડા પ્રમાણમાં જોવા મળે છે.
વર્ષાઋતુમાં વરસાદ ન આવી ને કેવળ પવન જ ફુંકાયા કરે તેવાં વાતાવરણમાં અને શિશિરમાં વાયુપ્રકોપના કારણે હેડકી વિશેષ થતી જોવામાં આવે છે. વૃદ્ધ લોકો, વાતપ્રકૃતિવાળાં લોકો તેમ જ શ્રમજીવી લોકો આ રોગમાં વધુ સપડાતા જોવામાં આવે છે.
વાયુકારક આહાર જેમ કે જાંબુ, કોદરી, વાલ, ચોખા, મઠ, તુવેર, વટાણા, પાપડી, ગવાર, બટાટા, ચણા,ચોળી,મકાઈ, ચીભડા,બટાટા,શક્કરિયા ધાણી વગેરે વધુ ખાવાથી વાયુપ્રકોપ થતાં હેડકી થવાની શક્યતા વધુ રહે છે.
વાયુવર્ધક વિહારમાં ઉજાગરા,અતિ પરિશ્રમ, અતિ પ્રવાસ, અતિ બોલવું, અતિ ગાવું, અતિ રડવું, શોક, ચિંતા, અતિ ટેન્શન વગેરે પણ હેડકીને નોતરે છે. કારણ વિનાનાં વધુ ઉપવાસ-કબજિયાત-ઠંડા પીણા, વગેરે પણ તેમાં પોષક છે.
હેડકીનાં દર્દીએ નવશેકું ગરમ પાણી પીવું. ખોરાકમાં વાયુનાશક ગરમ, અનુલોમક ખારો,ખાટો,મધુર આહાર વધુ લેવો. સૂંઠની ગોળી, ગરમ રાબ, મધ કે ગોળમાં બનાવેલું લીંબુનું શરબત. દ્રાક્ષ,લસણ, તલના તેલમાં વઘારેલાં ભાત, હિંગ, અજમો, આદું, સિંધવ, મીઠું, રાઈ, હિંગ, મરી, લીંડીપીપર, એરંડીયું (દિવેલ) વગેરેનું વધુ સેવન કરવું.
આવી સારવાર દરમિયાન, આરામ કરવો, શરીર પર સરસવનાં કે તલના તેલની માલિશ કરવી- શેક લેવો, ઊંઘવું, રેચ લેવો કે બસ્તી લેવી. કબજિયાત દૂર કરવા અને વાયુની ગતિ સવળી કરવા આવા દર્દીએ સાદી કે દિવેલમાં શેકેલી હરડે રોજ રાત્રે કે સવારે લેવાનો રાખવું.
તૈયાર દવાઓમાં હિંગવાષ્ટક ચૂર્ણ , લવણભાસ્કરચૂર્ણ, લસણાદિવટી,દ્રાક્ષાદિવટી, દ્રાક્ષાવલેહ, અભયારીષ્ટ, કર્પુર હિંગવટી, મયુરપીચ્છભસ્મ, શ્વાસકુઠારરસ, હિકકાન્તક રસ વગેરે ઔષધોનો યોગ્ય વૈદકીય નિરીક્ષણમાં ને સમયસર ઉપયોગ કરવો જોઈએ.
હિંગ અને સંચળ થોડા નાખીને ગરમ કરેલ દિવેલ ઠરી જાય પછી તેની પિચકારી આપવાથી વાયુની ગતિ બદલાઈ,મળશુદ્ધિ અને પવનમુક્તિ થતાં હેડકીનું કારણ દૂર થાય છે.
નાનાં બાળકોની હેડકીમાં કેવળ માતાનાં ધાવણનાં બે ત્રણ ટીપાં બન્ને નસકોરામાં વારંવાર નાખવા તે એક અસરકારક ઈલાજ છે.
બાળક મોટું હોય તો ગોળ અને સૂંઠને સમાન ભાગે લઈ પાણીમાં ઓગાળી કપડાં દ્વારા ગાળી તે દ્રાવણનું એક એક ટીપું નાકમાં નાખવું અને એક ચમચી એ પ્રવાહી પાઈ દેવું. પેટ – છાતી ઉપર હિંગ અને દિવેલ(એરંડીયું) મેળવી હળવા હાથે લગાવી ઉપર શેક કરવો. પંચગુણ તેલ-સરસવ તેલ કે તલનું તેલ ચોળી ઉપર શેક કરવો. સૂક્કાં શેક કરતાં વરાળીઓ શેક વધુ ઉપકારક નીવડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button