આમચી મુંબઈમહારાષ્ટ્ર

નવી મુંબઈમાં બિલ્ડરની હત્યાના કેસમાં પત્ની-ડ્રાઈવરની ધરપકડ

ડ્રાઈવર અને બિલ્ડરની પત્ની વચ્ચે અફૅર: મિલકત પ્રાપ્ત કરવા હત્યાનું કાવતરું ઘડ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: નવી મુંબઈમાં લોખંડના સળિયાથી હુમલો કરી બિલ્ડરની કથિત હત્યા કરવાના કેસમાં પોલીસે બિલ્ડરની પત્ની અને ડ્રાઈવરની ધરપકડ કરી હતી. છેતરપિંડીના કેસોમાં ફસાયેલા બિલ્ડરની પત્ની અને ડ્રાઈવર વચ્ચે અફૅર થયું અને પછી બન્નેએ બિલ્ડરની મિલકત પ્રાપ્ત કરવા માટે હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો પૂછપરછમાં થયો હતો.

એનઆરઆઈ સાગરી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર પ્રમોદ તોરડમલની ટીમે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ પૂનમ મનોજકુમાર સિંહ (34) અને રાજુ ઉર્ફે શમસુલ અબુહુરૈરા ખાન (22) તરીકે થઈ હતી. કોર્ટે બન્ને આરોપીને 18 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ નવી મુંબઈના ઉલવે ખાતે રહેતા બિલ્ડર મનોજકુમાર રામનારાયણ સિંહ (39)ની શુક્રવારની રાતે હત્યા કરવામાં આવી હતી. શનિવારની સવારે મહિલા સ્ટાફર સિવૂડ સેક્ટર-44 સ્થિત ઑફિસે પહોંચી ત્યારે બિલ્ડરનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. માથા અને મોં પર લોખંડનો સળિયો ફટકારી બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ માટે અધિકારીઓની બે ટીમ બનાવી હતી.

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે હત્યારો બિલ્ડરના ઑફિસમાંથી સીસીટીવી કૅમેરાની હાર્ડ ડિસ્ક ઉઠાવી ગયો હતો. પરિણામે આરોપીની ઓળખ મેળવવું મુશ્કેલ બન્યું હતું. વળી, બિલ્ડર વિરુદ્ધ છેતરપિંડીના છ ગુના નોંધાયેલા હતા.


તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે છેતરપિંડીના એક ગુનામાં બિલ્ડરની ધરપકડ થઈ હતી. તે સમયે લગભગ ચાર મહિના બિલ્ડર જેલમાં હતો. આ સમયગાળામાં બિલ્ડરની પત્ની પૂનમ અને ડ્રાઈવર રાજુ વચ્ચે નિકટતા વધી હતી. બન્ને વચ્ચે પ્રેમપ્રકરણની જાણકારી મળતાં પોલીસે પૂછપરછ માટે બન્નેને તાબામાં લીધા હતા.

પોલીસના જણાવ્યા મુજબ બિલ્ડર પર છેતરપિંડીના ગુના નોંધાયેલા હોવાથી તે કોર્ટકચેરીમાં જ વ્યસ્ત રહેતો હતો. ભવિષ્યમાં તેની મિલકતો પર ટાંચ આવી શકે છે. મિલકત ગુમાવવાના ડરથી પૂનમે પતિની હત્યા કરી તેની મિલકત પર પોતાનો દાવો માંડવાની યોજના વિચારી હતી. યોજના પ્રમાણે જ રાજુ શુક્રવારની રાતે બિલ્ડરની ઑફિસમાં કામ નિમિત્તે ગયો હતો અને તેની હત્યા કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button