યશસ્વી જયસ્વાલે મેચ જીત્યા પછી સિનિયર્સ અંગે આપ્યું મોટું નિવેદન
ઇન્દોરઃ અહીં અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે રમાયેલી બીજી ટવેન્ટી-ટવેન્ટી મેચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો, જેમાં ભારતે 94 બોલમાં 173 રન કરીને જવલંત વિજય મેળવ્યો હતો. આ વિજયમાં ટીમ ઈન્ડિયાના ઓપનર બેટસમેન યશસ્વી જયસ્વાલે સ્ફોટક બેટિંગનું પણ પ્રદાન મહત્ત્વનું રહ્યું હતું. આ મેચમાં વિજય મેળવ્યા પછી જયસ્વાલે કહ્યું હતું કે મને મારા સિનિયર્સે આપેલી બિંદાસ રમવાની સલાહ મળી હતી.
જયસ્વાલે કહ્યું હતું કે પ્રેક્ટિસ સેશન દરમિયાન સખત મહેનત કરું છું. જ્યારે પણ મને તક મળે છે, ત્યારે હું મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું. વિરાટ કોહલી સાથે ક્રિઝ પર તેની વાતચીત વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે જ્યારે પણ હું વિરાટ ભાઇ સાથે બેટિંગ કરું છું તે મારા માટે સન્માનની વાત છે. તેમની પાસેથી ઘણું શીખવા મળે છે. મેદાનમાં બોલ ક્યાં ફટકારવો તેને લઇને અમે વાતચીત કરીએ છીએ.
ઉપરાંત, કેપ્ટન રોહિત શર્માએ પણ મને બિંદાસ રમવા માટે સલાહ આપી હતી. રોહિત તો મને હંમેશાં કહે છે કે તુ જા અને બિંદાસ રમ. તેઓ હંમેશાં સંભાળ રાખે છે. તમારી પાસે જો સિનિયર સારા હોય તો એ તમારા સારી બાબત બને છે, એમ જયસ્વાલે જણાવ્યું હતું.
મેચ બાદ યશસ્વી જયસ્વાલે કહ્યું હતું કે તે અફઘાનિસ્તાન સામેની બીજી ટી-20 મેચમાં સારી સ્ટ્રાઈક રેટ સાથે ટીમને સારી શરૂઆત આપવાનો પ્રયાસ કરી રહ્યો છે. મેચમાં જયસ્વાલે 34 બોલમાં 68 રન કર્યા હતા. શિવમ દુબે 32 બોલમાં 63 રન કરી અણનમ રહ્યો હતો.
જયસ્વાલે મેચ બાદ પત્રકારોને જણાવ્યું હતું કે મને મારી નૈસગિક રમત રમવાનું કહેવામાં આવ્યું હતું અને હું તેમ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. 22 વર્ષીય ઓપનિંગ બેટ્સમેને કહ્યું હતું હું ખરાબ બોલને ફટકારવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને મારું ધ્યાન ટીમને સારી શરૂઆત અપાવવા પર હતું. હું મારો સ્ટ્રાઈક રેટ વધુ સારો કરવા માંગતો હતો.