ઈઝરાયલના ફૂટબોલરે હાથ પર એવું કંઈક લખ્યું તો પોલીસે કરી અટક
ગાઝા સિટી/અંકારાઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના 100 દિવસ પૂરા થઈ ગયા છે ત્યારે બંને બાજુ મોટી જાનહાનિના સમાચાર છે. આ યુદ્ધ અંગે ઈઝરાયલના સ્ટાર ફૂટબોલરે હાથના કાંડા પર એક મેસેજ લખીને મેચ રમવા ઉતરવાને કારણે તુર્કીયે પોલીસે અટક કરી હતી.
તુર્કિયેમાં ઇઝરાયલના એક સ્ટાર ફૂટબોલરને મેદાન પર ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ સંબંધિત સંદેશ બતાવવા અટક કરાઇ હતી. ઇઝરાયલના ફૂટબોલર સગીવ જેહેઝકેલ ફૂટબોલ ક્લબ એનટાલ્યપર તરફથી રમે છે. તે ટોપ-ફ્લાઇટ લીગ મેચ રમવા માટે તુર્કિયે પહોંચ્યો ગયો હતો.
ટ્રેબસન્સપોર સામે ગોલ કર્યા પછી આ ખેલાડીએ કેમેરા સામે હાથ બતાવ્યો હતો જેના પર સંદેશ લખ્યો હતો. તેને તેના હાથના કાંડા પર લખ્યું હતું, ‘100 દિવસ 07/10’. આ સંદેશ 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર હમાસના હુમલા સાથે સંબંધિત હતો તેમ જ 130થી વધુ ઈઝરાયલને બંધક રાખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તુર્કિયેના પ્રધાને ટ્વીટ લખ્યું હતું કે આ ખેલાડી સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ખેલાડી પર ગાઝામાં ઈઝરાયલના હુમલાને સમર્થન આપવાનો આરોપ છે. ક્લબે આ ખેલાડીને સસ્પેન્ડ પણ કરી દીધો છે અને તેની સાથેનો કોન્ટ્રાક્ટ ખતમ કરવા માટે વકીલો સાથે વાત પણ શરૂ કરી દીધી છે.
આ મામલે ફૂટબોલરે કહ્યું હતું કે મેં કોઈને ઉશ્કેરવા માટે કોઈ મેસેજ નથી લખ્યો. હું યુદ્ધનો સમર્થક નથી. ગાઝામાં ઘણા ઈઝરાયલ સૈનિકો બંધક છે. નોંધનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 100મા દિવસે રવિવારે યુરોપ અને પશ્ચિમ એશિયામાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ હમાસ દ્વારા બંધક બનાવાયેલા ઈઝરાયલીઓની મુક્તિ અને ગાઝામાં યુદ્ધવિરામની માંગ કરી હતી.