શરદ મોહોળ હત્યા કેસ: મુખ્ય શકમંદ સહિત છ જણ નવી મુંબઈમાં ઝડપાયા
મુંબઈ: પુણેના ગૅન્ગસ્ટર શરદ મોહોળની ગોળી મારી હત્યા કરવાના કેસમાં મુખ્ય શકમંદ સહિત છ જણને નવી મુંબઈ પોલીસે પનવેલ વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા.
મળેલી માહિતીને આધારે પનવેલ શહેર પોલીસે રવિવારે સાંજે પનવેલ હાઈવે પર છટકું ગોઠવી શંકાસ્પદ કાર આંતરી હતી. કારમાંથી અમુક જણને તાબામાં લીધા પછી નવી મુંબઈના વાશી સ્થિત એક ડાન્સ બાર બહારથી અન્ય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા છ આરોપીને વધુ તપાસ માટે પુણે ક્રાઈમ બ્રાન્ચને સોંપાયા હતા.
પુણેના કોથરુડ વિસ્તારમાં સુતરદરા ખાતે આવેલા ઘર નજીક પાંચમી જાન્યુઆરીએ શરદ મોહોળની હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલી પુણે ક્રાઈમ બ્રાન્ચે અગાઉ મુખ્ય આરોપી સાહિલ પોળેકર (20) અને બે વકીલ સહિત આઠ જણની ધરપકડ કરી હતી. પુણે-સાતારા હાઈવે પરથી પકડાયેલા આરોપીઓ પાસેથી પિસ્તોલ અને કારતૂસો જપ્ત કરવામાં આવી હતી. પુણેથી વધુ છ પકડાતાં આ કેસમાં અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 14 પર પહોંચી હતી.
નવી મુંબઈથી પકડાયેલા આરોપીઓમાં મુખ્ય શકમંદ રામદાસ મારણે ઉર્ફે વાઘ્યાનો સમાવેશ થાય છે. મોહોળની હત્યાનું કાવતરું ઘડવા અને હત્યામાં રામદાસ સંડોવાયેલો હોવાની પોલીસને શંકા છે.
મોહોળ અપહરણ, હત્યા અને હત્યાના પ્રયાસ જેવા અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો. બાઈક પર આવેલા ત્રણ શખસે ગોળીબાર કરતાં મોહોળની છાતી અને ખભામાં ગોળી વાગી હતી. હૉસ્પિટલમાં દાખલ કરાયાના કલાક બાદ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. (પીટીઆઈ)