પાઈલટને મુક્કો મારનારા પ્રવાસીની શાન ઠેકાણે આવી, એવિયેશને મિનિસ્ટરે આપી પ્રતિક્રિયા!
નવી દિલ્હી: દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ મોડી પડવાને કારણે ગુસ્સે થયેલા એક પ્રવાસીએ પ્લેનની અંદર પાઇલટને મુક્કો માર્યો હતો. ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટમાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. રવિવારે ફ્લાઈટના કેપ્ટન અનુપ કુમાર ટેક ઓફ પહેલા એનાઉન્સમેન્ટ કરી રહ્યા હતા, તે વખતે ગુસ્સે ભરાયેલા એક પ્રવાસીએ પ્લેનની કંટ્રોલ કૅબિનમાં પહોંચી જઈને પાઇલટને જોરથી મુક્કો માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા પછી મુક્કો મારનાર પ્રવાસીની અટક કરવામાં આવ્યા પછી તેને માફી માગી લીધી હોવાનું જાણવા મળ્યં હતું.
દરમિયાન આ મુદ્દે સિવિલ એવિયેશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ફોગ-ધુમ્મસને કારણે ફ્લાઈટ મોડી પડી રહી છે, તેના માટે પ્રવાસીઓ જે પ્રકારે વર્તન કરે છે એ સ્વીકાર્ય નથી. ફ્લાઈટની સર્વિસ પર અસર પડે નહીં તેના માટે તમામ એજન્સી સાથે મળીને 24 કલાક કામ કરે છે, પરંતુ પ્રવાસીઓના બિનજવાબદાર વ્યવહારને સ્વીકારી શકાય નહીં. એટલું જ નહીં, હાલના તમામ જે કાયદાઓ છે તેને અનુરુપ ઉકેલ લાવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ અને ટ્રેનો મોડી પડી છે. મોડી થયેલી ફ્લાઈટ પૈકી ઈન્ડિગોની પણ આ ફ્લાઈટનો સમાવેશ થયો હતો. ફ્લાઈટ મોડી પડશે એવી એનાઉન્સમેન્ટ કરતી વખતે આરોપીએ પોતાની સીટ પરથી ઉઠીને પ્લેનના કંટ્રોલ કૅબિનમાં જઈને પાઇલટને મુક્કો માર્યો હતો, આ સંપૂર્ણ ઘટનાને પ્લેનમાં રહેલા બીજા પ્રવાસીએ મોબાઈલના કૅમેરામાં કેદ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા પછી પ્રવાસીની લોકોએ ઝાટકણી કાઢી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને ઈન્ડિગો દ્વારા આરોપીને બેલ્ક લિસ્ટ પર કરવામાં આવ્યો હતો.
પ્લેનમાં પાઇલટને મુક્કો માર્યા બાદ આરોપી સાહિલ કટારીયાને પ્લેનમાંથી ઉતારી મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આરોપીની માફીનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં આરોપી સાહિલને પ્લેનમાંથી બહાર લાવવામાં આવી રહ્યો છે, એ દરમિયાન ‘સર હું તમને સૉરી કહું છું’ એવું કહીને આરોપીએ ત્યાં ઊભા રહેલા પાઇલટની માફી માગી હતી. આ સાથે જ એક વ્યક્તિએ ‘નો સૉરી’ એવું પણ કહ્યું હોવાનું વીડિયોમાં સંભળાઈ રહ્યું છે. આ વીડિયોને પોસ્ટ કરીને ‘હા ભાઈ આ ગયા સ્વાદ’ એવું કેપ્શન પણ આપવામાં આવ્યું છે.
આ મામલે હવે દિલ્હી પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઈન્ડિગોની ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ, કો-પાઇલટ અને સુરક્ષા કર્મીઓ સાથે મારપીટ અને ગેરવર્તન કરી પ્લેનમાં ધમાલ કરવા બદલ આરોપી સાહિલ સામે ગુનો દાખલ કરવામાં આવી છે. આરોપી સામે આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઘટનાને ધ્યાનમાં લઈને ઈન્ડિગો દ્વારા એક કમિટી પણ સ્થાપવામાં આવી છે. આ કમિટી આરોપીનું નામ નો ફલાય લિસ્ટમાં સામેલ કરશે, અને ત્યારબાદ તે એરલાઇન્સની કોઈપણ ફ્લાઇટમાં પ્રવાસ નહીં કરી શકે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.