માલદીવ પાસે તો આર્મી પણ નથી, પણ આ વોટ માટે વિવાદઃ રાઉતની સરકાર પર ટીકા
મુંબઈ: શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર રાજકીય ફાયદા માટે માલદીવ સાથે ઝઘડો કરવાનો આક્ષેપ કર્યો છે. પાકિસ્તાન સાથેની લડાઈનો મુદ્દો પૂરો થઈ ગયો છે, એટલે ભાજપ સરકારે આગામી લોકસભાની ચૂંટણીમાં લાભ મેળવવા માલદીવનો વિવાદ ઊભો કર્યો છે. માલદીવ પાસે તો પોતાની પોલીસ કે લશ્કર પણ નથી. હવે ભાજપની સરકાર માલદીવ મુદ્દે દેશમાં વોટ માગશે. ભારતના નોર્થ ઈસ્ટ ભાગમાં ચીને અતિક્રમણ કરી લીધું છે, એટલે પહેલા તેમને બહાર કાઢો, એવા શબ્દોમાં રાઉતે ટીકા કરી હતી. તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા હિંસાગ્રસ્ત મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. તે દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ભાજપ પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીના આ ભાષણને સંજય રાઉતે સમર્થન આપ્યું હતું, જો રાજકારણનો મુદ્દો હોત તો શું વડા પ્રધાન એક સીટનો હિસાબ કરવાં માટે લક્ષદ્વીપ જાત. ભારતના મણિપુરમાં ગયા દોઢ વર્ષથી હિંસા થઈ રહી છે, તેમ છતાં પીએમએ મણિપુરની મુલાકાત લીધી નથી.
રાહુલ ગાંધી મણિપુર પહોંચ્યા છે તેમ જ વિપક્ષના ઘણા નેતાઓએ પણ મણિપુરની મુલાકાત લીધી હતી. તેમણે મણિપુરના લોકો સાથે વાતચીત કરીને તેમના દુઃખને જાણ્યું, પણ આપણા દેશના પીએમ લક્ષદ્વીપ જઈને માલદીવ સાથે વિવાદ કરી રહ્યા છે. સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે ચીન દેશમાં અતિક્રમણ કરી રહ્યું છે. ચીન સામે ટક્કર લેવાની ભાજપ અને આરએસએસમાં હિંમત નથી. રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં જે પણ કહ્યું તેમાં કઈ ખોટું નથી. ભાજપ રાજનીતિ દેશના હિત માટે નથી. ભાજપ માત્ર ચૂંટણી માટે રાજકારણ કરી રહ્યું છે. 22 જાન્યુઆરી 2024માં અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. આ કાર્યક્રમમાં ઠાકરે જૂથને આમંત્રણ ન આપવા મામલે રાઉતે કહ્યું હતું આ કાર્યક્રમમાં જે લોકોને બોલાવવામાં આવ્યા છે, તેમણે જવું જોઈએ અને જેમને નથી બોલાવવામાં આવ્યા તેઓએ પણ જવું જોઈએ કારણ કે રામ ભગવાન બધાના છે.
રામ મંદિર આજે જે જગ્યાએ બની રહ્યું છે, તે રામ મંદિર વિવાદિત જમીન પર નથી બની રહ્યું, એવો આક્ષેપ પણ સંજય રાઉતે કર્યો હતો. રાઉતે કહ્યું ભાજપના નારા અંગે કહ્યું હતું કે મંદિર વહીં બનાએંગે. પણ હજુ મંદિર પૂરું બન્યું નથી, જે જગ્યાએ મંદિર બનાવવામાં આવવાનું હતું તે જગ્યાએ મંદિર બનાવવામાં જ આવ્યું નથી. જે સ્થાને મસ્જિદ હતી તે જગ્યાથી ચાર કિલોમીટર દૂર મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યાં તો કોઈ પણ મંદિર બનાવી શકે છે, પણ અમે આ મામલે કોઈ વિરોધ કરવા નથી માગતા. તે વિવાદાસ્પદ જગ્યા આજે પણ યથાવત રાખી છે, ભાજપે આ મામલે જવાબ આપવો જોઈએ, એવો રાઉતે દાવો કર્યો હતો.