2020થી અમીરોની સંપત્તિ બમણી થઈ છે પરંતુ પાંચ અબજ લોકોની આવક ઘટી છે અને તેનું કારણ બીજું કોઈ નહિ પણ….
વર્ષ 2020થી અમીરોની સંપત્તિ બમણી થઈ છે, જ્યારે પાંચ અબજ લોકોની આવકમાં ઘટાડો થયો છે. વર્ષ 2020માં કોરોના વાઇરસ મહામારીના કારણે વિશ્વભરમાં મંદી આવી હતી. આ મંદીના કારણે ઘણા લોકોને નોકરી ગુમાવવી પડી હતી અને તેમની આવકમાં ઘણા મોટા પ્રમાણમાં ઘટાડો થયો હતો. જો કે મંદીના આ સમયગાળામાં અમીરોની સંપત્તિમાં વધારો થયો હતો.
દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠકમાં ચેરિટી ઓક્સફેમે એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વના પાંચ સૌથી ધનિક લોકોની સંપત્તિ 2020થી બમણી થઈ ગઈ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2020થી વિશ્વના ટોચના પાંચ અમીરોની કુલ સંપત્તિ $405 બિલિયનથી વધીને $869 બિલિયન થઈ ગઈ છે. આ ઉપરાંત સૌથી ધનિક લોકોની સંપત્તિ દર કલાકે સરેરાશ 14 મિલિયન ડોલરના દરે વધી છે. ઓક્સફેમનું કહેવું છે કે 2020થી પાંચ અબજ લોકોની આવકમાં ઘટાડો થયો છે અને ગરીબોની સંખ્યામાં વધારો થયો છે.
આ અહેવાલ અનુસાર વર્ષ 2020 થી અમીરોની સંપત્તિમાં સરેરાશ 3.3 અબજ ડોલરનો વધારો થયો છે. નોંધનીય બાબત એ છે કે આ વધારો એવા સમયે થયો છે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નહોતી. સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી પ્રભાવિત થયું હતું. રિપોર્ટમાં સમગ્ર વિશ્વમાં વધતી જતી આર્થિક અસમાનતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી 229 વર્ષ સુધી આ દુનિયામાંથી ગરીબી નાબૂદ નહીં થાય.
ઓક્સફેમ ઈન્ટરનેશનલના વચગાળાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અમિતાભ બિહારે જણાવ્યું હતું કે અમે વિભાજનના દાયકાની શરૂઆતના સાક્ષી છીએ. અબજો લોકો મહામારી, આર્થિક સંકટ, મોંઘવારી અને યુદ્ધની ભયાનકતાનો સામનો કરી રહ્યા છે. સાથે જ અબજોપતિઓની સંપત્તિમાં પણ વધારો થઈ રહ્યો છે. આ અસમાનતા અચાનક આવી નથી. અબજોપતિઓએ એ રીતે કામ કરી રહ્યા છે કે બીજાના ખર્ચે તેમને વધુ લાભ મળે.
વર્ષ 2020માં વિશ્વમાં 266 મિલિયન લોકો ગરીબીમાં ધકેલાયા હતા. આનું કારણ કોરોના વાઇરસ મહામારીના કારણે થયેલી આર્થિક મંદી હતું. ત્યારે વર્ષ 2023 સુધીમાં વિશ્વમાં 5 અબજ લોકોની આવક ઘટી શકે છે. આનું કારણ વૈશ્વિક બજારોમાં થયેલી અસ્થિરતા અને તમામ વસ્તુના ઊંચા ભાવ હતું. તેમ છતાં અમીર લોકો વધારે અમીર થયા અને ગરીબોની સંખ્યા પણ બમણી થતી ગઈ. રિપોર્ટમાં અબજોપતિઓ પર વેલ્થ ટેક્સ લાદવાનું સૂચન કરવામાં આવ્યું છે, જેમાંથી સરકારોને દર વર્ષે 1.8 ટ્રિલિયન ડૉલર મળી શકે છે.