બળાત્કારપીડિતાનો ટૂ ફિંગર ટેસ્ટ કરવા જેવી શરમજનક હરકત બદલ કોર્ટે ડોક્ટરોને ફટકાર્યા
શિમલાઃ શિમલા હાઈકોર્ટે કાંગડા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને ભારે દંડ ફટકાર્યો છે. આનું કારણ છે ડૉક્ટરોએ કરેલી એક શરમજનક હરકત. અહીંના ડૉક્ટરોએ સગીર વયની બળાત્કારપીડિતાનો ટૂ ફિંગર ટેસ્ટ કર્યો હતો. સમાચાર અનુસાર, કોર્ટે આદેશ આપ્યો છે કે પીડિતાને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે અને આ રકમ ડૉક્ટરો પાસેથી વસૂલવામાં આવે.
એક મીડિયા અહેવાલ અનુસાર જસ્ટિસ તરલોક સિંહ ચૌહાણ અને જસ્ટિસ સત્યેન વૈદ્યની ખંડપીઠે આ આદેશ આપ્યો છે. આમ કરવાથી પીડિતાના માન-સન્માનને ઠેસ પહોંચી છે અને કોર્ટે અગાઉ ટુ ફિંગર ટેસ્ટ ન કરવા બદલ ચેતાવણીઓ આપી હોવાનું પણ નોંધ્યું છે.
જોકે સુપ્રીમ કોર્ટે ટુ ફિંગર ટેસ્ટને લઈને મહત્વનો નિર્ણય આપ્યો જ હતો. કોર્ટે બળાત્કારપીડિતાના તબીબી પરિક્ષણમાંથી તપાસની આ પદ્ધતિને દૂર કરવાનો આદેશ આપ્યો હતો અને તેને અવૈજ્ઞાનિક ગણાવી હતી. કોર્ટે કહ્યું હતું કે આ પદ્ધતિ પીડિતાને વધુ ત્રાસ આપનારી છે.
ટૂં ફિંગ ટેસ્ટ એક કે બે આંગળીઓ વડે બળાત્કાર પીડિતાની વર્જિનિટી ટેસ્ટ કરવાની પ્રક્રિયા છે. આ ટેસ્ટને મહિલા સાથે શારીરિક સંબંધ છે કે નહીં, મહિલાની શારીરિક સંબંધોની આદત અને વર્જિનિટી સંબંધિત પુરાવા તરીકે ગણવામાં આવે છે.
આધુનિક વિજ્ઞાન પણ ટુ ફિંગર ટેસ્ટને નકારી કાઢે છે અને નિષ્ણાતો માને છે કે આ ટેસ્ટ માત્ર એક ખોટી પદ્ધતિ છે. આ પહેલા પણ મદ્રાસ હાઈકોર્ટે પોતાના એક આદેશમાં કહ્યું છે કે ટુ ફિંગર ટેસ્ટ એ બળાત્કાર પીડિતાની પ્રાઈવસીના અધિકારનું ઉલ્લંઘન છે તેમ જ તેની મહિલા તરીકેની ગરિમાને ઠેસ પહોંચાડે છે.