મુંબઈની શાળાના સ્ટોર રૂમમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં
મુંબઇઃ શહેરના પરેલ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ શાળામાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. મુંબઈના પરેલમાં મિન્ટ કોલોની મોનોરેલ સ્ટેશન નજીક એક બંધ નાગરિક શાળામાં આગ ફાટી નીકળી હતી. મિન્ટ કોલોની મોનોરેલ સ્ટેશનની સામે આવેલી પાંચ માળની સાંઈબાબા સ્કૂલમાં સવારે લગભગ 9.15 વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની માહિતી મળતા જ BMC,મુંબઈ પોલીસ, ચાર ફાયર એન્જિન અને અન્ય ફાયર બ્રિગેડના વાહનો તરત જ સ્કૂલમાં દોડી ગયા હતા અને 20 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સારી વાત એ હતી કે આજે મકરસંક્રાંતિના કારણે શાળામાં રજા હતી નહીંતર મોટી દુર્ઘટના થઈ શકી હોત.
આ આગ વિશે માહિતી આપતા BMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે પાંચ માળની સાંઈબાબા સ્કૂલના સ્ટોરરૂમમાંથી ગાઢ ઘેરા ધુમાડાના વાદળો નીકળતા ગભરાટ ફેલાયો હતો આગ ગ્રાઉન્ડ ફ્લોર પરના સ્ટોર રૂમમાં ફાટી નીકળી હતી જ્યાં ગાદલા રાખવામાં આવ્યા હતા. જ્વાળાઓ મુખ્યત્વે ઇલેક્ટ્રિક વાયરિંગ અને અન્ય ફિટમેન્ટ્સ સુધી સીમિત હતી. આગનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું નથી, પરંતુ વિસ્તારના કેટલાક રહેવાસીઓએ દાવો કર્યો હતો કે તેઓએ શાળાની ઇમારતમાં ગેસ સિલિન્ડરના અનેક વિસ્ફોટ સાંભળ્યા હતા.