दुख भी ला सकती है लेकिन जनवरी अच्छी लगी કહેનારા મુનવ્વર રાણાએ એક સમયે અખબાર પણ બહાર પાડ્યું હતું
લખનઉઃ સ્પષ્ટ વક્તા અને એટલા જ નજાકતવાળા શાયર મુનવ્વર રાણાની ઓચિંતી વિદાયે તેમના સ્વજનો, મિત્રો અને ચાહકોને ભારે ઝટકો આપ્યો છે. ગઈકાલે મોડી રાત્રે તેમના નિધનની ખબરે ચાહકોને ઊંઘવા પણ દીધા નહીં. તેમના ખાસ મિત્રો માટે આ માની ન શકાય તેવા સમાચાર હતા ત્યારે તેમના નિકટવર્તી મિત્રોએ અમુક યાદો વિવિધ મીડિયા સાથે શેર કરી હતી.
તેમના મિત્ર હસન કાઝમીએ જણાવ્યું હતું કે મુનવ્વર રાયબરેલીના હતા, પરંતુ તેમનો અભ્યાસ વગેરે કોલકાત્તામાં થયો અને અહીં તેઓ ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતા હતા. થોડા વર્ષો પહેલા તેઓ લખનઉ આવીને વસ્યા અને અહીં તેમને ઉત્સાદ વાલી અસીની સંગત મળી. પછી તો તેમનો શાયરાના અંદાજ ખૂબ ખિલ્યો. આ સમય દરમિયાન તેમણે એક અખબાર પ્રકાશિત કરવાની શરૂઆત કરી, પરંતુ ઈચ્છા પ્રમાણે કામ થયું નહીં અને નુકસાન થયું ને અખબાર બંધ કરી દેવું પડ્યું.
ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો મામલે પણ તેઓ હંમેશાં બોલતા. તેઓ એમ કહેતા કે યુપીની ચૂંટણી અને પાકિસ્તાન કે જિન્નાહને શું લેવાદેવા. લોકોના મુદ્દાઓને આગળ લાવવા જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભારતીય મુસ્લિમો પર શક કરવામાં આવે છે અને તેમના વિરુદ્ધ માહોલ બનાવવામાં આવે છે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે પોતાની કોમની સમસ્યા અને તેમના દર્દને લોકો સમક્ષ મૂકવા બદલ ભાજપ મુસ્લિમોને પરેશાન કરે છે.
તેમના એક બીજા મિત્ર યુપી સરકારમાં ઉચ્ચ અધિકારી રહી ચૂકેલા એપી મિશ્રાએ જણાવ્યું હતું કે રાણા ઘણીવાર કહેતા કે અહીંથી ક્યાક ચાલ્યું જવાનું મન થાય છે, પણ તમારા જેવા મિત્રોને લીધે રોકાયેલો છું. જોકે તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો કે આમ કહી તેઓ ખરેખર ચાલ્યા ગયા.
રાણાની એક શાયરીમાં જાન્યુઆરી મહિનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેમનું નિધન 14મી જાન્યુઆરીએ જ થયું ત્યારે લોકો તેમની આ શાયરીને પણ યાદ કરી રહ્યા છે.
दुख भी ला सकती है लेकिन जनवरी अच्छी लगी
जिस तरह बच्चों को जलती फुलझड़ी अच्छी लगी
रो रहे थे सब, तो मैं भी फूटकर रोने लगा
मुझको अपनी मां की, मैली ओढ़नी अच्छी लगी।