નેશનલ

યશસ્વી-શિવમના દમદાર પર્ફોર્મન્સથી સિરીઝ જીતી ગયા

રોહિતનો ૧૫૦મી મૅચમાં ઝીરો, પણ યુવા ખેલાડીઓએ નિરાશ ન કર્યા

ઇન્દોર: ભારતે રવિવારે અહીં અફઘાનિસ્તાન સામેની ત્રણ મૅચની ટી-૨૦ સિરીઝની બીજી મૅચ પણ જીતીને ટ્રોફી પર કબજો કરી લીધો હતો. ભારતે ૧૭૩ રનનો લક્ષ્યાંક ૨૬ બૉલ બાકી રાખીને અને છ વિકેટના માર્જિનથી હાંસલ કરી લીધો હતો. યશસ્વી જયસ્વાલ (૬૮ રન, ૩૪ બૉલ, છ સિક્સર, પાંચ ફોર) અને પહેલી મૅચના હીરો શિવમ દુબે (૬૩ અણનમ, ૩૨ બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)એ પોણાબસો રન જેટલો ટાર્ગેટ જરાય અઘરો નહોતો લાગવા દીધો. કમબૅકમૅન વિરાટ કોહલીએ પણ ૨૯ રનનું બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું. રિન્કુ સિંહ નવ રને અણનમ રહ્યો હતો. જોકે એ પહેલાં, જિતેશ શર્મા ઝીરોમાં વિકેટ ગુમાવી બેઠો હતો. રોહિત શર્માની આ ઐતિહાસિક ૧૫૦મી ટી-૨૦ ઇન્ટરનૅશનલ હતી અને એમાં તે પોતાના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો. તેને ફારુકીએ ક્લીન બોલ્ડ કર્યો હતો. પ્રવાસી ટીમના કરીમ જનતે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

ભારતીય ટીમ બીજી ટી-૨૦માં અફઘાનિસ્તાનને ખૂબ નાના સ્કોર સુધી મર્યાદિત રાખી શક્યું હોત, પરંતુ ચાર બૅટરની આક્રમક ઇનિંગ્સને લીધે પ્રવાસી ટીમ ૨૦મી ઓવરના અંત સુધીમાં ૧૭૨ રનના સ્કોર સુધી પહોંચી શકી હતી.

અફઘાનિસ્તાનની ઇનિંગ્સમાં વનડાઉન બૅટર ગુલબદિન નઇબ (૫૭ રન, ૩૫ બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)ની એકમાત્ર હાફ સેન્ચુરી હતી, પરંતુ દાવની છેલ્લી ઓવરોમાં નજીબુલ્લા ઝડ્રાન (૨૩ રન, ૨૧ બૉલ, બે સિક્સર, એક ફોર), કરીમ જનત (૨૦ રન, ૧૦ બૉલ, એક સિક્સર, બે ફોર) અને મુજીબ-ઉર-રહમાન (૨૧ રન, નવ બૉલ, બે સિક્સર, બે ફોર)ની ઇનિંગ્સની મદદથી અફઘાનિસ્તાન પોણાબસો રનના સ્કોરની નજીક પહોંચી શક્યું હતું. જનત-મુજીબની જોડીએ ૧૯ બૉલમાં ૪૧ રન ખડકી દીધા હતા.

પેસ બોલર અર્શદીપ સિંહને ૨૦મી ઓવર અપાઈ હતી જેમાં કુલ ચાર વિકેટ પડી હતી. કરીમ જનત અને નૂર અહમદ કૅચઆઉટ થયા હતા, જ્યારે મુજીબ તથા ફારુકીએ રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી. બિશ્ર્નોઈ અને મૅન ઓફ ધ મૅચ અક્ષરે બે-બે તથા શિવમ દુબેએ એક વિકેટ લીધી હતી. મુકેશ અને સુંદરને વિકેટ નહોતી મળી.

એ પહેલાં, રોહિત શર્માએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરતા પહેલાં પ્લેઇંગ-ઇલેવનની જે ટીમ-શીટ આપી હતી એમાં બે ફેરફાર કરાયા હતા. રોહિતની આ ૧૫૦મી ટી-૨૦ ઇન્ટરનૅશનલ મૅચ હતી. દોઢસો ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મૅચ રમનારો તે પહેલો જ ખેલાડી છે. આયરલૅન્ડનો પૉલ સ્ટર્લિંગ ૧૩૪ મૅચના આંકડા સાથે બીજા નંબરે છે. ભારતીયોમાં સૌથી વધુ ટી-૨૦ રમેલાઓમાં વિરાટ કોહલી ૧૧૬ મૅચના ફિગર સાથે બીજા સ્થાને છે. ભારતે મૅચમાં જે બે ફેરફાર કર્યા હતા. વિરાટ કોહલીને તિલક વર્માના સ્થાને અને યશસ્વી જયસ્વાલને ફરી રમવાનો મોકો મળ્યો હતો. તેને શુભમન ગિલના સ્થાને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?