ધર્મતેજ

ભક્તિભાવનાં શાશ્ર્વત તત્ત્વોનું લયાન્વિત રૂપ: બ્રહ્માનંદ સ્વામી

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

સ્વામી બ્રહ્માનંદની ભક્તિ કવિતાની શિખર સમાન પદરચનાઓ માત્ર એક સંપ્રદાયને નહીં પણ સમગ્ર ભક્તિસાહિત્યને બહુ મોટું પ્રદાન છે. એમનું બસો પચીસમું જન્મજયંતી વર્ષ્ા ચૂપચાપ પસાર થઈ ગયું. આજે બે સૈકા પછી પણ પરંપરામાં એ રચનાઓ એટલી જ લોકપ્રિય
રહી છે.

સંપ્રદાય અને સંપ્રદાયની બહાર પણ બહુ જાણીતા કવિઓમાં બ્રહ્માનંદને પ્રથમ સ્થાન આપવાનું થાય એવી
એમની પદરચનાઓ છે. તેઓ સહજાનંદ સ્વામીના પરમ સખા હતા.

મૂળ રાજસ્થાનના શિરોહી રાજયના ખાણ ગામના શંભુદાનજીના પુત્ર લાડુદાનજી શિરોહી રાજય તરફથી કાવ્યશિક્ષ્ાણ માટે ભૂજની પ્રખ્યાત રાઓ લખપતજી વ્રજભાષ્ાા કાવ્યશાળામાં પ્રવેશ પામેલા. પોતાની કાવ્યરચના, પિંગળજ્ઞાન અને કાવ્ય પ્રસ્તુતીકરણથી અનેક પ્રલોભનોને ઠુકરાવવા તરફ વળ્યા.

લગ્ન, સંપત્તિ અને વડોદરા રાજયનું કવિરાજપદું પણ
તેમને લોભાવી ન શક્યું અને સ્વામીનારાયણ સંપ્રદાયમાં દીક્ષ્ાિત થયા. બ્રહ્માનંદ નામ પ્રાપ્ત થયું. સ્વામી બ્રહ્માનંદ નામથી એમણે રચેલાં પદો સમગ્ર ભક્તિ સાહિત્યમાં
મૂડી છે.

‘રે સગપણ હરિહરનું સાચું કે રંગભર સુંદર શ્યામ રમે’ જેવી પદરચનાઓ તથા ચારણી છંદ રેણકી, ચર્ચરી માની રચનાઓ સાંભળતાં જ બ્રહ્માનંદ સ્વામીનું નાદતત્ત્વથી ભર્યું ભર્યું કવિ-વ્યક્તિત્વ નજર સમક્ષ્ા તરી આવે છે. તેમની રચનાઓ માત્ર સંપ્રદાયમાં અનુયાયીઓના વર્તુળમાં પુરાઈ
ન રહી.

ભક્તિભાવનાં શાશ્ર્વત તત્ત્વોને જન-સમુદાયની ભક્તિભાવનામાં ગૂંથી લઈને તેમણે જે પદો રચ્યાં તેમાં કેટલાંક પદો તો ખૂબ જ પ્રચલિત રહ્યાં, એમાનું એક છે :
રે શિર સાટે નવટરને વરીએ,
રે પાછાં તે પગલાં નવ ભરીએ… ટેક….

રે અંતરષ્ટિ કરી ખોળ્યું,
રે ડહાપણ ઝાઝું નવ ડોળ્યું,
રે હરિ સારુ માથું ધોળ્યુંં રે...      રે શિર...૧

રે સમજયા વિના નવ નીસરીએ,
રે રણમધ્યે જઈને નવ ડરીએ,
ત્યાં મુખ પાણી રાખીને મરીએ...  રે શિર...ર

રે પ્રથમ ચડે શૂરો થઈને,
રે ભાગે પાછો રણમાં જઈને,
તે શું જીવે ભૂંડું મુખ લઈને...   રે શિર...૩

રે પહેલું જ મનમાં ત્રેવડીએ,
રે હોડે હોડે જુદ્ધે નવ ચડીએ,
જો ચડીએ તો કટક થઈ પડીએ...  રે શિર...૪

રે રંગ સહિત હરિને રહીએ,
રે હાક વાગે પાછા નવ હટીએ,
બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ...     રે શિર...પ

ત્યાગી વૈરાગી બ્રહ્માનંદ સ્વામી પ્રભુભક્તિ માટે પ્રબોધે છે ત્યારે અહીં જે રૂપકો પ્રયોજે છે એ ધ્યાનાર્હ છે. પ્રભુભક્તિ તો માથા સાટે કરવાની હો. એમાં પાછાં પગલાં ભરવાનાં હોતાં નથી.
ભક્તિમાં લીન થવું એ રણાંગણમાં પ્રવેશવા સમાન છે. જેમ રણમાંથી પાછા ફરેલાનું કશું મહત્ત્વ નથી તેમ ભક્તિમાંથી પરત થયેલાનું કશું મહત્ત્વ નથી. ભક્તિમાં દેખાદેખી ન ચાલે. પાછાં પગલાં પણ ભરવાનાં નથી હોતાં.

ભક્તોને એકમતા, ટેકીલા થવાનું પ્રબોધતા બ્રહ્માનંદ અહીં આખરે તો પ્રભુભક્તિમાં લીન થવાનું સૂચવે છે. પણ એમની સૂચવવાની રીત અનોખી છે. રૂપકોના આશ્રયે ભક્તિનો મહિમા તેમણે સમજાવ્યો છે.

બ્રહ્માનંદનો સમય યુદ્ધનો સમય હતો. નાનાં-નાનાં રજવાડાં વચ્ચે થતાં પારાવાર યુદ્ધના સમયમાં યુદ્ધભૂમિની પરિભાષ્ાાને કવિ ખપમાં લે છે. એમાંથી એમની સમાજાભિમુખતા પ્રગટે છે. એમનું ચારણત્ત્વ, એમનું ભક્તત્વ અને એમનું કવિત્વ અહીં એકરસ થયેલું અનુભવાય છે. આવાં બધાં કારણે એમની ભક્તિપદ-રચનાઓનું ઝૂમખું ભક્તિપ્રદ – સાહિત્યાકાશની તેજસ્વી નક્ષ્ાત્રમાળા સમાન લાગે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…