ધર્મતેજ

સફેદ ચહેરો (ભાગ-૧)

કનુ ભગદેવ

‘અરે… અરે…’ અચાનક એ ઊછળીને એક તરફ ખસી ગયો અને વળતી જ પળે ક્ષણભર પહેલાં એ ઊભો હતો ત્યાંથી નાગપાલે ફેંકેલો ચાવીને ઝૂડો… વીજળી ગતિએ પસાર થઈને ઉઘાડા દ્વારની બહાર જઈને લોબીમાં ફેંકાયો.

સવારના બરાબર સાત ને પચાસ મિનિટ થઈ હતી. પોતાના આલીશાન અને ખૂબસૂરત, રળિયામણા બંગલામાં (કિરણ-સદન) સ્થિત સ્ટડી-રૂમમાં કેન્દ્રીય ગુપ્તચર – વિભાગનો ચીફ ઈન્સ્પેક્ટર નાગપાલ શાંત ચહેરે ગઈકાલે સાંજે આવેલી એક સરકારી ટપાલ વાંચતો હતો. એના મોહક અને ગોરા ચીટ્ટા ચહેરા પર ગહન શાંતિની રેખાઓ ફેલાયેલી હતી. ઉઘાડી બારીમાંથી અંદર લહેરાતી હવાના કારણે એના સુંદર વાંકડિયા વાળની મસ્તીખોર લટો કપાળ પર ઊછળતી હતી. ટાઈપ કરેલા એ પત્રને પૂરો વાંચીને એણે ટેબલના ખાનામાં મૂક્યો.

એ જ વખતે સારજંટ દિલીપ પોતના બૂટથી ઊંચા અવાજ કરતો, ધબ ધબ કરતો બેહદ બેફિકરાઈથી અંદર ઘૂસી આવ્યો. તેને સવારના પહોરમાં સૂટ-બૂટ અને ટાઈમાં સજ્જ થયેલો જોઈને નાગપાલને નવાઈ લાગી. સામાન્ય રીતે દિલીપ ક્યારેય સવારના નવ પહેલાં નહોતો ઊઠતો. ઓફિસે પણ તે માંડ માંડ જાણે રેશનિંગની દુકાને લાઈનમાં ઊભા રહીને ખાંડ-સાકર લેવા જવું હોય એવું મોં કરીને જતો. એને બદલે અત્યારે એને બહાર જવા માટે એકદમ તૈયાર જોઈને નાગપાલને નવાઈ લાગે તે સ્વાભાવિક હતું. એ પોતે પણ અત્યારે આવા શાંત વાતાવરણમાં પ્રસન્નચિત્તે હતો. અને મૂડમાં પણ હતો. નાગપાલ જ્યારે મૂડમાં હોય ત્યારે ક્યારેક ક્યારેક તે પણ હસી-મજાક કરી લેતો. આ પળે પણ તે હસી-મજાકનાં મૂડમાં હતો.

દિલીપ સામે જોઈને એણે સ્મિત ફરકાવ્યું અને પછી ઊભો થઈને હસેતે ચહેરે તેને સામે જવા લાગ્યો.

દિલીપને પણ અચરજ થયું. નાગપાલને પ્રસન્ન તથા ખુશમિજાજમાં જોઈને એના ચહેરા પર ગુલાબી તાજગી પથરાઈ ગઈ. એણે નાગપાલ સામે જોયું અને પછી જાણીતા સંગીતકાર ઓ. પી. નૈય્યરની એક રચના કે જે ફિલ્મ ‘કેદી’ની હતી, જે એણે હમણાં જ પોતાના ખંડમાં બેસીને રેડિયો સિલોન પર સાંભળી હતી, એ ગીતની કડી એણે જાણે કોઈક પ્રેમી પોતાની પ્રેમિકા સામે જોઈને ગાતો હોય એ રીતે નાગપાલ સામે હાથ લંબાવીને ગણગણાવી શરૂ કરી. ગાતી વખતે એના ચહેરા પર છવાયેલી વિચિત્ર ભાવ-ભંગિમાને કારણે એનો દેખાવ ખૂબ જ હાસ્યાસ્પદ લાગતો હતો.
‘યું મુસ્કુરા કે સામને આયા ના કિજીયે… યે…’ નાગપાલ અચાનક થોભી ગયો.

એણે દિલીપ સામે ઘૂરકીને જોયું પછી બોલ્યો, ‘અચ્છા તો એમ વાત છે…? જરા, અહીં મારી નજીક આવ પુત્તર… એટલે પછી હું તારી સામે નહીં આવું. આ, તું જ અહીંયાં આવ…’
‘આહાં…!’ દિલીપે જીભ વડે ચટકારો લીધો અને પછી બોલ્યો ‘આપ મને નજીક આવવાનું કહો છો અંકલ! ધનભાગ્ય મારાં… લાગે છે કે આજે સવારે હું કોઈક કાળ ચોઘડીએ… અરરર હુપ…! સોરી અંકલ…! કાળ નહીં, શુભ ચોઘડીએ ઊઠયો છું… અને એટલે જ આજે આપને મને નજીક બોલાવવાની… કુ બુદ્ધિ… સ… સોરી, સોરી, સદ્બુદ્ધિ સૂઝી છે!’
નાગપાલ ચૂપચાપ એ તાકી રહ્યો હતો.

‘પણ…’ દિલીપે આગળ ચલાવ્યું. ‘મારા એવા દુર્ભાગ્ય ક્યાંથી કે… રામ… રામ…! માફ કરજો અંકર…! આજે સાલ્લી મારી આંખો ફાવે તેમ આડાઅવળી બોલ્યેે… નહીં… નહીં…! એણે વિચિત્ર ચાળા કરતાં કહ્યું, આંખો નહીં, હું જીભ વિષે કહેતો હતો. કબબખ્ત દરજીની કાતરની જેમ રન કરે છે. ચાલ્યા કરે છે… હું એમ કહેવા માગતો હતો કે મારા એવાં સદ્ભાગ્ય ક્યાંથી કે આપની પાસે આવી શકું. હાય… તે હે હે… રે દામન તલક હમ તો ક્યાં આયેંગે-યુહી હોઠો કો ફેલાયેં રહે જાયેંગે… તું કહાં આયેંગે યુહી હોઠો કો ફેલાયે રહે જાયેગે… તું કહાં… મેં…. કહાં… યહીં મુઝકો ગમ! દેખ… ધરતી સે… આકાશ હે. કિતની દૂર…’
‘અરે… અરે…’ અચાનક એ ઊછળીને એક તરફ ખસી ગયો અને વળતી જ પળે ક્ષણભર પહેલાં એ ઊભો હતો ત્યાંથી નાગપાલે ફેંકેલો ચાવીને ઝૂડો… વીજળી ગતિએ પસાર થઈને ઉઘાડા દ્વારની બહાર જઈને લોબીમાં ફેંકાયો. એણે નાગપાલ સામે જોયું અને પછી વાંદરાની જેમ એક ખૂણામાં કૂદકો મારતાં બરાડયો:
‘… બચા… બચા… કે નિશાને લગાયે જાતે હૈ…
હમારે તીર.. હમીં… પર ચલાયે જાતે હૈ…?’

અને એણે નાગપાલ સામે જોયું. હવે નાગપાલના મોં પર સહેજ કંટાળો હતો.

‘જરા અહીં તો આવ પુત્તર…!’ એ કઠોર અવાજે બોલ્યો, ‘નિશાન તને ક્યાં વાગ્યું છે એ જોઈ લઉં…’
‘ના… ના… અંકલ, આપ નહીં જોઈ શકો નાહકનાં જ આપને આંખો અંધારાં વળશે. કારણ કે ‘નહાયા હુવા હું ખુદ અપને લહુ મેં …ખુદ અપને લહુમેં… અગર ફીર ભી બે રંગ તસવીર હું મૈં…’
‘દિલીપ…!’ નાગપાલ હવે ખરેખર મિજાજ ગુમાવી બેઠો હતો. ‘હવે જો તું વધારે બક બક કરીશ તો પછી હું બહાર ચાલ્યો જઈશ. કમબખ્ત… ગધેડા… જેવડો થયો પણ હજુ તને અક્કલ ન જ આવી.’

‘ગધેડા…! અંકલ…! આપ એનું અપમાન શા માટે કરો છો? બિચારું, કેવું મજાનું ઉપયોગી એનિમલ છે…? છેવટે સાહેબ બિચારા ગધેડાને પણ પોતાની ઈજ્જત હોય છે… આપ…
નાગપાલ ધૂંધવાઈને બહાર જવા લાગ્યો વાસ્તવમાં તે દિલીપની શરારતથી નહીં, પણ એને ખરેખર કોઈક કામસર બહાર જવાનું હતું.

અલબત્ત, દેખાવ તો એણે એવો જ કર્યો કે પોતે દિલીપના તોફાનથી કંટાળીને બહાર નીકળી જાય છે.

‘જાઓ છો અંકલ…? દિલીપે માસૂમિયતભર્યાં અવાજે પૂછ્યું. પછી તે નાગપાલ સામે આંખો પટપટાવવા લાગ્યો.’ ‘હા…’
‘જાઈએ આપ કહાં… જાએંગે એ નજર લોટ કે…’
પરંતુ નાગપાલ બહાર નીકળી ગયો… પાછળથી દિલીપનો રાગડો એના કાને અથડાયો.
‘દૂર… તક આપકે… પી… છે પીછે… મેરી… આ… વાજ… ચલો …ઈ …ઈ જાયેગી… જાઈએ’
નાગપાલ એકદમ પાછો ફર્યો અને ઈચ્છા ન હોવા છતાં પણ તે ખડખડાટ મુક્ત મને હસી પડ્યો.
‘હંસ… હંસ… કે હંસીનો સે… ય્યાર કિયે જા…’
‘ચાલ… હવે બહુ થયું. થોડો ગંભીર બની જા…’
અને દિલીપ કશો જવાબ આપે તે પહેલાં જ સમ્ફિયા તથા શાંતા અંદર આવ્યા સમ્ફિયાના હાથમાં ચાંદીની એક ટ્રે હતી… એ જોઈને દિલીપે આન્ટી જીંદાબાદ…! નારો લગાવ્યો અને પછી ગંભીર ચહેરે નીચો નમીને સમ્ફિયાને પગે લાગ્યો.

નાગપાલ ભડક્યો… આ… શું…? તે મનોમન મીઠી મૂંઝવણ અનુભવી રહ્યો. પછી વળતી જ પળે તે સન્નાટામાં આવી ગયો.

દિલીપ સહસા એના ચરણમાં નમી પડ્યો. એ ઊભો થયો ત્યારે એનો ચહેરો એકદમ ગંભીર તથા બાળકની જેમ માસૂમ હતો, એની સુંદર પાણીદાર આંખો લાગણીવશ બનીને ખૂબ જ ભોળપણથી નાગપાલની આંખોમાં પરોવાઈ ગઈ. દિલીપની એ નજરમાં નાગપાલ પ્રત્યે પારાવાર સ્નેહ હતો, મમતા અને મોહમાયા હતી.

‘આ બધું શું છે પુત્તર…?’ નાગપાલે તેને ઊભો કરીને પોતાની છાતી સરસો ચાંપતા કહ્યું, ‘અને સમ્ફિયા તારા હાથમાં શું છે? આ ગધેડો સવારના પહોરમાં કયું નાટક ભજવી રહ્યો છે?’
‘નાટક નહીં, હકીકત છે અંકલ!’ દિલીપ પૂર્વવત્ મૂડમાં આવીને અડકાઈથી બોલ્યો, ‘આપ સસ્પેન્સના રાજા છો, તો હું ગમેતેમ તો પણ છેવટે પ્રધાન તો છું જ! આપ ઘણીવાર રાજા કરતાં પ્રધાન સવાયો હોય છે એ તો આપ જાણતા જ હશો…’
‘સસ્પેન્સ…? રાજા…? પ્રધાન?’ નાગપાલ પરેશાનીભર્યા અવાજે બોલ્યો, કંઈક માંડીને વાત કહે પુત્તર…!’
‘તો સાંભળો!’ છેલ્લાં પાંચ-સાત વર્ષમાં આપે મને એકીસાથે પૂરા ચાર દિવસની પણ રજા નથી આપી! બસ ડયૂટી… ડયૂટીને ડયૂટી! આજે દેશદ્રોહીનો કેસ… તો કાલે કોઈક વિદેશી અપરાધીનો કેસ…! નાસભાગ, દોડાદોડી… આ બધાથી હું તંગ આવી ગયો છું. અને હવે મને આપ જતો નહીં રોકી શકો… મા – બા દોલત હજુરે-આલમ, સારજંટ દિલીપ આજે રાતની ટ્રેનમાં ખૂબ જ શાન અને પૂરેપૂરા દબદબાભેર પોતાની તશરીફનો ટોકરો મુંબઈ ખાતે લઈ જાય છે…’
‘મુંબઈ…’ નાગપાલની આંખો પહોળી થઈ.

‘હા, મુંબઈ…! અને બેપાંચ દિવસ નહીં. પૂરા ત્રણ મહિના! હવે તો હું ત્રણ માસની રજા ત્યાં ગાળીને પછી જ અહીં આવીશ.’
‘પણ હું તને ત્રણ દિવસની પણ રજા આપવા નથી માગતો એનુ શું…?’

‘એ જ તો મોટું સસ્પેન્સ છે અંકલ…! પરંતુ એ પહેલાં એક ખુશીના સમાચાર સાંભળો! હવે કોઈ પણ કાનૂની બાબત અંગે આપે વકીલ નહીં રોકવો પડે, આપણા માનનીય સારજંટ શ્રી દિલીપસાહેબ વકીલાતની પરીક્ષામાં સંપૂર્ણ સફળતા સાથે પાસ થયા છે. તેઓ હવે કોર્ટમાં વકીલાત કરી શકવાની પોઝિશનમાં છે.’ ‘જાણે કોઈક બીજા વિષે માહિતી આપતો હોય એ રીતે એ બોલ્યો…’
‘અરે… નાગપાલ ચમકી ગયેલા અવાજે બોલ્યો, હું તો ભૂલી જ ગયો હતો. તેં વકીલાતની પરીક્ષા આપી દીધી હતી, એ તો મને યાદ હતું, પરંતુ આજે એનું પરિણામ છે, એ વાત ખ્યાલ બહાર રહી ગઈ હતી… અને… હા હવે જ સમજાય છે કે તું આટલો વહેલો તૈયાર શા માટે થયો છે? તારો ચહેરો અને રંગ-ઢંગ જોતાં તું પાસ થઈ ગયો છે, એ વાત સાચી જ લાગે છે… મુબારક પુત્તર…!’
‘પાસ થઈ ગયો છું એટલે તો આપના ચરણમાં નમી પડ્યો હતો અંકલ! પણ આપ ખૂબ જ કંજૂસ છો…! પૈસા તો ઘેર ગયા…! લુખ્ખો-સુખ્ખો આશીર્વાદ પણ ન આપ્યો ખેર આંટીના સ્વભાવને તો આપ જાણો જ છો. એમણે મને હૃદયપૂર્વક આશીર્વાદ આપી દીધા છે.’
‘તો હવે પુત્તર, પૈસા પણ તારી આંટી પાસેથી જ લઈ લે’.

‘તો શું આપ મને અક્કલ વગરનો માની બેઠા છો? આપ દર મહિને સો રૂપિયા આપો છો એમાં મારું શું પૂરું થાય…? પરંતુ આંટી એટલે આંટી જ…! બાપુને વગર માગ્યે જ દર મહિને બસો રૂપિયા ખાનગીમાં આપે જ છે.’

‘હેં?’ નાગપાલ ભડક્યો, ‘એટલે કુલ ત્રણસો રૂપિયા?’ એણે સમ્ફિયા સામે જોયું. પછી બોલ્યો, તેં ખોટા લાડ લડાવી લડાવીને છોકરાને બગાડી નાખ્યો…’
‘પરંતુ અંકલ!’ દિલીપ બોલ્યો ‘એમાંથી હું બચત કરું છું અને દર વર્ષે ૫ંદરસો રૂપિયા જરૂરિયાતવાળા માણસોને આપું છું.’
‘ઓહ…!’ નાગપાલ બબડ્યો. પછી બોલ્યો, ‘ઠીક… ઠીક… હવે આ સસ્પેન્સનું વળી તું શું કહેતો હતો. એક વાત યાદ રાખજે. તું પાસ થયો છે એટલે તને રજા તો આપું છું, પરંતુ વધુમાં વધુ દસ દિવસની…! બસ!’
‘નહીં… ત્રણ મહિના…!’ દિલીપ બોલ્યો, ‘હું જાણતો હતો અંકલ, કે આપ મારી રજા મંજૂર નહીં જ કરો. એટલે મેં આપની જાણ બહાર એપ્લિકેશન લખીને સીધી જ ચીફ ઓફ સ્ટાફ મહેતા સાહેબને પહોંચાડી દીધી…’
‘તું મહેતાસાહેબ પાસે રૂબરૂ ગયો હતો?’ ‘હા.’
‘એમ?’ નાગપાલને આશ્ર્ચર્ય થયું, પુત્તર, હું જાણું કે મહેતાસાહેબ પાસે જતા તું ખૂબ જ ગભરાય છે. તો પછી આમ અચાનક આટલી બધી હિંમત તારામાં કેવી રીતે આવી?’
‘હું નિરંજનસિંહ (ચાચા ઝીંદાબાદ) સાહેબ સાથે ગયો હતો અને મેં તેમને સંપૂર્ણ નિખાલસતાથી મારા થાક, પરેશાની અને કંટાળાની હકીકતો કહી. આપ રજા નથી આપતા એ પણ તેમને જણાવી દીધું.’

‘પછી…? નાગપાલે આતુરતાથી પૂછ્યું.
‘પછી તેઓ મારી સામે જોઈને હસ્યા, અંકલ…! કોણ જાણે કેમ તેઓનું હાસ્ય મને રહસ્યમય લાગ્યું. એમણે તરત જ, બલકે એજ પળે મારી ત્રણ માસની રજા મંજૂર કરી. બોલો, હવે આપને શું કહેવું છે?’
‘વાહ! સસ્પેન્સના પ્રધાન વાહ!’ નાગપાલ હસ્યો. પછી એણે પોતે વાંચીને ટેબલના ખાનામાં મૂકેલો પત્ર કાઢીને તેના હાથમાં મૂકતાં બોલ્યો, ‘પુત્તર….! લે આ વાંચ…’
દિલીપે પત્ર હાથમાં લીધો. સાથે ટાંચણીથી જોડેલી એક નાની ચબરખી પણ હતી દિલીપની નજર ચબરખી પર ફરી વળી તેમાં લખ્યું હતું:
પ્રિય નાગપાલ,

મુંબઈની આપણી બ્રાન્ચને અસ્થાયી મુદત માટે તારી સેવાની જરૂર પડી છે આ સાથે તને ત્યાં મોકલવા માટેનો ઓફિશિયલ આદેશ-પત્ર છે, ખૂબ અનિવાર્ય સંજોગોમાં તને ત્યાં મોકલવો પડે છે. આમ અચાનક જવાના કારણે તને તકલીફ તો પડશે, પરંતુ આ હુકમ છેક ઉપરથી તારે માટે આવ્યો છે અને હા સાથે પેલાં તારા તોફાની બારક્સને પણ લઈ જજે. ઉપરાંત જુલ્લુ ધીરજ કે જેઓની જરૂર હોય તેઓને પણ લઈ જજે. મુંબઈ તારા રહેવા માટે મરીન લાઈન્સ વિસ્તારમાં બે ફલેટની સગવડ કરવામાં આવી છે. અવારનવાર કુશળતાના સમાચાર આપવાનો રહેશે. અહીંની ફિકર કરીશ નહીં. અમે સંભાળી લઈશું. – એન. કે. મહેતા
‘જોયું ને પુત્તર…! નાગપાલ હસીને બોલ્યો, ‘તું નાહક જ મહેતાસાહેબ પાસે દોડી ગયો. હું પોતે પણ આજે જ મુંબઈ જવા માગું છું એટલું જ નહીં, ટિકિટો પણ મંગાવી લીધી છે. તેં એપ્લિકેશન ન કરી હોત તો પણ હું તને મુંબઈ લઈ જવાનો હતો મને અફસોસ છે પુત્તર, કે મહેતાસાહેબ સુધી તારી દોડધામ વ્યર્થ જ ગઈ.’ એ ફરીથી હસી પડ્યો.

એ જ વખતે નાગપાલની પરવાનગી લઈને સારજંટ જુલ્લુ, ઈન્સ્પેક્ટર ધીરજ, સૈયદ, ગુરુપાલ અને બ્લાસ્તનો રિપોર્ટર સુનિલ, બધા એકસાથે જ અંદર પ્રવેશ્યા.
એ દરેક દિલીપને વકીલાતની પરીક્ષામાં પાસ થયા બદલ હાર્દિક અભિનંદન આપ્યા ત્યાર બાદ સમ્ફિયાએ સૌને મીઠું મોં કરાવ્યું.
એ પછી દિલીપ હકલાની શોધ માટે કિચન તરફ ઊપડ્યો. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…