વડોદરામાં પ્રતિબંધિત ચાઈનીઝ લેન્ટર્નના જથ્થા સાથે બે ઝડપાયા
અમદાવાદ: વડોદરા શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ લેન્ટર્નનું વેચાણ કરતા બે ઈસમો ઝડપાયા હતા. પોલીસે ચાઈનીઝ લેન્ટર્નના ૭૩૦ નંગ સહિત ૪.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરમાં પોતાનો આર્થિક ફાયદો રળી લેવા લોકોના જીવ જોખમમાં નાખતા વેપારીઓ દ્ધારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું પોલીસની નજરથી બચી ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા સૂચના આપતા એસઓજી પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ લેન્ટર્ન, ચાઇનીઝ દોરાનું ચેકિંગ હાથ ધર્યું હતું.
દરમિયાન બાતમીના આધારે એસઓજી પોલીસે ધોબીતળાવ પાસે વોચ ગોઠવી હતી. બાતમી આધારિત કાર આવતા પોલીસે તેને કોર્ડન કરી તેમાં તપાસ કરતા ગાડીમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ લેન્ટર્નનો જથ્થો મળી આવતા પોલીસે ૭૩૦ નંગ ચાઈનીઝ લેન્ટર્નના જથ્થા સાથે તુષાર છતાણી અને દિક્ષીતસિંહ સોલંકીની ધરપકડ કરી કુલ રૂ.૪,૧૪,૬૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા બંને ઇસમો વિરુદ્ધ જાહેરનામાના ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.