એકસ્ટ્રા અફેર

છોકરીઓની લગ્નની વય વધે એ શક્ય છે ?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ૨૦૨૧માં મોટા ઉપાડે છોકરીઓ માટે લગ્નની વયમર્યાદા ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવાની જાહેરાત કરેલી ને પછી પાણીમાં બેસી ગયેલી ત્યારે હિમાચલ પ્રદેશની કૉંગ્રેસ સરકારે પાછો છોકરીઓની લગ્નની ઉંમર ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવાનો ઉપાડો લીધો છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુની કેબિનેટે છોકરીઓની લગ્નની ઉંમરમાં ૩ વર્ષનો વધારો કરવા માટે સંબંધિત નિયમો અને કાયદામાં સુધારો કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે અને હવે આ દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલાશે.

હિમાચલ પ્રદેશ સરકારે નિર્ણય તો લઈ લીધો પણ તેનો અમલ ચપટી વગાડતાં થઈ જાય એટલો સરળ નથી. આ અંગેનો નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે તેથી હિમાચલ કેબિનેટની મંજૂરી ભલે મળી ગઈ પણ કેન્દ્ર સરકાર મંજૂરી ના આપે ત્યાં લગી આ દરખાસ્તની કોઈ કિંમત નથી. રાજ્ય સરકાર તેની દરખાસ્ત કેન્દ્રને મોકલશે ને છોકરીઓની લગ્નની ઉંમર વધારવાની ભલામણ કરશે, પણ આ મામલે અત્યાર લગી જે કંઈ થયું છે એ અને કાયદાકીય જોગવાઈઓને જોતાં હિમાચલ પ્રદેશની સરકારની દરખાસ્ત એક રાજકીય ગિમિકથી વધારે કંઈ નથી. ભાજપની ઉત્તરાખંડની સરકાર જે રીતે સમાન સિવિલ કોડનું રાજકીય ગિમિક કરી રહી છે એવું જ ગિમિક હિમાચલ પ્રદેશની કૉંગ્રેસ સરકારે શરૂ કર્યું છે.

આ દરખાસ્તને મંજૂરી નહીં મળે તેનું કારણ એ કે, આ વિષય રાજ્ય સરકારનો જ નથી. આપણે ત્યાં લગ્નને લગતી બાબતોના કાયદા કેન્દ્ર સરકારે બનાવેલા છે ને રાજ્યોને આ કાયદા બનાવવાનો અધિકાર નથી. ભારતમાં બહુમતી હિંદુઓની છે ને હિંદુઓમાં લગ્ન માટે ત્રણ કાયદા અમલી છે. હિન્દુ મેરેજ એક્ટ, ૧૯૫૫ની કલમ ૫(૩), કોર્ટમાં થતાં લગ્ન માટે સ્પેશિયલ મેરેજ એક્ટ, ૧૯૫૪ અને બાળ વિવાહ નિષેધ એક્ટ, ૨૦૦૬ એમ ત્રણ કાયદા હિંદુઓનાં લગ્નને લાગુ પડે છે. આ ત્રણેય કાયદામાં છોકરીઓ માટેની લગ્નની વયમર્યાદા ૧૮ વર્ષ છે.

આ કાયદા હિંદુઓને લાગુ પડે છે જ્યારે બીજાં ધર્મનાં લોકો માટે પોતપોતાના પર્સનલ લો છે. આ પર્સનલ લો છોકરીઓની લગ્નની વય અલગ નક્કી કરાયેલી છે. છોકરીઓની લગ્નની વયમર્યાદા ૨૧ વર્ષ કરવી હોય તો આ બધા કાયદા સુધારવા પડે ને એ કામ સંસદ જ કરી શકે. સંસદ કોઈ કાયદામાં સુધારો કરે એટલે આખા દેશમાં લાગુ પડે એ જોતાં એકલા હિમાચલ પ્રદેશમાં અમલ શક્ય નથી.
આ કાયદા સાથે મતબેકનું રાજકારણ પણ જોડાયેલું છે ને તેના કારણે જ લોકસભામાં કાયદો પસાર કર્યા પછી ભાજપ સરકારે પારોઠનાં પગલાં ભરવાં પડેલાં. મૂળ તો જયા જેટલીના અધ્યક્ષસ્થાને રચાયેલી ટાસ્ક ફોર્સે દીકરીઓની લગ્ન વયમર્યાદા વધારીને ૨૧ વર્ષ કરવાની ભલામણ કરી હતી. સગર્ભાવસ્થા એટલે કે પ્રેગનન્સી દરમિયાન થતાં માતા તથા નવજાત બાળકોનાં મૃત્યુનું પ્રમાણ કઈ રીતે ઘટાડવું એ માટેનાં સૂચનો કરવા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જૂન ૨૦૧૦માં આ ટાસ્ક ફોર્સ બનાવેલી.

ટાસ્ક ફોર્સે તેના રિપોર્ટમાં છોકરીઓની લગ્નની વય વધારવા પર ભાર મૂકેલો. ભારતમાં અત્યારે છોકરાઓની લગ્નની ઉંમર ૨૧ વર્ષ જ્યારે છોકરીઓ માટે ૧૮ વર્ષ છે. હિંદુ મેરેજ એક્ટ ૧૯૫૫ હેઠળ શરૂઆતમાં છોકરાઓ માટે લગ્નની ઉંમર ૧૮ વર્ષ અને છોકરીઓ માટે ૧૫ વર્ષ હતી. ૧૯૭૮માં છોકરીઓની લગ્નની ઉંમર વધારીને ૧૮ વર્ષ અને છોકરાઓની ૨૧ વર્ષ કરાઈ હતી.
ટાસ્ક ફોર્સનું કહેવું હતું કે, નાની વયે દીકરીઓને પરણાવી દેવાય છે તેથી નાની વયે સગર્ભાવસ્થા આવી જાય છે. દીકરી પ્રેગનન્ટ થઈ જાય પણ તેનું શરીર સગર્ભાવસ્થાનો ભાર સહન કરવા સક્ષમ ના હોય તેથી મૃત્યુનું પ્રમાણ વધારે હોય છે. માતાના ગર્ભમા રહેલા બાળકને પૂરતું પોષણ ના મળે તેથી નવજાત બાળકોમાં પણ મૃત્યુ દર ઊંચો છે. આ બાળકો જીવી જાય તો પણ તંદુરસ્ત નથી હોતાં. આ તમામ સમસ્યાનો ઉકેલ લાવવા માટે દીકરીઓને ૧૮ના બદલે ૨૧ વર્ષે પરણાવવી જોઈએ.

આ વાત સાચી હતી તેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગળે ઊતરી ગઈ. મોદીએ ૧૫ ઑગસ્ટ ૨૦૨૦ના રોજ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રને કરેલા સંબોધનમાં એલાન કરી નાંખ્યું કે, ભારતમાં છોકરીઓની લગ્નની વયમર્યાદા ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવામાં આવશે. સમાજવાદી પાર્ટીના બે સાંસદોએ તેની સામે વાંધો લીધો ત્યારે ભાજપના નેતા તેમના પર તૂટી પડેલા. મોદી સરકારના મંત્રીઓ અને ભાજપના નેતાઓએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવીને ભારે વખાણ કરેલાં.

આ હઈસો હઈસોમાં મોદી સરકારે લોકસભામાં આ ખરડો પસાર પણ કરી દીધેલો ને રાજ્યસભામાં ખરડો રજૂ પણ કરી દીધેલો. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાં ખરડો રજૂ કર્યો ત્યારે દાવો કરેલો કે, આ ખરડા દ્વારા લગ્નને લગતા તમામ કાયદા, પ્રથા, રિવાજ વગેરે બધું નકામું થઈ જશે.

આ બધા હાકલા પડકારા પછી અચાનક મોદી સરકાર પાણીમાં બેસી ગઈ. રાજ્યસભામાં આ ખરડો પસાર કરાવવા માટે મોદી સરકારે પ્રયત્ન પણ ના કર્યો. તેના બદલે સંસદીય પેનલને સોંપી દેવાયો. છેલ્લાં ચાર વર્ષથી સંસદીય પેનલ આ ખરડાને લગતી જોગવાઈઓનો અભ્યાસ કરે છે પણ કશું થયું નથી કેમ કે મોદી સરકારને જ હવે છોકરીઓ માટેની લગ્નની વયમર્યાદા વધારવામાં રસ નથી.
મોદી સરકારના આ નિર્ણય પાછળ રાજકીય ફાયદાની ગણતરી છે. છોકરીઓ માટેની લગ્નની વયમર્યાદા ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવાની વાત શહેરી વિસ્તારોમાં લોકોને આકર્ષે છે પણ ગ્રામીણ વિસ્તારોમાં આકર્ષતી નથી. ગામડામાં હજુય જ્ઞાતિવાદનો પ્રભાવ છે અને સામાજિક સંકુચિતતાનો માહોલ છે. દીકરીઓને ઊતરતી ગણીને તેમને ઓછું ભણાવવાની ને વહેલી પરણાવી દેવાની પરંપરા ગામડાંમાં હજુય પ્રચલિત છે જ.

ઉત્તર ભારતનાં રાજ્યોમાં આ માનસિકતા વધારે છે તેથી છોકરીઓ માટેની લગ્નની વયમર્યાદા ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવાના નિર્ણયની આ રાજ્યોમાં રાજકીય રીતે વિપરીત અસરો પડી શકે. તેના કારણે ભાજપને તેના અમલમાં રસ નથી. હિમાચલ પ્રદેશ સરકારે એ દિશામાં કદમ ભર્યું પણ કેન્દ્રને તેના અમલમાં રસ નથી એ જોતા તેનાથી કશું વળવાનું નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ